ભૂલા પડ્યા – સાહિલ

તમારી ગલી પહોંચ્યા પછી – તમારી ગલીમાં ભૂલા પડ્યા,

છીએ દેવસ્થાનના આંગણે અને આરતીમાં ભૂલા પડ્યા.

.

અમે હાથ ફેલાવ્યો હોત તો તમે હાથ ચોક્કસ ઝાલતે,

કથા કમનસીબીની ના પૂછો અમે બંદગીમાં ભૂલા પડ્યા.

.

પહોંચી ગયા છીએ ઘર સુધી અને ઘરનો ઉંબરો ના મળે,

કહો કોને કહીએ કરમકથા અમે ઓસરીમાં ભૂલા પડ્યા.

.

હતી સુખની વાત કે દુ:ખની વાત – નથી નક્કી કાંઈ થયું હજી,

કદી અંધકારે જડી ગયા – કદી રોશનીમાં ભૂલા પડ્યા.

.

પછી કેમ કોઠે પડે નહીં સ્મૃતિ-વિસ્મૃતિની પળોજણો,

પણે તમને એ જ ઘડી મળ્યા અહીં જે ઘડીમાં ભૂલા પડ્યા.

.

અમે વીંધ્યા કૈંક વમળ છ્તાં હજી પાર પહોંચી શક્યા નથી,

છે અચંબો અમને એ વાતનો અમે નાવડીમાં ભૂલા પડ્યા.

.

રહ્યું યાદ ‘સાહિલ’ એટલું પડ્યા છીએ ભૂલ્યા અમે જગે,

  શું ખબર ખુશીમાં ભૂલા પડ્યા – શું ખબર ગમીમાં ભૂલા પડ્યા.

.

( સાહિલ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.