સ્વપ્ન, ઈચ્છાઓ, અપેક્ષા, ધારણામાં,
આપણું હોવાપણું બસ આપણામાં.
આંખમાં આંજી પ્રતીક્ષા હું ઊભો છું,
સાંજ ઢળતી જાય છે એકલપણામાં.
આ હયાતીની હકીકત એટલી છે,
ઝાંખરાનું રાખ થવું તાપણામાં.
જન્મ-મૃત્યુ બેઉને ક્યાં આવરણ છે ?
જીવતર તો પણ વીતે છે ખાંપણામાં.
માત-પિતાને મૂકી ઘરડાઘરોમાં,
દીકરા જીવે પછી ખાલીપણામાં.
આપને સમજાવવું અઘરું નથી કૈં,
આપ સમજી જાવ છો થોડાઘણામાં.
એક દ્વિધા ચાલે છે નિરંતર,
એટલે “નાદાન” ઊભા બારણામાં.
( દિનેશ ડોંગરે “નાદાન” )