ધ્યાન દઈને સાંભળ મનવા, ખાલીપાએ સાદ કર્યો છે
તું ચાલે તો, જઈએ મળવા, ખાલીપાએ સાદ કર્યો છે.
.
કંઈક અધૂરી કંઈક અધીરી, કંઈક અદીઠી ઘટના સાથે
ભીતર દ્વારો લાગ્યાં ખૂલવા, ખાલીપાએ સાદ કર્યો છે.
.
તળિયે બેઠો સન્નાટો પણ, હાલક ડોલક થાવા લાગ્યો
મૌન કશું લાગ્યું ગણગણવા, ખાલીપાએ સાદ કર્યો છે.
.
લાખ મુખોટા ભેદી મારો, અસલી ચહેરો શોધી કાઢી
હળવે હળવે સામે ધરવા, ખાલીપાએ સાદ કર્યો છે.
.
કેમ કરું એની અવગણના, કેમ કહો જાકારો આપું ?
પળ પળ મુજને ભેટી પડવા, ખાલીપાએ સાદ કર્યો છે.
.
‘વંચિત’ એના સાથ વગર તો, ખુદને મળવું શક્ય નથી
જેવી જેની શ્રદ્ધા ક્ષમતા, ખાલીપાએ સાદ કર્યો છે.
.
( વંચિત કુકમાવાલા )
શ્રી વંચિત કુકમાવાલાની સુંદર રદિફ સાથે પ્રસ્તુત ગઝલનો લય અને મક્તાનો શેર બહુજ ગમ્યા.
-અભિનંદન.
શ્રી વંચિત કુકમાવાલાની સુંદર રદિફ સાથે પ્રસ્તુત ગઝલનો લય અને મક્તાનો શેર બહુજ ગમ્યા.
-અભિનંદન.