ઝંખના – પલ્લવી શાહ

.

જ્યારે જ્યારે તું મને સ્વપ્નમાં આવે છે ત્યારે ત્યારે મને આ દુનિયા આખી બદલાઈ ગયેલી લાગે છે. ક્યારેક મારી આંખ ભરાઈ આવે તો ક્યારેક મારું મસ્તક તને નમી પડે છે તો ક્યારેક હું મારી સુધબુધ ખોઈ બેસું છું. આ ઝાડ, પાન, આકાશ, સમુંદર, ધરતી, પશુ-પંખી, આબાલ વૃદ્ધ બધા જાણે મને હસતા લાગે છે. મારી આજુબાજુના બધાં દુ:ખ ભૂલીને હું ખૂબ ખુશખુશાલ થઈ જાઉં છું અને જેટલી હું ખુશ થાઉં છું એટલી તને મેળવવાની, તારામાં સમાઈ જવાની પ્યાસ મારામાં વધતી જ જાય છે. મારો તારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. ને મારી આંખો ભરાઈ આવે છે. એ મારા આંસુ સાથે વારંવાર તને એક જ વિનંતી કર્યા કરું છું કે ક્યારેક ભૂલથી પણ હું રસ્તો ભૂલું તો મને ઉદાર દિલે માફી આપી મારી સાથે ને સાથે, મારી પાસે ને પાસે રહેજે. મારો સાથ તું કદી પણ છોડતો નહિ. મને સાચો રસ્તો બતાવી મારો રાહદારી બનજે, બનીશ ને ?

 .

હું તને કેટલો પ્રેમ કરું છું તેની તને ખબર છે ? ક્યારેક મને ઈચ્છા થાય છે કે તારી માતા બની મારું ધાવણ તને અર્પૂ, તને ખૂબ વહાલ કરું, તારા માથા પર, તારા શરીર પર હેતનો વરસાદ વરસાવું, તને નવરાવું, સરસ વસ્ત્રાલંકાર પહેરાવું, તને સજાવું, તો ક્યારેક મને થાય છે કે હું તારી દીકરી થઈ જાઉં, તું મને ખૂબ વહાલ કરે, મારે માથે હાથ ફેરવી મને પરમ શાંતિનો અનુભવ કરાવે તો ક્યારેક મને થાય છે કે હું તારી બહેન બની તને રાખડી બાંધુ, તારી છાતીમાં મ્હોં છુપાવી મારા સુખદુ:ખની વાત કરું. તું મારી સમક્ષ રહે અને પળે પળે તારી આંખોમાંથી વ્હાલપનું ઝરણું મારી સમક્ષ વહેતું રહે. તું મને કયા સ્વરૂપે સ્વીકારીશ ?

.

( પલ્લવી શાહ )

.

 

Share this

2 replies on “ઝંખના – પલ્લવી શાહ”

  1. હા મને ખબર છે કે તું મને કેટલો પ્રેમ કરે છે…મારી જીંદગી માં કોઈ પણ સ્વરૂપે તારું આગમન મને મંજુર છે…તું ઈચ્છે એ સ્વરૂપે મને ચાહી શકે છે અને ઈચ્છે એ સ્વરૂપે મારી પાસે થી પ્રેમ માંગી પણ શકે છે…હું તો તારી પર સતત અવિરતપણે વહેતો પ્રેમ નો અનરાધાર ધોધ છું અને હંમેશા આમ જ વરસતો રહીશ.

  2. તારી ગુજરાતી બ્લોગની સફળતા ના પરિણામ માટે તને ખુબ ખુબ હાર્દિક અભિનંદન…હૃદયના ઊંડાણપૂર્વક અનહદ ખુશી સાથે તને અભિનંદન આપતા હું પણ ખુબ જ ખુશ છું તારી આ પ્રગતિ થી. હંમેશા આમાં ઉત્તરોત્તર વધારો થતો રહે એવી શુભકામનાઓ અને શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.