Category Archives: ગુફ્તગૂ

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-“એ”

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી અંગે શ્રી કાંતિભાઈ કરશાળા સાથે વાતચીત કરતાં તેમણે મને સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓને પણ આમાં સામેલ કરવા જણાવ્યું. બીજા વિદ્યાર્થીઓને શોધવાનું તો શક્ય બન્યું નહીં. પણ રજાઓમાં મારી ઘરે આવેલા મારી બેનના દીકરાઓને આ કામમાં સામેલ કરવાનું શક્ય બન્યું. શબ્દસ્પર્ધાની આજની પૂર્વ તૈયારીમાં મારા ભાણિયા આશ્લેષ કે. પારેખે પણ મદદ કરી છે. આશ્લેષ વડોદરામાં અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. અને તેણે ધોરણ-૬ની પરીક્ષા આપી છે. એની શાળામાં ગુજરાતી વ્યાકરણનો અલગ વિષય શીખવવામાં આવે છે તેથી એને વાક્ય બનાવવામાં ઘણી મજા પડી.   

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

એંકાર

અહંકાર; ગર્વ; અભિમાન.

આપણે જીવનમાં એંકાર રાખવો જોઈએ નહીં.

2

એંખલાસ

અતિશય મેળાપ; પરમ મિત્રતા.

અમારા શહેરમાં હિન્દુ-મુસલમાન એંખલાસથી રહે છે.

3

એંચ

અછત; ખામી.

ભવિષ્યમાં પાણીની એંચ પડશે જ.

4

એંચંએંચા

ખેંચાખેંચી

નેતાઓ ખુરશી માટે એંચંએંચા કરે છે.

5

એંચણો

હરણ.

એંચણોને પકડવા રામ વનમાં ગયા.

6

એંટદાર

એંટવાળું.

એના એંટદાર સ્વભાવને કારણે એને કોઈ સાથે બનતું ન્હોતું.

7

એબ

ખોડ; ખામી.

દરેક માણસ પોતાની એબ ખૂલ્લી ન પડી જાય તે બાબતે સાવધાન રહે છે.

8

એંઠવાડ

એઠ; ખાવાપીવાથી થતો ગંદવાડ.

લગ્નપ્રસંગે વધેલો એંઠવાડ ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં.

9

એંડીગેંડી

વડોદરા તરફ રમાતી એ નામની એક રમત

વડોદરાના બાળકોને એંડીગેંડી ની રમત ખૂબ ગમે છે.

10

એંડુ

કળશ.

પૂજા સામગ્રીમાં એંડુ ની જરૂર પડ છે.

11

એંઢોણી

ઇંઢોણી; હીંઢોણી.

એંઢોણી પર બેડું મૂકીને પનિહારી કૂવે પાણી ભરવા જાય છે.

12

એંધણાં

બળતણ.

ગામડાની સ્ત્રીઓ સાંજે એંધણાં વીણવા જાય છે.

13

એંધાણી

નિશાની; ચિહ્ન.

વરસાદની એંધાણી થતાં જ સજીવસૃષ્ટિ આનંદિત થઈ જાય છે.

14

એંનમેંન

સરખેસરખું; મળતું આવતું.

બધું એંનમેંન હોય ત્યાં દીકરીને દેવાય.

15

એઆનત

મદદ; સહાય.

કોઈની એઆનત લેવા કરતાં ભૂખથી મરી જવું એણે પસંદ કર્યું.

16

એઈડિયું

એરંડિયું; દિવેલ.

માથામાં એઈડિયું લગાવવાથી ઠંડક થાય છે.

17

એકંતરા

એકાંતરિયો ઉપવાસ.

જૈન લોકો પર્યુષણમાં એકંતરા ઉપવાસ કરે છે.

18

એકંદરે

બધું મળીને થયેલું; કુલ.

એકંદરે આ વર્ષે શિયાળુ પાક સારો થયો.

19

એકક

અસહાય; મદદ વગરનું.

પતિના મૃત્યુ પછી રમા એકદમ એકક થઈ ગઈ.

20

એકકપાલી

એક માથાવાળું.

રાવણ એકકપાલી નહોતો પણ દશકપાલી હતો.

21

એકકોષી

એક કોષવાળાં પ્રાણી

અમીબા, યીસ્ટ અને પેરામિશિયમ એકકોષી સજીવ છે.

22

એકગમ્ય

પરમાત્મા; એક સ્વરૂપ પ્રાપ્ત કરવા જેવા પ્રભુ.

