મૃત્યુ – ખલિલ જિબ્રાન

Khalil Gibran

.

ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ.

 .

ત્યારે તેમણે કહ્યું :

 .

તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે.

 .

પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ?

 .

દિવસ પ્રત્યે આંધળું થયેલું નિશાચર ઘુવડ તેજેનું રહસ્ય ઉકેલી શકે નહીં.

 .

જો તમે સાચે જ મૃત્યુના આત્માને જોવા ઈચ્છતા હો, તો તમારા હૃદયને જીવનના શરીર સામે ખુલ્લું મૂકી દો.

 .

કેમ કે જીવન અને મૃત્યુ એક જ છે, – જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ.

 .

તમારી આશાઓ અને ઈચ્છાઓના મૂળમાં જ તમારું મૃત્યુ પાર વિશેનું જ્ઞાન છુપાઈને રહ્યું છે;

 .

અને બરફની નીચે ઢંકાઈ રહેલા બીજની જેમ તમારું હૃદય વસંતના સ્વપ્ન જુએ છે.

 .

એ સ્વપ્નોમાં શ્રદ્ધા રાખો, કારણ કે તેમાં જ અમરતાનો દરવાજો છુપાયેલો છે.

 .

તમારો મરણનો ભય પેલા ભરવાડની બીક જેવો છે : જે, રાજા એને સ્વહસ્તે માન આપનાર છે એમ જાણતાં છતાં, એની સામે ઊભો થતાં ધ્રુજે છે.

 .

પણ એની ધ્રુજારીની નીચે – રાજાનો અનુગ્રહ થવાનો છે એનો હર્ષ જ રહેલો નથી કે ?

 .

છતાં પોતાની ધ્રુજારીને જ વધારે મહત્વ નથી આપતો કે ?

 .

કારણ, મરવું એટલે પવનમાં ખુલ્લાં પડવું અને સૂર્યના તાપમાં ઓગળવું એ સિવાય બીજું શું ?

 .

અને શ્વાસ લેતાં અટકવું એટલે પ્રાણને સતત ચડઊતર થવાના કર્મમાંથી મુક્ત કરીને નિરુપાધિકપણે ઈશ્વર શોધવા માટે ઊંચે ચડવા અને ફેલાવા દેવો એ સિવાય બીજું શું ?

 .

મૌનની નદીનાં જળ પીને જ તમે ગાવાની શક્તિ મેળવી શકો.

 .

અને પર્વતને શિખરે પહોંચ્યા બાદ જ તમે ચડવા માંડી શકો.

 .

અને જ્યારે પૃથ્વી તમારા અવયવો પોતાનામાં સમાવી દેશે, ત્યારે જ તમે સાચું નૃત્ય નાચી શકશો.

.

( ખલિલ જિબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા )

.

આ પોસ્ટ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો.

Share this

4 replies on “મૃત્યુ – ખલિલ જિબ્રાન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.