સવારથી સાંજ સુધી
કાચ સાફ કર્યા કરું છું!
સાંજને અજવાળું તો સવાર થાય
ને સવારને સંજવાળું તો સાંજ થાય.
કાચ ધૂંધળા-ધુળળા બધે થયા જ કરે
ગાડીઓના કાચ, બારીઓના કાચ,
કબાટોના કાચ,
સઘળા અસબાબી કાચ
સાફ કરો ને ધૂંધળા જ ધૂંધળા!
મારે સિસિફસની જેમ કાચ
સાફ કર્યા કરવાના?
આરપાર કશું જ દેખાય નહીં!
હવે તો મારા ચશ્માંના કાચ પર
શંકા જાય છે કે તમામ કાચ પાછળ
ધૂંધળાશને સ્પર્શવા છતાં
સ્પર્શાતું કેમ નથી કે
ઓળખાતું કશું નથી?
જવા દો! આ બધી પ્રવૃત્તિ-નિવૃત્તિને
મૂંગા મૂંગા સઘળું કાચમય ખલક
જેવું છે તેવું જોયા કરો!
ના સમજાય તો કંઈ નહીં!
માત્ર કાચને જ જોયા કરો
કોકવાર તો ચોખ્ખો સૂર્ય દેખાશે જ…!
( નલિન પંડ્યા )
vichaarataa karee de tevee rachanaa.