હમણાં હમણાં-જિગર જોષી ‘પ્રેમ’

હમણાં હમણાં

હથેળીઓના રણ વૈભવને પડતા મૂકી ભાગી છૂટવા મથી રહ્યાં છે

આંગળીઓનાં નાજુક હરણાં

 

હમણાં હમણાં.

 

રેખાઓની રેતી ચડતી વંટોળે લઈ

મોનાલિસા જેવા કોઈ રહસ્યવાદી સ્મિત ઝરૂખે

વેઢાનાં સૌ પંખીઓમાં મચી ગયો કલશોર કે અંતે

અવતરવું તો અવતરવું આ કોની કૂખે ?

આમ જુઓ તો સાવ મુલાયમ, આમ જુઓ તો નખ જેવી ઊગી નીકળેલી

ઝેર ભરેલી અનેક ભ્રમણા

 

હમણાં હમણાં.

 

હથેળીઓનું રણ આ શું છે ? રણ તો કેવળ

રેખાઓનું અવાવરું જંગલ છે કોઈ

એકબીજાની આંગળીઓ વચ ધરબાયેલા કોઈ ઝાંઝવા જેવા

સગપણની બોલોને ક્યાંય મળે રે સોય !?

અમથો અમથો દિવસ ઊગે ને અમથી અમથી રાત પડે ને

અમથા અમથા રમીએ ઊગમણાં-આથમણાં

 

હમણાં હમણાં.

 

( જિગર જોષી ‘પ્રેમ’ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.