નયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું !
મને ત્યારે જ મારા પ્યાર પર આવી ગયું હસવું !
કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ,
ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું !
નજરના ભેદ છે કેવા ! હસે છે કોણ કોના પર ?
મને મારા હૃદયનાં ભાર પર આવી ગયું હસવું !
મને ત્યારે ન જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ !
જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું !
મને સાથે લીધો, મંઝીલ મળી ત્યારે મૂકી દીધો;
તમારા રમ્ય આ આભાર પર આવી ગયું હસવું !
જવાની છે; અચલતા છે, અડગતા છે, અટલતા છે !
ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું !
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું !
ઉઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું !
જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે બોલો !
મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું !
ભલે ઠંડો રહ્યો હું ગર્વ તો તારો થયો ખંડિત !
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું !
( ‘શેખાદમ’ આબુવાલા )