સમયની આંધીઓ એને ઝુકાવે તો મને કહેજે !
કદી પણ સાચને આંચ આવે તો મને કહેજે !
શિખામણ આપનારા ચાલ મારી સાથે મયખાને,
તને પણ જિંદગી માફક ન આવે તો મને કહેજે !
ફરે છે આ ધરતીનું વજન માથે ઉઠાવીને,
એ મારી નમ્રતાનો બોજ ઉઠાવે તો મને કહેજે !
ગઝલમાં તો લખું છું હું ફક્ત સંસારની વાતો !
છતાં કોઈ વાત તારું દિલ દુખાવે તો મને કહેજે !
જે તારા દોસ્તો તારા સુખોની નોંધ રાખે છે,
તને એ તારા દુ:ખમાં કામ આવે તો મને કહેજે !
મુસીબતમાં બધું ભૂલી ગયો છે માનવી આજે,
હવે એને ખુદા પણ યાદ આવે તો મને કહેજે !
દયા તારી કે તેં રાખી ‘અદી’ની લાજ ઓ માલિક
હવે એ ક્યાંક બીજે સર ઝુકાવે તો મને કહેજે !
( અદી મિર્જા )