જો તમે હો માર્ગમાં, થાકી જવું પોસાય કંઈ ?
થાકથી રિસાઈને, હારી જવું પોસાય કંઈ ?
.
લઈ તરાપો એકલી નીકળી ગઈ છું એ તરફ,
જો તરાપો દે દગો હાંફી જવું પોસાય કંઈ ?
.
હું તને જોવા મથું છું, આભની ઊંચાઈમાં,
આ સપાટી પર તને, પામી જવું પોસાય કંઈ ?
.
આપતી હિંમત પહેલા હાથને લઈ હાથમાં,
આજ ખાલી હાથ લઈ, નાસી જવું પોસાય કંઈ ?
.
છેક પાતાળે હવે પહોંચી ગઈ છું સુખના,
એમ કાચી ઊંઘમાં જાગી જવું પોસાય કંઈ ?
.
એક મૂઠી સ્વપ્ન લઈ મળતાં રહીશું રાતભર,
પણ અચાનક બારણે આવી જવું પોસાય કંઈ ?
.
( જીજ્ઞા મહેતા )