કુન્દનિકા કાપડિયા-પ્રથમ પુણ્યતિથિ

કદાચ કોઈને નવાઈ લાગે પણ મારા માટે આજે વિશેષ દુઃખનો દિવસ. વિશેષ દુઃખનો દિવસ એટલા માટે કે મારી જિંદગીનું વાંચેલું સૌથી પહેલું પુસ્તક જે મારી લાઈફમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું અને આજે એ પુસ્તકનાં સર્જકની પ્રથમ પુણ્યતિથિ એટલે એમને યાદ કર્યા વગર રહી ન શકી. અમુક વિરલ પ્રતિભાઓ માટે હું કાયમ કહું છું,
.
મોત તારી કારી નિષ્ફળતાં ઘડીભર જોઈ લે,
કેટલાં હૈયે સ્મરણ મારાં બિછાવીને જાઉં છું!
.
એક એવું પુસ્તક જેણે ખરાં સમયે મને પુસ્તકોનાં પ્રેમમાં પાડી અને એ પુસ્તક વાંચ્યા પછી વાંચનની જાણે ઘેલછા લાગી અને વાંચન એ મારી લાઈફનું એક અભિન્ન અંગ બની ગયું. જો કદાચ સમજ આવ્યાં પછી પહેલું પુસ્તક આ ન વાંચ્યું હોત તો શક્ય છે કે હું પુસ્તકો સાથે આટલી નિકટતાં ન કેળવી શકી હોત. એક વખત એવો પણ હતો કે મારું બીજું સરનામું એટલે અમદાવાદની એમ.જે. લાઈબ્રેરી. બસ એ પછીથી હું વાંચતી જ ગઈ અને બસ આજ સુધી વાંચે જ રાખ્યું.
.
અને એ વિશેષ પુસ્તક એટલે ‘સાત પગલાં આકાશમાં’ અને એનાં સર્જક એટલે કે શ્રી કુન્દનિકા કાપડિયા જેમણે ૩૦ એપ્રિલ એટલે કે આજ રોજ ગયાં વર્ષે સદેહે ભલે વિદાય લીધી પણ મારી જેમ કેટલીય સ્ત્રીઓનાં મનમાં એ ખુલ્લું આકાશ આજેય વસેલું હશે જે એમણે વર્ષો પહેલાં રચેલું.
.
ભારતીય નારીની ગરિમાપૂર્ણ છબી ધરાવતાં એક શાલિન સન્નારી એટલે શ્રી કુન્દનિકા કાપડિયા..!! સાહિત્યમાં સ્ત્રી ગૌરવના પર્યાય સમ, ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેનાં પત્ની શ્રી કુન્દનિકા કાપડિયાને આજે એમની પ્રથમ પુણ્યતિથિ પર સાદર વંદન..!!
.
સુરેન્દ્રનગર જિલ્લાનાં લિંબડી ગામે જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ માં જન્મેલા શ્રી કુન્દનિકા કાપડિયાનો સમગ્ર પરિવાર વેપારી હોવાં ઉપરાંત શિક્ષણપ્રેમી હતો. કન્યાશિક્ષણ એ જમાનામાં બહુ જ ઓછું હતું તો પણ એમનાં શિક્ષણ માટેનાં અનુરાગને તેમનાં પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરામાં, સ્નાતક શિક્ષણ ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કોલેજમાં અને અનુસ્નાતક શિક્ષણ મુંબઈ ખાતે થયું હતું.
.
વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ મૌલિક સાહિત્ય ક્ષેત્રે આરંભ કરી ચૂક્યાં હતાં. એક ઉત્તમ વાર્તાકાર, નવલકથાકાર એવાં તેઓ ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઈતિહાસનાં વિષયો સાથે બી.એ. થયેલાં. ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક રહી ચૂકેલા. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર આમ જોવાં જઇયે તો એમનું સાહિત્યિક પ્રદાન બહુવિધ સ્તરો પર પથરાયેલું છે. તેમણે નવલકથાઓ પણ લખી છે અને વાર્તાસંગ્રહો પણ આપ્યા છે. નિબંધકાર તરીકે પણ તેમનું પ્રદાન બહુમૂલ્ય છે.
એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’ (1954) તથા ‘વધુ ને વધુ સુંદર’ (1968), ‘કાગળની હોડી’ (1978) અને ‘જવા દઈશું તમને’ (1983) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતાં કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.
.
એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી ‘પરોઢ થતાં પહેલાં’ (1968) જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે.’ ‘અગનપિપાસા’ (1972) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે.‘ સાત પગલાં આકાશમાં’ (1984) નામની એમની બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીનાં વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.
.
એમણે ત્રણેક અનુવાદો આપ્યા છેઃ શ્રીમતી લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’ (1962) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ ‘દિલભર મૈત્રી’ (1963) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસ વર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’ (1977). ઉપરાંત એમનાં પ્રકીર્ણ લેખોનો સંગ્રહ ‘દ્વાર અને દીવાલ’ (1955), પ્રાર્થના સંકલન ‘પરમસમીપે’ (1982) પણ નોંધપાત્ર છે. (પુસ્તકો અને વર્ષની માહિતી વિકિપીડિયા માંથી સાભાર).
.
આમ છતાં જે કેટલીક કૃતિઓએ સમગ્ર સમાજની ચેતનાં જગાવવામાં બહુ મોટું કામ કર્યું તેમાં યશસ્વી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ ને મુખ્ય ગણવી પડે. ‘સાત પગલાં આકાશમાં’ એ સ્ત્રી અને પુરુષો વચ્ચેનાં સંબંધોની સંકુલ અને નાજુક સમસ્યાઓનાં સંદર્ભે નારીજીવનની વ્યથાને નિરુપતી, સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતાં વચ્ચેનાં સંઘર્ષની કથા છે. આ કથાનું શીર્ષક લાક્ષણિક છે. સાત પગલાં દ્વારા સપ્તપદી-લગ્નજીવન સુચવાયુ છે, તો ‘આકાશ’ દ્વારા એ વ્યવધાનમાંથી મળતી મુક્તિ સુચવાઈ છે. તેમણે પોતાનાં ઘણાં ચિંતનાત્મક લખાણો ”ઈશા કુન્દનિકા”નાં નામે પણ લખ્યાં છે.
.
એમણે લખેલ પ્રાર્થનાઓનો સંગ્રહ ‘પરમ સમીપે’ તેમાં વ્યક્ત થયેલી પ્રાર્થનાઓની ઋજુતા, આર્જવ અને ખાસ તો પરમશક્તિ પ્રત્યેના સમર્પિતભાવના કારણે એટલો લોકપ્રિય બન્યો છે કે વર્ષોથી તે બેસ્ટ સેલર તરીકે પંકાય છે. પુસ્તકો વસાવતાં પ્રત્યેક ગુજરાતી પરિવારમાં આ પ્રાર્થના સંગ્રહ આજેય જોવા મળે છે.
.
સ્ત્રી સહજ સંવેદના, પોતાની પ્રતિભાનાં બળે ગુજરાતી સાહિત્યની પ્રતિષ્ઠા વધારનાર, બહુવિધ સ્તર પર સાહિત્યનું સર્જન કરનાર, જાહેરજીવનમાં આધૂનિકતાની ઘેલછા વગર પરિધાન અને વ્યવહારમાં પરંપરાનો આદર કરનાર, આ કક્ષાનાં લેખિકાની વિદાયનો ખાલીપો સદાય અનુભવાશે. તેમની ખોટ તેમની વલસાડ નજીકની કર્મભૂમિ ‘નંદિગ્રામ’ ને તો શું, પરંતુ સમગ્ર ગુજરાતનાં સાહિત્ય અને સંસ્કાર જગતને કદી નહી પૂરાય.
.
આજે ફરી એક વાર ભીનાં થયેલાં આંખોનાં ખૂણેથી એમને પ્રથમ પુણ્યતિથિ પર સાદર વંદન..!!🙏🙏માત્ર હું જ નહિ મારી જેમ કંઈ કેટલાંય લોકો આજે એમની સાથે ગાળેલી અમૂલ્ય ક્ષણો કે એમની સાથે જોડાયેલી અવિસ્મરણીય યાદોમાં સાચાં હૃદયથી એમને યાદ કરી મનોમન ભીંજાઈ રહ્યાં હશે..!!
.
( વૈભવી જોશી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.