સાંજને ઉંબર

સાંજને ઉંબર આવ,

આપણે રમીએ થોડું અંગત-અંગત.

પોતપોતાનાં મહોરાં ચીરી

માણી જોઈએ સાચી સંગત.

તું ડરવાનું છોડી દે

હું ભાંગી નાખું ભ્રમ બધાયે.

છલનો ઢાંકપિછોડો છોડી,

અપેક્ષાઓનાં બંધન તોડી,

અવલંબનનો અર્થ શોધીએ!

ગઈ તે ક્ષણને વીસરી જઈને

વિશ્વાસની વ્યાખ્યા ફરીથી લખીએ.

જૂનાં નામ હું ભૂંસી નાખું.

લીટા બધા લૂછી નાખું.

કોરો કડકડતો કાગળ લઈએ,

એક-બીજાની સાથે રહીને,

નવી જ કોઈ રચના કરીએ.

તૂટેલા-ફૂટેલા ટુકડા,

કોઈક કાળા-કોઈક ઊજળા

એક પેટીમાં મૂકી દઈને

ઊંડી ઊંડી નામ વિનાની એક નદીમાં વહેવા દઈએ.

સાંજને ઉંબર આવ,

આપણે રમીએ થોડું અંગત અંગત…..


( કાજલ ઓઝાવૈદ્ય )

One thought on “સાંજને ઉંબર

 1. આ ગીત પરથી મને એક ગીત યાદ આવી ગયું, આસિત દેસાઈએ લગભગ ગાયેલ છે. મારી પાસે ‘ધબકાર’ ઓડિઓ કેસેટ હતી એમાં આ ગીત છે.
  —ચાલને દુલ્હા -દુલ્હન રમીએ…છોડી બંધન કંગન રમીએ..કંગન રમીએ
  સરસ રમતિયાળ ગીત છે એ..
  આ ગીત પણ સરસ છે…

  કાજલબેન સરસ વાર્તા લેખિકા તો છે જ!! સિધ્ધહસ્ત લેખિકા.
  એમનાં પાત્ર “વસુબા”એ ચિત્રલેખાનાં વાંચકોનાં કુટુંબમાં સીધી એન્ટ્રી કરેલ અને હમણા જ એમની ‘દરિયો એક તરસનો’ છલકાયો એ પણ વળી ચિત્રલેખામાં જ સ્તો!!
  આજે જ ચિત્રલેખાની વેબસાઈટ પરથી ‘દરિયો એક તરસનો’ના દરેક હપ્તા ૧ થી ૫૩ પ્રિન્ટ કર્યા છે.વિક એન્ડ સુધરી જશે એવી આગાહી છે.
  એમની બન્ને વાર્તાઓ પરથી સરસ સિરયલ બને. તો સાસુ વહુના રોદણા અને નાગ-નાગણની વાહિયત સિરિયલોમાંથી છુટકારો મળે.

  હીનાબેન, આપનો પણ આભાર કે આપે કાજલબેનના બીજાં પાસાનો પરિચય કરાવ્યો.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.