દૈ ટકોરા, ફકીર આવ્યો છે,
દ્વાર ખોલ્યા ? કબીર આવ્યો છે.
મનને, ઉજાળવા, દીવા જેવો,
જ્ઞાનનો એ અમીર આવ્યો છે.
વિશ્વ આખું બને સુગંધી, બસ-
બાગ લઈને સમીર આવ્યો છે.
ભાગ્યમાં ક્યાં હતું ભજન ગાવું,
શબ્દ પાછો અધીર આવ્યો છે.
કંઠ : કોયલ ભલે મૂકે છુટ્ટો,
જીવ જન્મ્યે બધિર આવ્યો છે.
દ્વાર ખોલ્યાં, અતિથિ સામે,
વાયરો પણ મદિર આવ્યો છે.
( હર્ષદ ચંદારાણા )