શ્રી મણિબહેન પટેલ-દિવ્યા સોની “દિવ્યતા”

Manibahen-Patel
.
લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હમણાં ઘણું ચર્ચિત બન્યું છે. આ નામની આડ નીચે ઘણા મરવા અને મારવાની વાતો કરી રહ્યા છે. એ ભાઈ બહેનોને એક સવાલ પૂછવો છે કે શું આ લોહપુરુષ વિશે અને એમના પરિવાર વિશે કંઈ જાણો છો ખરા ? સરદાર વલ્લભભાઈ પાછળ પણ કોઈ નારીનો હાથ હોઈ શકે એવું વિચાર્યું ? આ નારી એમના પત્ની ન હતા. એમના પત્ની શ્રી ઝવેરબા તો એમના બાળકો મણિબહેન ઉ. વ. ૭ અને ડાહ્યાભાઈ ઉ.વ. ૫ ના થયા ત્યારે જ દેવલોક પામ્યા. ત્યારબાદ શ્રી વલ્લભભાઈ બીજા લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આ પુરુષ પાછળની તાકાત કઈ નારી બની એ જાણવું છે ? એ હતા સરદાર વલ્લભભાઈના પુત્રી શ્રી મણિબહેન પટેલ.

જયારે સરદાર પટેલ નિર્ણય લે છે કે હું બીજા લગ્ન નહીં કરું ત્યારે આ પ્રતિજ્ઞાની પાછળ માત્ર અને માત્ર તેમના બાળકો પ્રત્યેની તેમની લાગણી હતી, અને જયારે મણિબહેન પોતે લગ્ન અવસ્થાએ પહોચ્યાં ત્યાં સુધી તેઓ પિતાના મંત્રી, ધોબી, રક્ષક, ચાકર તરીકે સ્વતંત્રતા ચળવળના પડછાયા સમાન બની રહ્યા હતા. એ સારી રીતે જાણતા હતા કે પિતાને હમણાં એમની ખુબ જ જરૂર છે અને આ નવયૌવનાએ પોતે પણ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી. આ નિર્ણય વિશે જયારે મણિબહેન શ્રી વલ્લભભાઈને જણાવે છે ત્યારે વલ્લભભાઈ ખુબ જ દુ:ખી થાય છે, અને તેઓ ગાંધીજીને કહે છે કે તમે મણિબહેનને સમજાવો. પૂજ્ય બાપુ આ વિષયે મણિબહેન સાથે વાત કરે છે અને એમના દ્રઢ નિર્ણય ને મનોમન વંદન કરે છે. ત્યારબાદ પિતાનો પડછાયો બની શ્રી મણિબહેન પટેલ પોતાનું આખું જીવન દેશ માટે કુરબાન કરે છે. ચાલો આજે આ સરદાર પુત્રી વિશે વધુ જાણીએ.

ઈતિહાસ ગવાહ છે કે આપણને મોટી મોટી વાર્તાઓ ગમે છે. જે બડાઈ મારે એની ચર્ચાઓ પણ ઘણી થાય છે. રાવણના રાજ્ય વિષે ઘણું લખાયું છે. રામે લંકા પર જીત મેળવી અને વિભીષણને આ રાજ્ય સોપાયું ત્યાર પછી લંકાનું શું થયું એ વિશે લોકોને જાણ નથી. કારણ કે વિભીષણ કર્મ કરવામાં માનતા હતા, બડાઈ કરવામાં માનતા ન્હોતા. મણિબહેન પટેલ પણ લોકમાનસમાં ‘વિભીષણ’ના દુલારા નામે ઓળખાતા હતા. લોકો ને એમના માટે ખુબ જ માન હતું. એક નાનો કિસ્સો એમના વિશે જાણવા જેવો છે. દેશ પર જયારે ઇન્દિરાજીએ કટોકટી લાદી હતી તે સમયનો આ કિસ્સો છે. ત્યારે મણિબહેન સંસદસભ્ય હોવાથી દિલ્હીમાં રહેતા હતા. સંસદસભ્ય હોવા છતાં એમની પાસે કોઈ અંગત વાહન ન હતું, એક દિવસ એમને બે બહેનો મળવા આવ્યા. તેઓને મણીબહેને વિનંતી કરી કે, “તમે જો કૈલાસનગર તરફથી નીકળવાના હોય તો મને લેતા જાવ. મારે ત્યાં મારા ભાણેજને ત્યાં જવાનું છે.” આ બંને બહેનોએ તરત જ કહ્યું : “અમે એ તરફથી જ જઈ રહ્યા છીએ તમે સુખેથી અમારી સાથે બેસી જાવ.” જયારે મણિબહેનને કૈલાસનગર ઉતારી તેઓએ ટેક્ષીચાલકને આગળ જવા કહ્યું તો ડ્રાઈવરે પૂછ્યું કે પેલા ઉતરી ગયા એ માજી કોણ હતા ? જયારે બહેનોએ જણાવ્યું કે તેઓ મણિબહેન પટેલ છે, તો તરત તે ટેક્ષી ચાલકે નીચે ઉતરી મણિબહેન જે રસ્તે ચાલી ને ગયા હતાં તે ધૂળ માથે ચઢાવી, અને કહ્યું મણિબહેન દિલ્હી ના વિભીષણ છે. તેઓ વિનાની દિલ્હી લંકા કરતાય ખરાબ છે. આટલું માન હતું આપણાં આ સરદારપુત્રીનું.

