.
તાળીઓની ગુંજની કે દાદની આબરૂ લઈ લીધી,
સ્ટેજ પર મૌન રહી, સંવાદની આબરૂ લઈ લીધી.
.
પથ્થરો તો ઠીક છે લોઢુંય કૂંપળ થાય એ પળમાં,
તેં નહીં ભીંજાઈને વરસાદની આબરૂ લઈ લીધી.
.
સ્તંભને અડવામાં જો દાઝી ગયો તો દોષ એ કોનો ?
કશ્યપે કે ઈશ્વરે પ્રહલાદની આબરૂ લઈ લીધી ?
.
આયખું આખુંય જલસાથી મધુર રીતે મેં જીવીને,
જિંદગીના સાવ કડવા સ્વાદની આબરૂ લઈ લીધી.
.
આ તમારું મૌન મારા મૌનમાં અક્ષરશ: ઓગાળી,
શબ્દના સૌ છીછરા અનુવાદની આબરૂ લઈ લીધી.
.
( અનિલ ચાવડા )
પ્રિય હીનાબેન
આપની વેબસાઈટ પર આપે મારી કવિતા મૂકી તેથી આનંદ થયો
આપનો આભારી છું….
આબરૂ લઈ લીધી…નવા રદીફમાં સુંદર કવિકર્મ. સરસ ગઝલ. છેલ્લા શેર માટે વાહ…
🙂 તે નહિ ભીંજાઈને વરસાદની આબરૂ લઇ લીધી 🙂
Tremendous .