બાપો

મૂળ વલસાડના અને થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા શ્રી જયંત દેસાઈની આ કવિતા દક્ષિણ ગુજરાતની લાક્ષણિક બોલીમાં લખાયેલી છે. આને પ્રાર્થના કે ભજન કહેવું મુશ્કેલ છે. કવિ ખૂબ જ સહજતાથી અને આત્મીયતાથી ઈશ્વર સાથે એવી રીતે વાત કરે છે જાણે કે ઘરની વ્યક્તિ કે મિત્ર સાથે કરતાં હોય. કવિ આ કવિતામાં ઈશ્વરને બાપો, ડોસો કહીને સંબોધે છે અને પોતાની ફરિયાદો કરે છે. પણ કવિનો દેસાઈ મિજાજ-કોઈથી ન દબાઈ જવાનો મિજાજ અહીં છતો થયા વિના રહેતો નથી. તે ઈશ્વરને ડોફો કહીને એ મિજાજમાં ધૂળ કાઢી નાખવા માટે ધમકી આપે છે. આ મિજાજ જોઈને વલસાડના જ મોરારજી દેસાઈ યાદ આવ્યા વિના રહેતા નથી. તેઓ પણ આવા જ મિજાજ માટે જાણીતા હતા.

બાપો

હું લાગમાં લીધો,
હું લાગમાં લીધો…!
બરોબ્બર ગચરાઈ’વો તેં
બાકી, કે’વું પડે હેં!!
તું ડોહો ને ઊં તારો પોઈ’રો…
એટલો હોં તે વિચાર નીં કઈ’રો!
હાંને હારું તેં મને
આ દુનિયામાં લાવી’ને લાઈ’ખો?
મારો વાંક હું ઉતો?
ને મારે કાં કંઈ જોઈતું ઉતું?
ખાલી ફોગટનો મરાવી લાઈ’ખો!
નિહાળમાં માસ્તરોએ કીધું
કે હારા પોઈરા બનવાનું,
તો ઉં બઈ’નો!
ચોપડામાં વાંઈ’ચા કરતો, ને પછી
હારો માણસ હો બઈ’નો!!
પણ મને તેં કાં ઠરીને બેહવા દીધો?
આ ફા લાઈ’ખો ને વરી તે ફા લાઈ’ખો!
ને છેલ્લે તો જે ફેંઈ’કો તે આ
દહ અજાર માઈલ દૂર આવીને પઈ’ડો!
જે લોકો સાલા ઉંધા ધંધા કરતાં ઉતાં
તેને નીને મને હાંને હારું તેં
આટલો દુ:ખી ક’ઈરો હેં?
તું હું એમ માને કે ઊં દબાઈને બેહી રે’વા
ને કંઈ ની બોલા? અરે ડોફા!
ભગવાન થેઈ ગીઓ તો હું થીયું?
ઊં તો તારી હો, ધૂળ કાઢી લાખા, કે’ઈ દે’ઊ!
વરી લેવાનું કંઈ મલે ની ને અમથો
મને આ ભવાડામાં ખેંચી લાઈ’વો!
જોતે…પાછો! અઈ’હાં હું કરતો છે?
તારા બધ્ધાં ફોટા ને મૂ’રતી, ઘરમાંથી કાઢી
ની લાખું તો મારું નામ ની!
બોઊ થહે તો ગાંડો થેઈ જવા ને
એમ માના કે મારો કોઈ બાપો ઊતો જ ની!
જો અક્કરમીના પડિયાં કાણા ઓ’ય તો
હક્કરમી બનીને હો હું કાંદો કાઈઢો?
કાં દા’ડો વઈ’ળો બોલ?
ચૂપ કેમ થેઈ ગીઓ
કંઈ ફાટ તો ખરો!! મોઢામાંથી!
.
[ગચરાઈ’વો-ગળચી દબાવી, પોઈરો-છોકરો, હક્કરમી-સદ્દકર્મી, અજાર-હજાર, ફા-બાજુ, અઈ’હા-હસ્યા]
.
જુલાઈ ૯ ૨૦૦૫ રાત્રે ૯.૦૦ પમોના
.
જયંત દેસાઈ

Share this

12 replies on “બાપો”

  1. To be continued… allow me …. જો બાપો બોલશે તો લાફો પડશે, પાછો એમ ના કેહતો કે ઘર માંથી કાઢી મૂકા ! અરે ડોફા આજે આ બાપો છે તો તું ! – એકદમ જક્કાસ

  2. To be continued… allow me …. જો બાપો બોલશે તો લાફો પડશે, પાછો એમ ના કેહતો કે ઘર માંથી કાઢી મૂકા ! અરે ડોફા આજે આ બાપો છે તો તું ! – એકદમ જક્કાસ

  3. આ જ તો સૂરતીઓની ખાસિયત છે. ગાળ દે તે પણ ગોળની ચાસણીમા ઝબોળીને અને બાપા સાથે લાડ કરે તે પણ કોથળામાં પાંચશેરી મૂકી ઘા મારીને. સૂરતી લાલા કાંઈ અમથા કહેવાય છે.

  4. આ જ તો સૂરતીઓની ખાસિયત છે. ગાળ દે તે પણ ગોળની ચાસણીમા ઝબોળીને અને બાપા સાથે લાડ કરે તે પણ કોથળામાં પાંચશેરી મૂકી ઘા મારીને. સૂરતી લાલા કાંઈ અમથા કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.