ફૂલ અને ફોરમના જેવું, ઝાકળ ને વાદળના જેવું, એકબીજાને મળીએ.
એકબીજામાં ઓગળીએ…
હવે પછીની ચિંતા છોડી, જીવશું બસ અત્યારે
ખુશીઓનાં તોરણ બાંધીશું વારે ને તહેવારે
પ્રેમ, પ્રેમ ને પ્રેમ બીજું શું ? હોય ફક્ત જ્યાં તું જ અને હું
એવા રસ્તે વળીએ
એકબીજામાં ઓગળીએ…
હસતાં, હસતાં, જલસો કરતાં એકમેકમાં ઊઘડી
તાળી આપી એકબીજાને હાથ રાખશું પકડી
આંખ પરોવી આંખોમાં, આંગળીઓમાં આંગળીઓ રોપી
ખીલીએ કળીએ કળીએ
એકબીજામાં ઓગળીએ…
( અંકિત ત્રિવેદી )