આગ…!!

સૂરજ ડૂબે

પછી લાલ થઈ ગયેલું આકાશ

સૂરજ ઊગે

ત્યાં સુધી આંખોમાં જ સચવાયેલું રહે છે હવે.

કૂંડામાં ઊગે છે એ ફૂલને

હથેળીમાં ઉગાડવાની નાકામ કોશિશ

હજ્જારોવાર કરી લીધાં પછી પણ

આંગળીઓ પર બરફ જામ્યો હોય

એવું હજી યે લાગે છે, તું સ્પર્શે છે ત્યારે.

શુષ્ક થઈ ગયેલા હોઠ પર ગુલાબનું ફૂલ ફેરવવાથી

એની શુષ્કતા ઓછી નથી થતી

એવી તને ખબર છે અને તોય ગુલાબનું વળગણ છૂટતું નથી તને

ગેસ ઓન કરી બર્નર પર દીવાસળી ચાંપું છું

ત્યારે થતો ભડકો

હવે આગ જેવો લાગે છે

અને એક સ્પર્શ વીંટળાઈ જાય છે શરીરની આસપાસ.

પછી, મન પર કોઈ સલ્ફ્યુરિક એસિડ રેડતું હોય એમ

અંદર સચવાયેલું બધું જ

ભડ-ભડ ભડકે બળે છે અને

મન સાંજનાં આકાશ જેવું થઈ જાય છે લાલ….

ત્યારે પણ,

તારો બરફ જેવો ઠંડો સ્પર્શ

હંમેશની જેમ

નાકામ રહે છે,

અંદર લાગેલી આગને ઠારવામાં…!!!

( એષા દાદાવાળા )

3 thoughts on “આગ…!!

  1. tamari kavita suraj uge 6 mane khubj gami ane mane avij rite tamari naviavruti moklta rahejo ane mara jode vat karva vinnti 6 maromobail nombar 9913351580

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.