વહે છે શ્વાસોની સરગમ એજ હકીકત સાચી છે,
પળ બે પળ ચમકે છે શબનમ એજ હકીકત સાચી છે.
છે મેદાન સનાતન પણ આવનજાવન ખેલાડીની,
કોઈ રહે ના અંતે અણનમ એજ હકીકત સાચી છે.
જળને કંઈ ના ફેર પડે છે હોય અકીદત અલગઅલગ,
નામ જુદા છે ગંગા, ઝમઝમ એજ હકીકત સાચી છે.
ઊંચો ડુંગર સુંદર તે તું, હું એક તણખલું નાનું,
તારી ઉપમા તું જ અનુપમ એજ હકીકત સાચી છે.
ઓકાત નથી એવી મારી કે હું નભને પડકારું,
હું તો તારા ચરણે હરદમ એજ હકીકત સાચી છે.
ભૂલી બેઠી છે દુનિયાને, કંઈ યાદ નથી મીરાંને,
બોલે ધડકન પ્રિયતમ, પ્રિયતમ એજ હકીકત સાચી છે.
( આબિદ ભટ્ટ )