એક મકાન હતું – સુરેશ દલાલ

.

એક મકાન હતું. મકાનનો રંગ પીળો હતો. માણસના રંગ જેવો જ. મકાનને અને માણસને સ્કેવર – ફૂટનો નાતો હતો. માણસને બીજા માણસ સાથે હોય છે એવો જ. એક મકાનને ફ્લેટ હતા. કોઈક નાના, કોઈક મોટા, – જૂના જમાનામાં રાજાને કુંવર હોય એવા. બે રૂમ અને કિચનનો ત્રિકોણ હતો, ટૂથબ્રશ જેવી બાલ્કની હતી અને હાથ સાંકડા કરીને ટુવાલથી શરીર લૂછી શકો એટલો મોટો બાથરૂમ હતો. હાથરૂમ ભયો ભયો, બાથરૂમ જિયો જિયો, જિયો જિયો, ભયો ભયો ! ભયો ભયો, જિયો જિયો !

 .

-પછી તો ન પૂછો વાત. રાત ને દિવસ, દિવસ ને રાત લીલાલહેર, લીલાલહેર. ઘેર ઘેર લીલાલહેર. એક ફ્લેટમાં એક બાબો હતો, એક બેબી હતી. બાબો કોન્વેન્ટમાં જાય, બેબી કોન્વેન્ટમાં જાય. બન્ને જણ ‘જેક એન્ડ જિલ. વેન્ટ અપ ધ હિલ’ એવું એવું ગાય કે પૂછો નહીં વાત. ‘હિકરી ડિકરી ડોક.’ રાત ને દિવસ, દિવસ ને રાત, જોકમજોક. રામાયણનો પાઠ અંગ્રેજીમાં વાંચે અને બોલે ‘રામા લિવ્ડ ઇન અ ફોરેસ્ટ !’ મા રાજી થાય, બાપ રાજી થાય. બહુ રાજી રાજી થાય એટલે લિફ્ટમાં આવે ને લિફ્ટમાં જાય.

 .

એક દિવસ તો ગજબ થઈ. અજબ થઈ, ભઈ ગજબ થઈ. બાબાએ પૂછ્યું :”મમ્મી, જેક એન્ડ જિલ હિલ પર કેવી રીતે ગયાં ? લિફ્ટમાં ગયાં, મમ્મી ? મમ્મી હિલ પર જવા માટેની લિફ્ટ કેવી હોય ?”

 .

મમ્મીએ તરત ઓફિસમાં ફોન કર્યો અને કહ્યું કે આપણો બાબો હોશિયાર છે. કેવા બૅફલ કરે એવા ક્વેશ્ચન પૂછે છે. સ્માર્ટ અને નૉટી બૉય છે.

 .

પડોશીને ફોન કરીને કહ્યું કે બાબાએ તે કંઈ સવાલ પૂછ્યો છે. સવાલ તે કંઈ સવાલ પૂછ્યો છે ! પડોશીએ કહ્યું કે હવેનાં છોકરાંની તો વાત જ જવા દો. મારી બેબી શું સરસ રીતે કૃષ્ણ ભગવાનની વાત કરે છે. કહે છે કે કૃષ્ણનો રંગ તો ડાર્ક હતો.એને બટર બહુ ભાવે. ફ્રીજ ખોલ બંધ કરે અને બટર લઈ લે. બોલથી રમ્યા જ કરે, એક દિવસ બોલ રિવરમાં પડ્યો ને નાગની વાઈફે પછી બોલને અને લોર્ડ કૃષ્ણાને બચાવી લીધા. શું સ્માર્ટ જનરેશન છે ! જનરેશન ભયો ભયો, જનરેશન જિયો જિયો, જિયો જિયો, ભયો ભયો ! ભયો ભયો, જિયો જિયો !

 .

એક એક મકાનમાં હોય છે ફ્લેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ – એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ. કોઈને ત્યાં ડોગ, કોઈને ત્યાં કેટ. બધું જ પાળેલું. બારી પર પડદા પાળીએ. બાલ્કનીમાં, ટેરેસમાં ઝાડ પાળીએ, પાન પાળીએ. ભગવાન પણ પાળેલા. ગોખલામાં પંપાળેલા. ડ્રોઈંગરૂમનો ખૂણેખૂણો, કેવો ભરેલો, ક્યાંય ન ઊણો. વોલ ટુ વોલ કાર્પેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ.

