ન ગુર્જરીમાં કહીશ કે ન હું ઉર્દુમાં કહીશ,
કહીશ વાત જો ખુશ્બૂની તો ખુશ્બૂમાં કહીશ !
મેં એટલે તો લગાડ્યો છે દવ કલમમાં પણ,
ગરલ પીધું છે તો મીરાંના ધૂઘરુંમાં કહીશ !
હું ફૂલકુંવરીનું માંગુ લઈને નીકળ્યો છું,
ને એનું સુરખિનું વર્ણન ટગર તંતુમાં કહીશ !
તુમુલ વિરાટ હશે ઓરડાનું અંધારું….
હે આસમાન ! તારું નૂર ત્યારે રૂમાં કહીશ !
કરીશ કમાલ કલામ લૈને, હું કવિ છું, પ્રભુ !
ત્રણેય પગલાં હું ખડિયાના એક બિંદુમાં કહીશ !
( લલિત ત્રિવેદી )