પુરાતન પ્રખર પ્રવાસે હું વિસ્તરી શકું છું,
આઠે પ્રહર ઉજાશે હું વિસ્તરી શકું છું.
સંગીત પણ નથી ને સંમોહ પણ નથી જ્યાં,
એવા કોઈ પ્રદેશે હું વિસ્તરી શકું છું.
ઘેરો ગુલાલ દઈ દે તું હાથમાં ફરીથી,
હેતાળ સંન્નિવેશે હું વિસ્તરી શકું છું.
અસ્તિત્વમાં ફરીથી બદલાવ આવવાનો,
એના ભીતર પ્રવેશે હું વિસ્તરી શકું છું.
હો પાર્શ્વભૂમાં મથુરા, ગોકુળ ને વ્રજની ગોપી,
નિ:સ્તબ્ધ કારાવાસે હું વિસ્તરી શકું છું.
આ શ્વાસનો છે ઉત્સવ તેજોવલય ધરી દે,
અંતિમ મુકામ પાસે હું વિસ્તરી શકું છું.
ગંતવ્ય જે હશે તે પ્રાપ્તવ્ય થઈ જવાનું;
ઉષ્માસભર આકાશે હું વિસ્તરી શકું છું.
( હાર્દિક વ્યાસ )