 .

બેડરૂમમાં કોસ્મેટિક્સ, મિરર, નાઇટી, સ્લિપર, સ્લીપંગ-પિલ્સ, કોન્ટ્રાસેપ્ટિવ્ઝ, પ્લેબોય, પેન્ટિંગ, મ્યુઝિક, ઝીંકાઝીંક, લમણાઝીક, માથાઝીક. આર્ગ્યુમેન્ટસ, સામસામા માંડ્યા કેમ્પ્સ; અમે ડ્રોઈંગરૂમમાં હસીએ, અમે બેડરૂમમાં ભસીએ, પાળેલો ડોગ, પાળેલી કેટ; એક એક મકાનમાં ફ્લેટમફ્લેટ. જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ. ધિસ એન્ડ ધૅટ, ધૅટ એન્ડ ધિસ, કિસમકિસ, ભીંસમભીંસ, ધિસ એન્ડ ધૅટ. લેફ્ટ, રાઇટ, રાઇટ, લેફ્ટ.

 .

લંચ, ડિનર, પાર્ટી, રિસેપ્સશન્સ. પિકનિક, ફિલ્મ્સ, ડ્રામા, – રામા લિવ્ડ ઇન અ ફોરેસ્ટ.

 .

કોઈકને ત્યાં જવું હોય તો પૂછીને જવાનું. શોકસભામાં જવું હોય તો આંખ લૂછીને જવાનું, બધું જ ક્રમ પ્રમાણે, બધું જ નિયમ પ્રમાણે, બધું જ પ્રમાણે પ્રમાણે. મોટેથી હસાય નહીં. છીંક ખાવાની અને ‘એક્સ્ક્યૂઝ મી’ બોલવાનું. પાસે રાખવાના ફિક્કા ફિક્કા-ત્રણચાર સિક્કા. ‘થેન્ક યુ, સોરી, હેપી ટુ સી યું.’ યુ, યુ, આઈ યુ. આઈ યુ. વિઝિટિંગકાર્ડ, ફોન નંબર, એપોઇન્ટમેન્ટ, વાતવાતમાં સ્ટેડિયમ, વાતવાતમાં ક્રિકેટ, સિગારેટ, જેવું જેનું ગજવું, જેવું જેનું પેટ, એવો એનો ફ્લેટ, ફ્લેટ ભયો ભયો, ફ્લેટ જિયો જિયો. ભયો ભયો, જિયો જિયો ! જિયો જિયો, ભયો ભયો !

 .

ફિયાટ ને એમ્બેસેડર, ઓબેરોય અને શમિયાણા, દિલ્હીને દાર્જિલિંગ, વ્હિસ્કી સાથે કાજુ ને શીંગ, ટાઈપિન, કફલિંક. હિલ્સ ને પિલ્સ. આંખોમાં ગ્રિલ્સ. અમને સમારંભોની હોંશ, અમને વ્હિસ્કીમાં સંતોષ, ક્યાંય નહીં હોય અમારો દોષ; અમે ડ્રોઇંગરૂમમાં હસીએ, અમે બેડરૂમમાં ભસીએ. આજે બૈરુત, કાલે તિબેટ, આખું જીવન જમ્બોજેટ. જેવું જેનું ગજવું એવો એનો ફ્લેટ. મકાન જિયો જિયો, પીળો રંગ જિયો જિયો, માણસ ખાલી ખાલી, સ્કેવર ફીટ ભયો ભયો.

 .

એક મકાન હતું. મકાનને અને માણસને સ્કવેરફૂટનો નાતો હતો.

સમજ નથી પડતી કે માણસ રોતો હતો કે માણસ ગાતો હતો.

 .

( સુરેશ દલાલ ‌)

૧૪.૦૪.૧૯૭૬

Share this

5 replies on “એક મકાન હતું – સુરેશ દલાલ”

Leave a Reply to mahesh sisara Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.