છે શિખર દુર્ગમ ને ભીષણ ખીણ, ડગમગતાં ચરણ,
આપનો આભાર, મુરશિદ કે સહારો પણ નથી.
એક સધિયારો છે, ખલકત છે તો આખર આપની,
ખિજ્ર છો ભૂલા પડે, છો ધ્રુવતારો પણ નથી.
એ અલલપંખી છે, ભમશે ભોમિયા વણ આભમાં,
જ્યાં નથી એકેય પગદંડી, ઉતારો પણ નથી.
સમ ઉપર આવીને બેઠો છું સમેટી જાતને,
સાત સ્વરના જેટલો મારો પથારો પણ નથી.
સાતમા કોઠે હજીયે થઈ નથી શકતો ફના,
ને પ્રલયની આ દશામાંથી ઉગારો પણ નથી.
એ ભૂમિમાં તો મને હરગિજ ના પોઢાડશો,
સંત શાયર કે સૂફીની જ્યાં મઝારો પણ નથી.
શેર મક્તાનો તો છે અલ્લાહની આરામગાહ,
બાંગનો શોરે નથી, મંત્રોદગારો પણ નથી.
( હરીશ મીનાશ્રુ )