આ લોકો

આ લોકો

ઠૂંઠા વૃક્ષને જોઈ

ઉદાસ થઈ જાય છે.

આ એ લોકો છે

જે બાળપણથી તમારી સાથે જ ઊછર્યા છે.

યુનિવર્સિટીની એક નાની અમથી ડીગ્રી

અને પ્રેમના બે-ચાર નાના મોટા અનુભવો

એમની જિંદગીભરની કમાઈ હોય છે.

ફૂલ, ચકલી, મેહદી હસન, ફિલ્મ મહોત્સવ

પાણીપૂરી

એમને પસંદ છે.

તેઓ આકાશ નિરખે છે અને

નદી એમને ગમે છે.

પરન્તુ,

આ લોકો માછલીઓથી ડરે છે.

આ લોકો સસલા જેવા માસૂમ હોય છે,

અને નાટકોમાં કામ કરે છે.

જ્યારે કટોકટી આવે છે,

આ લોકો ક્રાંતિકારી કવિતા લખે છે

અને બાથરૂમમાં છુપાઈને

અશ્લીલ સાહિત્યનું વાચન કરે છે.

આ લોકો સાયક્લોસ્ટાઈલ પત્રિકાઓ કાઢે છે

સંયુક્ત વક્તવ્ય પ્રકાશિત કરવાની એમની આદત છે,

કલાપ્રદર્શનોના ઉદઘાટન સમારોહમાં

આ લોકો આગલી હરોળમાં બેસે છે.,

કોલ્હાપુરી ચપ્પલ પહેરે છે,

ઢગલો કોટેશન એમને મોઢે હોય છે,

અને ટિકિટ ખરીદીને

તેઓ ફક્ત એવી જ ફિલ્મો જુએ છે,

જે લોકોની સમજની બહાર હોય છે.

આ લોકો દુકાળ, જેલની ખરાબ હાલત,

અને રાજનીતિના નૈતિક અધ:પતન

વિશે ચિંતિત રહે છે,

ફાસિઝમની પ્રતીક્ષા

પ્રેમિકાના આગમન કરતાં પણ

વધુ બેકરારીથી કરે છે,

ઍમનેસ્ટી ઈન્ટરનેશનલના રિપોર્ટ વિના

તેમનું જીવન અધૂરું છે,

અને છતાં, ચાર મિનાર તથા

પાંત્રીસ પૈસાની ઈરાની ચા

એમની નબળાઈ છે.

તહેવારો યાદ રાખવાની

એમને જરૂર નથી.

કારણ કે વર્ષમાં તેઓ બે જ દિવસો

ઊજવે છે,

એક પોતાની દીકરીનો જન્મદિવસ

અને

બીજો

પોતાના પ્રથમ કે બીજા લગ્નની વર્ષગાંઠ.

આ લોકો ગણિતમાં પાવરધા હોય છે,

અને ઉપકારોની બાબતમાં ભૂલકણા

તેઓ ઉપરથી

વિનમ્ર, અનજાન, તેજતર્રાર અને વિદ્રોહી

દેખાય છે.

એમની દાઢી જોઈને લાગે કે

ચરિત્ર પ્રતિ પણ તેઓ જાગૃત છે.

આ લોકો વિવાદ કરે છે અને ખુશ રહે છે

તેઓ ખુશ રહે છે

પોતાની પત્નીની મોંઘી સિલ્કની સાડી જોઈને.

તેમની પાસે ખાદીના કૂરતાં અને

લટકતા બગલથેલા હોય છે

અને

એકાદ ટી.વી.નો કોન્ટ્રેક્ટ,

કોઈ વિજ્ઞાપન એજન્સીનું અનુવાદકાર્ય,

સમ્મોહિત કરતી ભાષામાં

ઝૂંપડપટ્ટી પર લખાતા રિપોર્ટનું કામ, વગેરે.

એમનાં બાળકો નિયમિત કેડબરી ખાય છે.

આ લોકો નિયમિત ઉદાસ થઈ જાય છે

ઠૂંઠા વૃક્ષને જોઈને…

પરન્તુ, આજ સુધીમાં ક્યારેય એવું નથી બન્યું

કે આ લોકો ઉદાસ થાય

અને કોઈ વૃક્ષ ઊગી નીકળે.

( અક્ષય જૈન, અનુ. માલા કાપડિયા )

4 thoughts on “આ લોકો

 1. આવી રચના આપવા બદલ અક્ષય જૈનને અભિનંદન અને બ્લોગ ઉપર પોસ્ટ કરવાં બદલ આપને પણ.
  ગુજરાત અને ગુજરાતીઓ પાછળ આ લોકો જ પડયાં છે.
  પણ અમને ગુજરાતી લોકોને કોઇ ફરક પડતો નથી.

 2. hello maddam among the best

  ઠૂંઠા વૃક્ષને જોઈને…

  પરન્તુ, આજ સુધીમાં ક્યારેય એવું નથી બન્યું

  કે આ લોકો ઉદાસ થાય

  અને કોઈ વૃક્ષ ઊગી નીકળે.

  ( અક્ષય જૈન, અનુ. માલા કાપડિયા

 3. KHUB SARAS CHHE. A RACHAN VISHE KASHU PAN KAHEVA MA SHABDO OCHHA PADA . THNX HEENA JI.I V. V. HAPPY FOR THIS. THNX

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.