પત્નીના નિધનના એકાદ વરસ બાદ શ્રી વલ્લભભાઈને બેરિસ્ટરના અભ્યાસ અર્થે બ્રિટન જઈ ભણવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બંને બાળકોને પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં મુંબઈ મોકલાવ્યા. જ્યાં મણિબહેનને ફાવ્યું નહિ. જયારે શ્રી વલ્લભભાઈ પાછા ભારત પાછા ફર્યા ત્યારે તેઓ મણિબહેનને લઇને અમદાવાદ આવ્યા. ત્યારે મણિબહેનની ઉંમર આશરે દસેક વર્ષ હશે. ૧૯૧૬માં શ્રી વલ્લભભાઈ ગાંધીજીને મળ્યા અને કલબના પત્તા છોડી રેટિયો કાંતતા થયા. ૧૯૧૭માં પ્લેગ ફાટી નીકળ્યો અને ૧૪ વર્ષની કાચી વયે જ મણિબહેને લોકસેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. અસરગ્રસ્તોની સહાય કરવા તેઓએ સર્વ પ્રથમવાર જાહેર જીવન માં પ્રવેશ કર્યો.

જયારે મણિબહેન હાઇસ્કુલની પરીક્ષાની તૈયારીઓમાં પડ્યા હતા ત્યારે બાપુએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. મણિબહેન ગવર્મેન્ટ સ્કુલ છોડી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યારબાદ ૧૯૩૦ સુધીનો તેમનો જીવનગાળો લોહપુરુષની જીવનગાથા સાથે જોડાયેલો છે. ૧૯૩૦માં વિદેશી છોડો સ્વદેશી અપનાવોની લડતમાં આ ઓછાબોલી, નબળીને અશક્ત લાગતી મહિલા કંઈક નવા જ સ્વરૂપે ઉભરી આવી. તેઓ એક નારી શક્તિને સ્વતંત્રતા સામે જગાડનાર પરીબળ પુરવાર થયા. ગાંધીજી પણ આ નવા મણિબહેનને જોઈને આશ્ચર્ય પામ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાનંી પેકેટીંગ આ કામોમાં મણીબહેને આગેવાની લીધી. બાપુ એમના કાર્યને બિરદાવતા એક પત્રમાં લખે છે કે “તારી આ કાર્યશક્તિ જોઈ મને ખરેખર નવાઈ લાગી.” મણિબહેનની ધરપકડ થઈ અને તેમને જેલમાં પણ પુરવામાં આવ્યા. જેલમાં જયારે મહિલાઓની ચૂડી ઉતારી લેવડાવવામાં આવી ત્યારે મણીબહેને સત્યાગ્રહ કરી સુતરની ચૂડી બનાવી.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં પણ તેઓ સામેલ હતા. મણિબહેન, ભક્તિબહેન, મીઠુંબહેન વગેરેની ટુકડીઓ ખેડૂતોને કર ન ભરવા સમજાવતી, આ બહેનો એ કર વિરુદ્ધ લાઠી ઝીલી.

