વણપુછાયેલા પ્રશ્નનો જવાબ

ક્યારેક

કોઈક વરસને વચલે દહાડે

એ મારે ત્યાં આવે

અને

અદબ જાળવીને

મને શબ્દોથી કશું પૂછે નહીં

પણ

એની આંખના પ્રશ્નને ઉકેલતા

મને વાર નથી લાગતી.

પ્રમાણમાં વિશાળ ઘરમાં

હું

સાવ એકલી કઈ રીતે રહી શકું છું

એવો પ્રશ્ન

પૂછ્યા વિના પુછાય છે.

જે પ્રશ્ન

પૂછ્યા વિના પુછાયો હોય

એનો ઉત્તર

હું એમને આપતી નથી

પણ

મારા મનમાં

તો

મારી સાથે

એક સંવાદ ચાલ્યા કરે છે.

.

એકલતાને તો મેં હડસેલી દીધી છે

હજાર હજાર માઈલ દૂર.

મને દીવાલો સાથે વાત કરતાં આવડે છે.

મારા બગીચાનાં ઝાડપાન સાથે

હું ગોષ્ઠી કરી શકું છું

અને

ફ્લાવરવાઝના ફૂલો સાથે પણ

અનુભવી શકું છું આત્મીયતા.

તમે જેને એકલતા કહો છો

એને હું મારું એકાંત કહું છું.

.

હું

છલોછલ અનુભવું છું

મારા એકાંતની સમૃદ્ધિ.

ઘર નાનું હોય કે મોટું હોય

માણસો ઓછા હોય કે વધારે હોય-

સાચું કહો,

તમે

આ બધાંની વચ્ચે

એકલતા નથી અનુભવતા ?

અથવા

તમે તમને જ પૂછી લો

કે

આ બધાની વચ્ચે

તમને તમારું

ગમતું એકાંત મળે છે ખરું ?

માણસો સાથે રહે છે-

કદાચ છૂટા પડી શકતા નહીં હોય એટલે ?

હું માનું છું

કે

બહુ ઓછા માણસો

સાચા અર્થમાં

સાથે જીવતા હોય છે

જીવી શકતા હોય છે.

દીવાલોના રંગ ઊપટી ગયા હોય એવા

થઈ ગયા હોય છે સંબંધો.

એક માણસ બીજા માણસથી ડરી ડરીને

ચાલે છે

એક માણસ બીજા માણસને છેતરી છેતરીને

જીવે છે-

જીવવાનું છળકપટની દુનિયામાં !

સુખી છીએ એવો દેખાવ કરવામાં જ

ઉઘાડુ પડી જાય છે

આપણું દુ:ખ.

.

ક્યાંય કોઈ અખંડ પોત નહીં

ક્યાંય કોઈ અખંડ જ્યોત નહીં

કટકે કટકે જીવતા જીવતા

કટકે કટકે મરવાનું.

.

મળવાનો દેખાવ કરીને નહીં મળવાનું.

કોઈ વિરાટ પ્રદર્શનમાં ગોઠવાયેલી

અનેક ચીજ હોય એવી રીતે

સંબંધ નામની અનેકમુખી ચીજને

અતૃપ્તિ સાથે જોયા કરવાનું.

.

સાથે રહીને એકલા પડવા કરતાં

એકલા રહીને સાથે જીવવાનો આનંદ

મને તો છલકાતો દેખાય છે

મારા ખાલીખમ (?) ઘરમાં…

.

( પન્ના નાયક )

Share this

2 replies on “વણપુછાયેલા પ્રશ્નનો જવાબ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.