મળવું તારું
અણધાર્યા વરસાદ પછી ભીની માટીની સોડમ જેવું,
મળવું તારું
સૂની રાતે મહેકી ઊઠતી રાતરાણીની ફોરમ જેવું.
.
મળવું તારું
પગનાં તળિયે સ્પર્શ કરીને વહી જતાં એક ઝરણા જેવું,
મળવું તારું
એક સવારે યાદ રહેલા કોઈ અધૂરા શમણા જેવું.
.
મળવું તારું
સ્મિત સંગાથે ગાલે ક્ષણભર ખીલી જતા એક ખંજન જેવું,
મળવું તારું
ફૂલના કાને વાત કરીને ઊડી જતા એક ગુંજન જેવું.
.
મળવું તારું
શાંત નીર પર લહેર હવાની અડી જતી ને ઊઠ્યા તરંગો,
મળવું તારું
જાણે આવે કોઈ પરી પહેરીને મેઘધનુષી રંગો.
.
મળવું તારું
શાથી આવ્યું ? ક્યાંથી આવ્યું ? કેમ કરીને રાખું ઝાલી ?
મળવું તારું
સાવ અકારણ ! સાવ અમસ્તુ ! બસ આમ જ ને ! ખાલી ખાલી !
.
( શ્યામલ મુનશી )
વાહ!ગજબની તુલના.
વાહ!ગજબની તુલના.
મળવું મારું….કેમ? ક્યારે? કેવી રીતે? કયા કારણો થી? એના થી તો હું પણ તારી જેમ જ અજાણ છું…
મળવું મારું….કેમ? ક્યારે? કેવી રીતે? કયા કારણો થી? એના થી તો હું પણ તારી જેમ જ અજાણ છું…