સાંભર્યાઁ તમે-ઈસુભાઈ ગઢવી

આભથી અષાઢનાં ફોરાં ખર્યાં

ને સાંભર્યાઁ તમે.

તરસ્યું વછોયાં કો’કને ઓરાં કર્યાં

ને સાંભર્યાઁ તમે.

.

કો’ક ફાગણ ક્યાંકથી અંગમાં ઊતરી ગયો.

કેસૂડાએ કાળજાં આળાં કર્યાં

ને સાંભર્યાઁ તમે.

.

આંગણામાં એક આંબો એટલો જુવાન થ્યો,

ત્યાં કુંવારી કોયલે માળા કર્યાં

ને સાંભર્યાઁ તમે.

.

ચારે તરફ આભ ઝૂકયું પહાડને આલિંગવા,

વાદળોમાં વહાલના દરિયા ઢળ્યા

ને સાંભર્યાઁ તમે.

.

વૈશાખનો વરણાગીયો લહેરાઈ ગ્યો સાફો,

કંકાવટી એ ટેરવાં રાતાં કર્યાં

ને સાંભર્યાઁ તમે.

.

થઈ વિજોગણ રાત આખી, એટલું રોયા કરી,

સવારમાં તળાવ બે કોરાં ભર્યાં

ને સાંભર્યાઁ તમે.

.

રાખી મલાજો આંખનો વરસ્યાં નહીં જે આંસુઓ,

ઝાકળ બનીને ફૂલના હોઠે ઠર્યાં

ને સાંભર્યાઁ તમે.

.

( ઈસુભાઈ ગઢવી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.