મીરા દ્વારિકામાં એકગમ્યમાં સમાઈ ગઈ.

23

એકચક્રી

ચક્રવર્તી.

લંકામાં રાવણનું એકચક્રી શાસન હતું.

24

એકટાણું

એક વખત જમવાપણું.

શ્રાવણમાસમાં ઘણાં લોકો એકટાણું કરે છે.

25

એકઠું

એકત્ર કરેલું; ભેગું

કીડી કણકણ કરીને અનાજ એકઠું કરે છે.

26

એકડ

જમીનનું એક માપ

એની પાસે હજારો એકડ જમીન હતી તો પણ એ સુખી ન્હોતો.

27

એકડબેકડ

છૂટક છૂટક.

ઘરનો સામાન એકડબેકડ ન લાવતા સાથે જ લાવવો સારો.

28

એકડેએક

એકથી સો લગી બોલવા લખવાનો એક આંક

શિક્ષકે બધા બાળકોને એકડેએક લખવા કહ્યું.

29

એકઢાળિયું

એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓસરી.

જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં એકઢાળિયાં ઘરો જોવા મળે છે.

30

એકતંતુ

એક તારવાળું.

એકતંતુ વાદ્ય વગાડીને એણે બધાનું મનોરંજન કર્યું.

31

એકતંતે

લાગુ રહીને; ખંત અને આગ્રહથી.

વિદ્યાર્થીઓએ એકતંતે અભ્યાસ કરવો જોઈએ.

32

એકતંત્રશાસન

એકહથ્થુ સત્તાવાળી રાજ્યપદ્ધતિ.

ચંદ્રગુપ્તએ પોતાના રાજ્યમાં એકતંત્રશાસન સ્થાપ્યું હતું.

33

એકતત્ત્વવાદ

અદ્વૈતવાદ

પંડિતો એકતત્ત્વાદની ચર્ચા કલાકો સુધી કર્યા કરતાં.

34

એકતરફ

એક બાજુએ; એક પક્ષે

છેવટે બધા લોકો એકતરફ થઈ ગયા.

35

એકતરા

એકાંતરિયો તાવ.

મેલેરિયાનો એકતરા તાવ આવે છે.

36

એકતર્ફા

એકપાક્ષિક; એક બાજુનું.

એકતર્ફા નિર્ણયો હંમેશા ખોટા હોય છે.

37

એકતા

અભેદ; સમાનતા

ભારતની એકતા અને અખંડિતતા જાળવવા જાન આપવો પડે તો પણ તે માટે તૈયાર રહેવું જોઈએ.

38

એકતાન

એક જ વસ્તુ ઉપર ધ્યાન ચોંટેલું હોય એવું; એકાગ્રચિત્ત

પંડિત ઓમકારનાથને સાંભળીને એ સંગીતમાં એકતાન થઈ ગયો.

39

એકતીર્થી

ગુરુભાઈ; સાથે ભણનાર

આશ્રમમાં કૃષ્ણની સાથે સુદામા  એકતીર્થી હતા.

40

એકત્રિત

સંગ્રહેલું; એકઠું કરેલું.

મુશ્કેલી આવે ત્યારે એકત્રિત કરેલું ધન કામ આવે છે.

41

એકત્વભાવના

એકપણાનો ભાવ; સંપની લાગણી.

ઘરમાં એકત્વભાવનાથી સૌ રહે તો બહારની કોઈ વ્યક્તિ કંઈ બગાડી શકતી નથી.

42

એકદંડિયો

એક થાંભલા ઉપર ચણેલી મેડી.

એના એકદંડિયા મહેલમાં કોઈ પ્રવેશી શકતું નહીં

43

એકદંત

ગણપતિ; ગણેશ

કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં એકદંતની પૂજા કરવામાં આવે છે.

44

એકદમ

આ જ વખતે; આ પળે.

એકદમ સમયસર ટ્રેન ઉપડી ગઈ.

45

એકધારું

એક જ દિશામાં જતું.

નદીનું પાણી એકધારું વહ્યા કરે છે.

46

એકનિશ્ચય

બદલાય નહિ તેવો ઠરાવ; દૃઢ નિશ્ચય.

એ એક વાર એકનિશ્ચય કરી લે પછી તેને કોઈ બદલી નહીં શકે.

47

એકપત્નીવ્રત

એક જ પત્ની કરવાનું વ્રત

રામ એકપત્નીવ્રત ધરવતા હતા.

48

એહતિયાત

ચેતવણી; સાવધાની.

સૂરતમાં પૂર આવવાની એહતિયાત આપવામાં આવી હતી.

