૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ સ્વાવલંબી બને-અલ્પમ દેસાઈ ભટ્ટ

.

ઘણા બધાને ઘણું બધું આવડે જ છે અને કરે પણ છે. બહારના કામોમાં સ્ત્રીઓએ હજી ઘણું શીખવાની જરૂર છે. આ ખાસ ૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે છે, જેઓએ ભણવામાં કોમ્યુટર નથી જોયા, પણ મોબાઈલ જોડે હવે ફાવી ગયું છે.
.
જયારે નવા નવા ATM આવ્યા હતા ત્યારે બધાને માટે એ એક આશ્ચર્ય હતું. મારી ઓફિસમાં તો પગાર ચેકથી આપતા એટલે ઉપાડવા તો બેન્કમાં જવું પડે. કંપની જે બેંકમાં પગાર જમા કરતી, એ બેંકે હોંશે હોંશે બધાને ATM કાર્ડ પણ આપી દીધા. બધા એકબીજાને પૂછે કે તે ATM થી પૈસા ઉપાડ્યા. એક હરખ શોખ ની લહેર હતી. ત્યાં સાથે કામ કરતા એક બહેને કહ્યું, “હું તો ATM માંથી પૈસા ઉપાડવાનું શીખવાની જ નથી, નહિ તો પછી ઘરની બીજી જવાબદારીઓની જેમ એક વધુ જવાબદારી મારે માથે આવી જશે”. જ્યારે પતિદેવ ઘરકામમાં મદદરૂપ નથી થતાં ત્યાં પત્નીઓ બહારના કામો કરવા બિલકુલ આતુર હોતી નથી.
.
હવે તકલીફ ક્યાં થાય છે. રિટાયરમેન્ટ પછી પતિભાઈ, થોડા તબિયત બાબતે જેવા અસુરક્ષિત બને, ત્યાં જ પત્ની ઉપર ટોપગોળા વરસાવવાનું શરૂ – હું કેટલા વર્ષથી કહી કહીને થાક્યો – એક ચેક લખતા નથી શીખી, બેંકની સ્લીપ ભરતા નથી આવડતું તો FD ના ફોર્મ કેવી રીતે ભરીશ, એ તો હું આ બધું કરું છું, બાકી હું જતો રહીશ ત્યારે મારી પરસેવાની કમાઈ કોઈ લૂંટી જશે તો તને ખબર પણ નહીં પડે, બધું મૂકી જઈશ તો પણ ઓશિયાળી બનીને જીવવું પડશે વગેરે વગેરે…
.
એ જે હોઈ તે, પણ એવું ન હોય તો પણ દરેક વ્યક્તિ (સ્ત્રી હોય કે પુરુષ) એ ઓનલાઈન પોતાના પૈસાનું મેનેજમેન્ટ શીખવું જ જોઈએ.
.
ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ.
.
૧. લોગીન કરીને સ્ટેટમેન્ટ જોતા આવડવું જોઈએ.
૨. કોઈને પૈસા મોકલતા આવડવું જોઈએ (Third party payments – Add beneficiary).
૩. બેન્કિંગ દ્વારા બિલ autopay on due date સેટ કરી શકાય (ગેસ બિલ, મોબાઈલ, ક્રેડિટ કાર્ડ) વગેરે માટે.
૪. લાઈટ બિલ, પ્રોપર્ટી ટેક્ષ, કે કોઈપણ બિલ ની સાઇટ પર જઈ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા બિલ પેમેન્ટ કરતા આવડવું જોઈએ.
૫. કોઈપણ બેંક કે કંપનીની FD ઓનલાઈન બનાવતા આવડવું જોઈએ. એજન્ટનો જમાનો ગયો.
૬. Share અને Mutual Funds ઓનલાઈન લે વેચ કરતા શીખી લેવું જોઈએ.
૭. ખરીદી કરો ત્યારે Paytm, ગુગલપે, વગેરે પ્રેમથી વાપરો, QR Code scan કરી પેમેન્ટ કરતા શીખી જાવ. પાકીટ વગર ફરવાનું ગમશે.
૮. રીકરીંગ ડિપોઝીટ, SIP, LIC ના પ્રિમયમ વગેરે ઓનલાઈન ઓટોમેટિક ભરવાનું સેટિંગ કરતા, તેમજ સેટિંગ બંધ કરતા શીખવું જોઈએ.
૯. પોસ્ટ ઓફિસ પણ હવે online થવા જઈ રહી છે, માટે એ થાય કે તુરંત પોસ્ટના બધા બચત વહેવાર શીખી લેવાના.
