…શું જવાબ દઈશ ?-લલિત ત્રિવેદી

સબર જો શાહીથી ઠરશે તો શું જવાબ દઈશ ?

ઝુરાપો પાણીથી બૂઝશે તો શું જવાબ દઈશ ?

 

સમાલજે કે ઝંખા થૈ ફૂંકાય છે ઝંઝા,

રૂમાલ માથેથી ખસશે તો શું જવાબ દઈશ ?

 

દીવો ખૂંખાર છે ને તું તો પૂડીયા કાગજકી,

કવિ ! જો ઝાળ ઉપડશે તો શું જવાબ દઈશ ?

 

ગઝલનું પાથરણું પાથરતાં પાથરી તો દીધું,

કલમની આસરા છળશે તો શું જવાબ દઈશ ?

 

હિસાબ જોશે પાઈ પાઈ રાઈ રાઈનો,

ન રેવડી ય નીકળશે તો શું જવાબ દઈશ ?

 

લખી લખીને ગઝલ જોગ શું લખ્યું તેં ‘લલિત’ ?

સવાલ મિર્ઝાજી કરશે તો શું જવાબ દઈશ ?

 

લલિત, ખમીસ છો ? ગુલાલ છો કે આતિશ છો ?

ખુદા પિછાન જો કરશે તો શું જવાબ દઈશ ?

 

( લલિત ત્રિવેદી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.