49

એષણા

ઇચ્છા

પ્રથમ નંબર લાવવાની એષણા સૌએ રાખવી જોઈએ.

50

એશઆરામ

મોજમજા અને નિરાંતનું સુખ; આરામ.

ખેડૂતો અનાજ તૈયાર થઈ જતાં એશઆરામ કરે છે.

51

એચારી

ગોર. ધર્મગુરુ

પ્રમુખસ્વામી મહારાજ સ્વામીનારાયણ સંપ્રદાયના એચારી છે.

 

 

 

 

 

 

 

 

શબ્દસ્પર્ધાની પૂર્વ તૈયારી-“શ”

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

શંકનીય

બીકણ.

ગાંધીજી બાળપણમાં ઘણાં શંકનીય હતા

2

શંખધર

વિષ્ણુ. સમુદ્ર. શંખ ધારણ કરનાર.

શંખધર શેષશૈયા પર પોઢે છે.

3

શંખધ્મા

શંખ ફૂંકનાર.

શંખધ્મા શંખ ફૂંકે પછી જ યુધ્ધની શરૂઆત થતી.

4

શંખપાલ

આકડાનો છોડ.

હનુમાનજીને દર શનિવારે શંખપાલ ચઢાવવામાં આવે છે.

5

શંયુ

ભલું.

આપ સૌનું શંયુ થજો.

6

શંસનીય

પ્રશંસનીય.

એક કીડનીનું દાન કરી એણે એક વ્યક્તિનો જીવ બચાવી શંસનીય કામ કર્યું.

7

શંસા

આકાંક્ષા; ઇચ્છા. વખાણ. વચન; બોલ; બોલવું તે; કહેવું તે.

આગળ વધવાની શંસા દરેક વ્યક્તિએ રાખવી જોઈએ.

8

શંસિત

દુષિત. નિશ્ચિત. મારી નાખેલ. વખણાયેલું; પ્રશંસા પામેલું; પ્રશંસિત

જિંદગીમાં એક વાર તો એવરેસ્ટ શિખરને સર કરવું એ બચેન્દ્રી પાલે મનમાં શંસિત કરી નાંખ્યું હતું.

9

શંસ્ય

કહેવા યોગ્ય. મારવા લાયક.

નજીકના મિત્રોને શંસ્ય વાતો કહીને હ્રદયને હળવું કરવું જરૂરી છે.

10

શઈ

શાહી; રુશનાઈ. સહી; હસ્તાક્ષર.

ઈન્ડીપેનમાં શઈ ભરીને લખવાની મજા જ કંઈ અલગ.

11

શક

ઘૂવડ.

રાત્રે અંધારામાં પણ શક જોઈ શકે છે.

12

શક્તામ્લમિતિખટાશ

માપવાની ક્રિયા.

દુકાનમાં બેસીને વેપારી આખો દિવસ કાપડને શક્તામ્લમિતિખટાશ કર્યા કરતો.

13

શક્તિક્ષીણતા

કમજોરી; શરીરની નબળાઈ.

શરીરમાં એટલી બધી શક્તિક્ષીણતા આવી ગઈ હતી કે એનાથી પલંગમાંથી ઉભા પણ ન્હોતું થવાતું.

14

શક્તિધર

તાકાતવાળું; બળવાન.

શક્તિધરની સામે નબળો માણસ કેવી રીતે ટકી શકે?

15

શણવટ

શણગાર

શણવટ કરીને એ પ્રિયતમની રાહ જોવા લાગી.

16

શતક

સર્ગ; પર્વ.

મહાભારતમાં કેટલા શતક છે તે કોઈ જાણકારને ખબર હશે.

17

શતકોટિ

હીરો., અબજ; સો કરોડની સંખ્યા; ,૦૦,૦૦,૦૦,૦૦૦ વજ્ર; પવિ; કુલિશ; અશનિ

જેણે ભારતની ધરતી કાજે શહીદી વ્હોરી તેવા તમામ સૈનિકોને શતકોટિ વંદન.

18

શબ્દગ્રહ

કાન; શ્રોત્રેંદ્રિય.

સત્સંગમાં જઈએ ત્યારે શબ્દગ્રહ સતેજ રાખવા જોઈએ.

19

શબ્દાંગ

અક્ષર; વર્ણ.

બાળમંદિરમાં સ્લેટ પર શબ્દાંગ ઘૂંટાવવામાં આવતા.