.
ઓનલાઈન શોપિંગ: ગમે કે ન ગમે સંકટ સમયની સાંકળ બની શકે છે. અત્યારે Blinkit જેવી app છે જે ૧૨-૧૫ મિનિટમાં વસ્તુ ઘરે હાજર કરી શકે છે. ઘરે બેઠા વસ્તુ આવી જાય. ૪૦-૫૦ રૂપિયા ડિલિવરી ચાર્જ લે છે તેમાં તમારો પેટ્રોલ કે રીક્ષા ખર્ચ, બહારના કપડાંની જોડી ધોવાનો ખર્ચ, સમયની બચત તેમજ વસ્તુઓ ઊંચકીને લાવવાની તાકત બચી જાય છે.
.
ઉબર અને ઓલા app ચલાવતા આવડવું જ જોઈએ. આ apps ને કોઈ પણ Paytm જેવી પૅમેન્ટ app સાથે લિંક કરવી ખૂબ જરૂરી છે. ઓલા ઉબરમાં ભાડું ૫૮.૪૩ કે ૭૨.૮૩ જેવું બતાવતા હોય છે. જો cash આપશો તો તમે ૬૦ કે ૭૫ આપવા પડશે, એને બદલે જો લિંક હશે તો exact amount કપાશે, અને પર્સમાં cash ન હોય તો પણ રીક્ષા કે કારમાં ફરી શકો તે વધારાનો ફાયદો.
.
તેવું જ credit card નું છે. કોઈ દિવસ પાકિટમાં પૈસા ન હોય અને કઈંક ખરીદી યાદ આવે કે કોઈ વસ્તુ ખરીડવાનું મન થઇ જાય તો તમે તે વસ્તુ ખરીદી શકો. હા, ક્રેડિટ કાર્ડમાં ગજા બહારના ખર્ચ ન થઈ જાય તેની સાવચેતી રાખવી જોઈએ.
.
હવે આટલું બધું ઓનલાઈન કરો તો ઘણાબધા login અને password ના માલિક બનો – તો એ બધા યાદ કેવી રીતે રાખવા. દરેક લોગીન લખી રાખવું. તેનો પાસવર્ડ પણ તમે encrypt કરી લખી શકો. એટલે જો મારું બેંકનું login 12345678 હોય તો તે લખી તેની સામે password માં હું એવું લખી શકું કે મારું ફૂલ@મારા છોકરા એટલે મને તરત યાદ આવી જાય કે mogra@1. Encrypt એટલે એ શબ્દો ફક્ત તમે સમજી શકો બીજા નહીં. પછી ૪-૬ મહિનામાં બધા login અને password જેમ જેમ વપરાતા જશે તેમ તેમ યાદ રહેશે.
.
ઘણા લોકોને OTP યાદ રાખી Enter કરવામાં તકલીફ પડે છે. તો જ્યાં પણ શક્ય હોય ત્યાં મોબાઈલ પોતે OTP વાંચીને લખી દે છે તે allow કરવું જોઈએ, અડધી તકલીફ દૂર થાય. બીજું કે OTP માટે મેસેજ ખોલવા ન જાવ. OTP ને Pop up થવા દો અને જે આંકડા દેખાઈ તે 123 123 એમ મોટેથી બોલો અને સાથે સાથે લખતા જાવ. થોડી પ્રેકટીસ કરશો એટલે યાદ રહેશે.
.
મેં કોમ્પ્યુટર પ્રથમ વખત જોયું ત્યારથી હું એના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ હતી, આજ સુધી એ પ્રેમ બરકરાર રહ્યો છે. એટલે હું બને ત્યાં સુધી cash વાપરતી જ નથી. ફક્ત મારે ઘરે ઘરકામ માટે આવતા છોકરાને cash પગાર આપું છું. બાકી મારે તો ધોબી, દૂધવાળા ભાઈ, બધાય ઓનલાઈન પેમેન્ટ લે છે. પહેલાં દર મહિને X રૂપિયા ATM માંથી હું દર મહિને ઉપાડતી, હવે એજ રકમ ૬ મહિને ઉપાડું છું.
.
આ બધાની સાથે જરૂરી સાવચેતીઓ – “કોઈપણ દિવસ કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ લોગીન, પાસવર્ડ કે OPT share કરવો નહીં”. આ વાક્ય ચાર વાર વાંચો. બેંકના કર્મચારીઓ સાથે પણ નહીં.
.
( અલ્પમ દેસાઈ ભટ્ટ )
Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.