ચાંદરણા (૧૧) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ અશિષ્ટ નથી, તેમ શિષ્ટાચાર પણ નથી !

 .

પ્રેમાળ રોષમાં હેતાળ તેજસ્વિતા હોય છે.

 .

પ્રેમ એ આરતી ઉતાર્યા વિના વહેંચાતો પ્રસાદ છે.

 .

પ્રેમમાં સબ ભૂમિ ગોપાલકી નહીં, અડધી ભૂમિ રાધાની !

 .

અજંપ પ્રેમ ગૂંગળાય છે, પણ પરપોટો નથી બનતો !

 .

પ્રેમ ઈન્દ્રધનુષ છે, પણ ઈન્દ્રધનુષ્ય જેવો અલ્પાયુ ન હોય !

 .

વિગ્રહરેખા ભૂંસીને બે શબ્દના સમાસ બનાવે તે પ્રેમ !

 .

પ્રેમના સ્વર્ગમાં એક જ અપ્સરા હોય છે !

 .

પ્રેમ ઋષિ નથી એટલે સોમરસ પીધા વિના જ મસ્ત રહે છે !

 .

વિરહ એટલે પોતે સર્જેલા ચિત્રને દૂરથી જોયા કરતો ચિત્રકાર.

 .

પ્રેમ વનવાસે જાય છે ત્યાં પણ ઝાંખરા દૂર કરી પુષ્પ ક્યારી રચે છે.

 .

ફુલ તો સાવ શાંત પણ એની તીવ્ર ગંધ તોફાની હોય છે.

 .

પ્રેમ છલકાતો રહીને પોતાને અધૂરો અનુભવ્યા કરે છે.

 .

અખંડ પ્રેમમાં પણ એક શયનખંડ હોય છે.

 .

‘પ્રેમ’ શબ્દ ડિક્ષનરીમાં પણ એનો અર્થ હૃદયમાં હોય છે.

 .

પ્રેમમાં કોઈ આકાશે જાય છે, કોઈ આકાશને નીચે આણે છે.

 .

પ્રેમ ઈતિહાસ બને ત્યારે વર્તમાન હાજરીપત્રક બની જાય છે.

 .

પ્રેમ એક ઉષ્મા છે, તે દઝાડતો અગ્નિ પણ બની શકે છે.

 .

પ્રેમની ભાષા હોય છે, વ્યાકરણ નહીં, પ્રેમની ભૂમિ હોય છે, ભૂમિતિ નહીં.

 .

પ્રેમનો સંયમ ને સાધના સાધુબ્રાન્ડ નથી હોતાં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.