સહેજ વાંસળી વાગે
સહેજ વાંસળી વાગે ને આ દોડે રાધા
ને પેલી રુકિમણી હિંડોળે જઈ ઝુલે
ઝૂલા પર ઝૂલનારી જાણે નહીં કે
આવી ઘેલછામાં હૈયું કેમ ખૂલે !
મહેલ મહીં મા’લવામાં માધવ તો દૂર
અહીં વેદનામાં ઊઘડે અવતાર
ખીલતી કળીને જઈ પૂછો કે કેમ કરી
ફોરમના રણઝણતા તાર
એના ઝાંઝરમાં વૈભવનો કણસે સૂનકાર
હું તો વૈકુંઠ વેચું છું વણમૂલે !
પીંજરના પોપટ ને મેનાની સાથ
ભલે સોનાના હિંડોળા-ખાટ
તાણી જાય ચીર એવા શ્યામની સંગાથ
કહો, ગોઠડીની છૂટે કેમ ગાંઠ ?
જરી સાનમાં કહું ને કબૂલે કહાન
એક પળમાં પટરાણીને ભૂલે !
.
( સુરેશ દલાલ )
સમાજ ભલે રાધાને ઘેલી ગણે કે મીરાંને બાવરી કહે. પણ કૃષ્ણને પામવા માટે આ ઘેલછા જ જરુરી છે. સોનાના હીડોળે ઝૂલતી રુકમણી જે કૃષ્ણની પત્ની છે છતાં રાધા કૃષ્ણથી વધુ સમિપ છે. આ વાતને કવિએ કાવ્યાત્મક રીતે રજૂ કરી એક અનોખુ સૌંદર્ય ઉભું કર્યું છે.