20

શયતાન

તોફાની માણસ; મસ્‍તીખોર ઇસમ. દુશ્‍મન. ધૂર્ત માણસ; કપટી માણસ; બદમાશ;  શેતાન. રાક્ષસ; દૈત્‍ય.

બાઈબલમાં શયતાનનો ઉલ્લેખ છે.

21

શયતાનિયત

ધૂર્તતા; કપટ; શયતાનપણું; બદમાશી; લુચ્‍ચાઇમસ્‍તી; તોફાન.

નજીકના સંબંધોમાં શયતાનિયત ન કરવી જોઈએ.

22

શર્વાણી

પાર્વતી; શિવા; ભવાની; દુર્ગાદેવી. તેની મૂર્તિ કન્‍યાશ્રમ નામના પીઠસ્‍થાનમાં છે.

ભગવાન શંકર મા શર્વાણી સાથે કૈલાસમાં બિરાજમાન છે.

23

શર્વું

ચતુર; ચેતી જાય તેવું; ચંચળ

હરણ બહુ શર્વું હોય છે.

24

શરપતન      .

બાણોનો વરસાદ; શરવૃષ્‍ટિ

રાવણની સામે રામે શરપતન કર્યો.

25

શબલિતા

માયા

જગત પ્રત્યે મોહ અને શબલિતા રાખવી વ્યર્થ છે.

26

શબિસ્તાન

શયનગૃહ; સૂવાનો ઓરડો

રાજાઓના શબિસ્તાનો આલિશાન હતાં.

27

શબવ્યવચ્છેદ

મરી ગયેલ માણસની કાપકૂપ કરવી તે; મુડદાંને ચીરવું તે; પોસ્ટમોરટમ

કોઈ વ્યક્તિનું ખૂન થાય કે અકસ્માતે મરે તો શબવ્યચ્છેદ કરાવવું આવશ્યક છે.

28

શબવાહના

ચામુંડા દેવી

ચોટીલામાં ડુંગર ઉપર શબવાહનાનું મંદિર છે.

29

શુલ્‍બ

તાંબું.

રાત્રે શુલ્બના લોટામાં પાણી ભરી રાખીને સવારે નરણા કોઠે તે પીવું જોઈએ.

30

શુશ્રૂ

માતા.

શુશ્રૂ વિના સંસાર અધૂરો છે.

31

શાકટમ

જથ્થાબંધ

કોઈ પણ વસ્તુ શાકટમ ખરીદો તો સસ્તી જ પડે.

32

શાકપીઠ

શાકનું બજાર.

ગામડેથી શાક લઈને શાકપીઠમાં વેચવા આવે.

33

શકવી

હંસલી.

હંસ અને શકવીનું જોડું અજોડ છે.

34

શકુંતિ

પક્ષી.

તે શકુંતિની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો.

35

શકુનવંતું

શુભ

ઘરથી નીકળ્યા હોઈએ અને સામે ગાય મળે તો તે શકુનવંતું કહેવાય.

36

શકુંત

ગીધ પક્ષી.

યુધ્ધ સમાપ્ત થયા પછી શકુંતે યુધ્ધભુમિ પર ચકરાવા લેવા માંડ્યા.

37

શયદા

પ્રેમઘેલું.

પત્નીના પ્રેમમાં શયદા બની ગયો.

38

શયથ

અજગર

ખેતરમાંથી અચાનક શયથ નીકળ્યો અને બધાં ગભરાઈ ગયા.

39

શિશિરગિરિ

હિમાલય

કાકા કાલેલકરે શિશિરગિરિની યાત્રા કરી અને યાત્રા વિશે પુસ્તક લખ્યું.

40

શિશિકર

ચંદ્ર

પૂનમની રાત્રે શિશિકરની ચાંદનીમાં તાજ મહાલને નીરખવો એ એક લ્હાવો છે.

41

શીલધારી

સુંદર સ્વભાવવાળું.

પત્ની શીલધારી હતી એટલે સંસાર સાંગોપાંગ ઉતરી ગયો.

42

શીશીયારી

દુઃખની ચીસ.

સાસરામાં એની શીશીયારી સાંભળવાવાળું કોઈ ન્હોતું.

43

શીષડી

શિખામણ

કોઈને શીષડી આપવી ઘણી સહેલી પણ જાતે તેના પર અમલ કરવું ઘણું કઠિન છે.

44

શીહ

ટાઢ

શીહ પડતી હોય ત્યારે જલ્દી ઉઠવાનું મન નથી થતું.

45

શીળે

છાંયે.

સૂરજ આગ ઓક્તો હોય ત્યારે વટેમાર્ગુઓ ઝાડના શીળે બેસે છે.

