મને

મને નિયતિ સામે કોઈ ફરિયાદ નથી.

કદાચ કોઈ માણસ પ્રત્યે મને નફરત હોય…!

આ શહેરમાં પીળી હવા હવસ થઈને ફરતી હોય તો પણ શું….?

શૈશવથી મારાં ફેફસામાં આકાશને ભરતો આવ્યો છું.

આ આંખો પર ચશ્માં ન હોય ત્યારે જગત ભલે ઝાંખુ થઈને સરી જતું લાગે.

પ્રેમની ભીની ભાષા બોલી શકે એવી બે આંખો મળી છે મને!

બે-ચાર દોસ્તનાં ગજવામાં ખંજર નીકળ્યાં તોપણ શું?

કેટકેટલી વાતોથી મારી રાતોને મઘમઘતી કરી છે મિત્રોએ!

એમ તો મારી ઈચ્છાઓને હિમાલય પણ ઓછો પડે.

સવારે આંખ ખોલું અને રાત્રે મારી દુનિયામાં પાછો વળું ત્યાં સુધીમાં

વૈભવનો કેટકેટલો ઝળહળતો ખજાનો ખુલ્લો મૂક્યો છે કુબેરે,-

મારે માટે?

થોડાક સોના-રૂપાના સિક્કા ઓછાવત્તા મળ્યા તોપણ શું?

એક ફૂલને જોઈને ઘણીયે વાર

આંખ પ્રભુનો અહેસાન માને છે.

અને ત્યારે

મને નિયતિ સામે કોઈ ફરિયાદ નથી રહેતી.

-કદાચ મને…….!


( વિપિન પરીખ )

One thought on “મને

 1. vipin parikh: one of the good poet in Gujarati language. writes’ about
  the confused simplicity of life in a very simple diction.
  મને નિયતિ સામે કોઈ ફરિયાદ નથી.
  કદાચ કોઈ માણસ પ્રત્યે મને નફરત હોય…!
  simple statement and natural expression !

  himanshupatel555.wordpress.com (a site to visit)

Leave a Reply to himanshupatel555 Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.