દીવાની સામે તમે સળગો તો અજવાળું થશે,
ચોતરફથી જાતને બાળો તો અજવાળું થશે !
એમ ન માનો દુવા માગો તો અજવાળું થશે,
રાતભર અંધારાને પીંખો તો અજવાળું થશે !
સુખનો સૂરજ ઊગવાની આશમાં જાગ્યા કરો,
રાત આખી આંખોમાં કાપો તો અજવાળું થશે !
ઊંઘમાં તો બાળકો પણ હસતાં રડતાં હોય છે,
જાગતા સ્વપ્નું તમે જોશો તો અજવાળું થશે !
આંધળી બહેરી ને મૂંગી માન્યતા તોડો હવે,
અંધશ્રદ્ધાઓ બધી ત્યાગો તો અજવાળું થશે !
આપણી તકદીરની પણ ફિલસૂફી બસ એ જ છે,
સૂઓ તો અંધકાર ને જાગો તો અજવાળું થશે !
હા ખલીલ આજે સભામાં એકલા નાં આવશો,
એમને પણ સાથે લઈ આવો તો અજવાળું થશે !
( ખલીલ ધનતેજવી )