૧૯૩૮માં રાજકોટની પ્રજાએ ત્યાંના ઠાકોરોએ કરેલ વચનભંગ સામે પૂજ્ય બાપુની મદદ માંગી. બાપુ કોંગ્રેસના કામમાં વ્યસ્ત હતા અને કસ્તુરબાની તબિયત નાદુરસ્ત હોવાથી બાપુ તેમને એકલા મોકલવા માંગતા ન હતા. ત્યારે મણિબહેન એમની સાથે જવા તૈયાર થયા, ત્યાં રસ્તામાં જ કસ્તુરબાની ધરપકડ કરવામાં આવી. કસ્તુરબાની નાજુક તબિયતને લીધે મણીબહેને જેલમાં તેમની સાથે રહેવા આગ્રહ કર્યો. પણ અમલદારોએ એમની વાત ના માની. તો મણિબહેન ઉપવાસે ઉતર્યા અને ત્યાં સુધી ના જંપ્યા જ્યાં સુધી તેઓને કસ્તુરબા સાથે ખસેડવામાં ના આવ્યા, ત્યાં જઈ બાના હાથે જ એમને ઉપવાસના પારણાં કર્યા. ૧૯૪૨માં ફરી તેઓ હિન્દ છોડો આંદોલનના કારણે જેલમાં ગયા. ૧૯૩૦ થી ૧૯૪૨ સુધી મણિબહેન મુંબઈની લગભગ બધી જ જેલમાં પુરાયા હશે, ઉપરાંત સાબરમતી, થાણા, યરવડા, આર્થર રોડ અને હિંડલગાની જેલમાં તેઓ એટલું લાંબુ રહ્યા હતા કે તે જેલોનો બધી સગવડોની માહિતી એમની પાસેથી મળી રહેતી. એમને મન ‘કમ ખાના અને ગમ ખાના’ જેલની સજા ભોગવવાની સફળ ચાવી હતી. આવા હતા આ સત્યાગ્રહી મહિલા.

સ્વતંત્રતા બાદ સરદાર દેશના ગૃહમંત્રી બન્યા. એમના માથે વિલીનીકરણનો વિકટ પ્રશ્ન હતો, આ સમયે મણિબહેન તેમના અંગતસચિવ તરીકે તેઓની સાથે રહ્યા. દિવસે દિવસે સરદારનું સ્વાસ્થ્ય કથળતું જતું હતું. તેઓ મણિબહેનને એક પત્રમાં લખે છે કે, “હવે મારું તેડું ગમે ત્યારે આવશે . તું તારું વિચાર. મારી પાસે તને આપવા કશું નથી. પણ તું જે કઈ કામ કરવા ઈચ્છે તે મળી શકે એટલું જરૂર કરી શકું.” ૨૫ ડિસેમ્બર ૧૯૫૦એ મહાન આત્મા સરદાર દેવલોક પામ્યા. પણ મણિબહેન જાહેરજીવનથી અલિપ્ત ના થયા.

૧૯૫૧માં તેમની નિમણૂંક નવજીવન ટ્રસ્ટ, કસ્તુરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, મહાદેવભાઈ દેસાઈ સ્મારક ટ્રસ્ટમાં ટ્ર્સ્ટી તરીકે કરવામાં આવી. અને ૧૯૫૨ની પ્રથમ ચૂંટણીમાં વોટ માંગ્યા વગર તેઓ જંગી બહુમતીથી ચુંટાઇ આવ્યા. ૧૯૬૪ થી ૧૯૭૦ સુધી રાજ્યસભાના સભ્ય તરીકે દેશની સેવા કરી. ટ્રેનનો પહેલા વર્ગનો પાસ હોવા છતાં તેઓ હંમેશા ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરતા. કોંગ્રેસ દ્વારા થતી સરદારની અવગણનાથી દુ:ખી થઇ જયારે ૧૯૭૩માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે એમણે કોંગ્રેસ છોડ્યું. જનતા પક્ષ તરફથી ૧૯૭૭માં ફરી એકવાર મણિબહેન મહેસાણાથી સૌથી વધુ મત મેળવી ચુંટાયા. ત્યારપછી એમને સક્રિય રાજકારણ છોડી દીધું. ૧૯૮૮માં બધાજ ટ્રસ્ટોમાંથી પણ રાજીનામું આપી. દીધું. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય બગડતું જ ગયું. ૨૬ માર્ચ ૧૯૯૦ માં ૮૭ વર્ષ ની ઉંમરે તેમનું અવસાન થયું.

બાપુએ આપેલા અગિયાર વ્રતોનું તેમણે આજીવન પાલન કર્યું. ભારતના રાજપથ સુધી પહોંચ્યા પણ તેઓ કદી આ વ્રત ના ચૂક્યા. રેંટિયો અને ખાદીને તેમણે આજીવન જાળવી રાખ્યા. આવા હતા આપણાં મણિબહેન પટેલ જેમણે માત્ર સરદારનો જ નહીં, ગાંધીજીના વ્રતોનો તેમજ કસ્તુરબાનો પણ સાથ ના છોડ્યો. આ પટેલપુત્રીના શિસ્તને, એમના દેશપ્રેમને, એનામાં રહેલી નારી શક્તિને સત સત વંદન.

લોહ પુરુષ નું લોઢું ટીપતાં
ગાંધીજીના વ્રતો ને પાળતાં
શિસ્તપ્રેમી મણીબહેન પટેલ
સાદગીના ગુમાને જીવન જીવી ગયાં

( દિવ્યા સોની “દિવ્યતા”)

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.