રાખું છું-અકબરઅલી જસદણવાળા

હૃદયમાં આગ રાખું છું, નયનમાં નીર રાખું છું,

જીવનની આમ સમશીતોષ્ણ, હું તાસીર રાખું છું.

 

વિકટ છે પંથ મારો પણ વિપદમાં ધીર રાખું છું,

કલેજું થામીને પણ જીવનને સ્થિર રાખું છું.

 

જીવનમાં આજપર્યંત મેં નીચું નથી જોયું,

બહુ થઈ જાય છે ત્યારે વદન ગંભીર રાખું છું.

 

પ્રભુની મહેરબાની છે, શિકાયત  કંઈ નથી મારે,

જીવન ભરપૂર છે-સંતોષની જાગીર રાખું છું.

 

ભલા કોણે કહી દીધું વિધિના લેખ પાકા છે,

સદા તદબીરના જોરે બુલંદ તકદીર રાખું છું.

 

ઝમાનાને કહી દ્યો કે હકીકતમાં હું ‘અકબર’ છું,

તબિયત મસ્ત રાખું છું, જીગર જહાંગીર રાખું છું.

 

( અકબરઅલી જસદણવાળા )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.