બધાયથી છૂટો પડીને – અર્જુન બ્રહ્મક્ષત્રિય

બધાયથી છૂટો પડીને સાવ એકલો છું મારા ખંડમાં

અખંડ એકાંતને સાચવીને હું બેઠો છું મારી સાથે

સાંજની હળુ હળુ હવા જેવું મૌન સહજપણે લઈ આવે છે

મારે માટે મધુર મુલાયમ રેશમી રજાઈ જેવો અંધકાર.

બારી ખોલી નાખીને બંધ બારણે જીવવું મને ગમે છે

અસ્તિત્વમાં આસપાસ રચાઈ જાય છે એક નીરવ સરોવર.

કમળ આપમેળે ખૂલતાં જાય છે અને ભ્રમર પણ

ગૂંજનને હોઠ પર અટકાવી રાખીને

મારા એકાંતની ઈજ્જત કરે છે

કોઈ અજબગજબની લિજ્જત માણું છું મનના મયખાનામાં

હોશથી બેહોશ થવાની મજા કોઈ ઓર જ હોય છે.

ભાવ-અભાવ-પ્રતિભાવ-પ્રત્યાઘાત-અપેક્ષા-ઉપેક્ષા

કશું જ ક્યાંય પણ નડતું-કનડતું નથી

વાણીથી વિખૂટો પડીને હવે મન સાથે પણ મૂંગો થતો જાઉં છું

અને ગાવાના કેટલાંયે ગીતને અલવિદા કરીને મારામાં વીરમું છું.

.

( અર્જુન બ્રહ્મક્ષત્રિય )

One thought on “બધાયથી છૂટો પડીને – અર્જુન બ્રહ્મક્ષત્રિય

Leave a Reply to ક્રિષ્ના Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.