ઊંઘ વેચી રાતને શણગારવા નીકળ્યા હતા,
આપણે કેવા હતા કેવા થવા નીકળ્યા હતા ?
ક્યાં ગયા એ મૂલ્ય એ સિદ્ધાંત એ સત ક્યાં ગયાં ?
જે લઈને ગામથી શહેરે જવા નીકળ્યા હતા.
ચાખવાં હરણાથી આંખોમાં છલકતી વેદના,
આજ હરણાને પકડવા ઝાંઝવા નીકળ્યા હતા.
માર્ગમાં નીકળ્યા તો નોખો માર્ગ કંડારી દીધો,
માર્ગમાં ક્યાં માત્ર પગલી પાડવા નીકળ્યા હતા.
કોણ એવું ઓરડે રોકાઈને ચાલ્યું ગયું ?
શોધવા જેને નગરમાં નેજવાં નીકળ્યા હતા ?
( ચંદ્રેશ મકવાણા ‘નારાઝ’ )