કોને કોને કરીશું એ સજા?-કમલા ભસીન

બળાત્કારીઓ માટે આપણે બુલંદ અવાજે સજાએ મોત માંગીએ છીએ પરંતુ કોને કોને કરીશું એ સજા?
બળાત્કારીઓ માટે બૂમ પાડી પાડીને સજાએ મોત માંગીએ છીએ
પરંતુ ગર્ભમાં રહેંસી કાઢવામાં આવતી ચારથી પાંચ કરોડ દુહિતાઓનાં મોત પર તો નિંભર ચુપકી જ.

બળાત્કારીઓ માટે બૂમ પાડી પાડીને સજાએ મોત માંગીએ છીએ
પરંતુ.. દીકરાને તો કોઈ રોકટોક વગર માથે જ ચડાવીએ ,
એમના તો સો સો ખૂન આસાનીથી માફ કરી દઈએ છીએ
વયસ્ક થવાં પહેલાં જ એમને મોટરસાઈકલ અપાવી બીજાને અને
જાતને મારવાનો પરવાનો આપી દઈએ છીએ .
છોકરીઓનું માન જાળવવાનું કે સમજવાનું નથી શીખવતા એમને
એમને તો લાડપાન,ખાણીપીણીનાં જલસા,મનગમતા કપડાં,
માલમિલકત, ભણતરગણતર, આઝાદી ને અછોવાનાં કરી કરીને
શીખવીએ છીએ બેફિકરાઈ ને શિનાજોરી……..
ને બનાવીએ છીએ પૈસેવાલે કે બનેબિગડે સાહેબજાદા જેવા
છોકરાઓને ‘મર્દ કો દર્દ નહીં હોતા’ના પાઠ ભણાવીને
લાગણીશીલ બનતા અટકાવીને
એમને અસલી મર્દ ને મરજીના માલિક બનાવીએ છીએ

બળાત્કારીઓ માટે બૂમ પાડી પાડીને સજાએ મોત માંગીએ છીએ
પરંતુ- જાતની દીકરીઓને તો’ પરાયું ધન’ કહીએ છીએ
એનું કન્યાદાન કરીને ગંગા નાહ્યાની પુણ્યકમાણીની વાત કરીએ છીએ
એને સહનશીલતા સદ્ ગુણ છે , ન બોલ્યામાં નવ ગુણ, નમીએ તો ગમીએની
સંસ્કારશૃંખલામાં પલોટીએ છીએ

બળાત્કારીઓ માટે બૂમ પાડી પાડીને સજાએ મોત માંગીએ છીએ
પરંતુ પતિ પરમેશ્વર, સ્વામી, મારા ખુદા કહેવાડવામાં તો જરાયે અચકાતાં નથી
છોકરો તો છોકરો જ કહી એને મોઢે ચડાવીને
જોરાવર બનાવવામાં તો જરાપણ પાછી પાની કરતાં નથી
છોકરીઓ માટે વડસાવિત્રી ને કરવા ચોથ, સતીનો આદર્શ
નજર સામે રખાવી છોકરાઓને તો ભગવાન બનાવી દઈએ છીએ

બળાત્કારીઓ માટે બૂમ પાડી પાડીને સજાએ મોત માંગીએ છીએ
પરંતુ સ્માર્ટફોનમાં પોનોગ્રાફી પાળીએ છીએ
ને બેહૂદી આઈટેમ નંબર પર લાળ ટપકાવતાં રહીએ છીએ
છોકરાઓને માચો, દબંગ
છોકરીઓને ચીજ , માલ બતાવતી ને બનાવતી
ફિલ્મો ને સિરિયલો સામે તો પગે પડી જઈએ છીએ

આવી બે મોઢાંની વાત ચાકળણ જેવી વાત કઈ રીતે કરી લઈએ છીએ આપણે?
શું આપણે સાચેસાચ નથી જાણતાં કે હિંસક અને બળાત્કારી
છોકરા / મરદો પેદાઈશી નથી હોતા
એમને તો વરસોવરસ હક્કપૂર્વક શીખવી શીખવીને ઘડ્યા છે
આપણો પિતૃસત્તાક પરિવાર, સ્કૂલ, કોલેજ, સમાજ એમને ઘડે છે
આપણાં રીતરિવાજ, પરંપરા, ધર્મ એની માવજત કરી સંગોપે છે
ત્યારે તૈયાર થાઈ છે આ જુલમીઓ
ને મળે છે પિતા,કાકા, મામા, પતિ, જેઠ,દિયર અને સસરા
જેઓ સુરક્ષિત ઘરપરિવારમાં જાતીય હિંસા અને બળાત્કાર કરે છે
ત્યારે બને છે તેઓ Editor,Director, Professor, NGO Leader
જેમનું નામ લઈ દુનિયાભરની લાખો સ્ત્રીઓ કહી રહી છે
HeToo , તે પણ …
તો દોસ્તો,
સજાએ મોત આપવી હોઈ તો આપણને સૌને આપવી પડશે
જેઓ પિતૃસત્તાને પાળીપોષી રહ્યાં છે
મરદોને મર્દાના ને ઔરતોને જનાના બનાવીને જંપે છે

ફક્ત બળાત્કારીઓને ફાંસી આપવાથી નહીં રોકાય આ બળાત્કારો
સજાએ મોતની શિક્ષા તો કરવી પડશે પિતૃસત્તાને
અને પિતૃસત્તાના સાથી જાતિવાદ, વર્ગવાદ, વર્ણવાદ, નસ્તવાદ, મૂડીવાદને

જો આ નેકી માટે તમે તૈયાર હો
તમારે એને જગતવટો આપવો હોય તો
આવો, આપણે સૌ લાંબી લડાઈ માટે એક થઈ ઝુકાવીએ
અને પોકારીએ
પિતૃસત્તા મુર્દાબાદ
સમાનતા ઝિંદાબાદ

( કમલા ભસીન, અનુવાદ : બકુલા ઘાસવાલા )
[મૂળ રચના : હિન્દી ]

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.