46

શીભ્ય

બળદ

એની પાસે મિલકતમાં થોડી ગાયો હતી અને થોડા શીભ્ય હતાં.

47

શીરખુર્દા

ધાવતું.

બાળક મા પાસે શીરખુર્દા હતું.

48

શીવરી

પુત્રી; દીકરી

શીવરી ભૃણ હત્યા રોકવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે કાર્યક્રમો કર્યા તેનાથી સમાજમાં એ બાબતે ઘણી જાગૃતિ આવી.

49

શીવાહિઝવાન

મીઠી જીભવાળું.

એ એટલી બધી શીવહિઝવાન હતી કે બધા એની વાતોમાં આવી જતાં.

50

શીલ્ડ

ચામડું.

ઋષિમુનિઓ વાઘના શીલ્ડ પર બેસે છે.

51

શૌંડ

કૂકડો.

શૌંડ બાંગ પોકારે એટલે સમજવું કે સવાર થઈ.

 

 

 

Schedule Post

 

મિત્રો,

 

જાન્યુઆરી ૫ થી જાન્યુઆરી ૧૦ સુધી હું બહારગામ હતી. આમ તો રોજ એક કવિતા મારા બ્લોગ પર મૂકવામાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી નિયમિત રહેવાની મારી ઈચ્છા. અને જ્યારથી કાર્તિકભાઈએ (http://kartikm.wordpress.com) Schedule Post વિશે માહિતી આપી ત્યારથી મને તો દોડવું હતું ને ઢાળ મળ્યો જેવું થયું. આખો દિવસ તો સમય ન મળે એટલે રોજ રાત્રે એક કવિતા ટાઈપ કરું અને બીજા દિવસની સવારનો સમય આપી પોસ્ટ કરવા માટે મૂકું. આ મારો રોજનો નિયમ.

 

બહારગામ જવાનું ઘણાં સમયથી નક્કી હતું. એટલે મેં વિચાર્યું હતું કે એટલા દિવસ માટે આગળથી કવિતાઓ ટાઈપ કરીને Schedule Postમાં મૂકી જઈશ. પણ ઓફિસ અને ઘરમાં સતત વ્યસ્તતા અને USAથી સ્વજનો આવેલા હોવાથી હું એક અઠવાડિયા માટેની કવિતાઓ ટાઈપ ન કરી શકી. ૫મીના રોજ સવારે નીકળવાનું હતું. બધી તૈયારી કરવામાં થાકીને લોથપોથ થઈ ગઈ હતી. રાત્રે ૧ વાગ્યે બધું પેકિંગ પતાવીને પથારીમાં પડી. પણ ઉંઘ ન આવે. મનમાં થયા કરે કે કવિતા તો રોજ બ્લોગ પર પોસ્ટ થવી જ જોઈએ. પથારી છોડીને કોમ્પ્યુટર સામે ગોઠવાઈ ગઈ. અને એટલા દિવસ માટે લઘુકાવ્યો પસંદ કરીને ફટાફટ ટાઈપ કર્યું. બધું પૂર્ણ કરીને ફરી પથારી ભેગી થઈ. એ વહેલી પડજો સવાર…

 

( કાલથી મારી ૬ દિવસની સફર વિશે વાત કરીશ )

 

હિના પારેખ

Happy Diwali & Prosperous New Year

સદગુણોનો…સદવિચારોનો…

આપણા દરેકમાં રહેલી સચ્ચાઈનો

ઉત્સવ એટલે દીપોત્સવ

સમૃધ્ધિ..સંસ્કૃતિ..અને સૌજન્યના

દીવાં ઘરે ઘરે પ્રગટે

એજ મારી શુભેચ્છા

સૌને દિવાળી અને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન

 

પારેખ પરિવાર

મૈત્રીની મહેંક-હિના પારેખ “મનમૌજી”

પાશ્ચાત્ય સંસ્ક્રુતિના અનુકરણથી આપણાં ઉત્સવોના લિસ્ટમાં થોડા વધુ ઉત્સવો ઉમેરાયા છે. ભલે એ વિદેશી સંસ્ક્રુતિનું અનુકરણ છે……છતાં મૂલ્યવાન છે. ઓગષ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફેન્ડશીપ ડે. દોસ્તોને મન દિવાળી સમાન ઉત્સવ. ખરેખર લાગણીઓની લગામને છુટ્ટો દોર આપવા આવો દિવસ મળે તો ધન્ય થઈ જવાય. અલબત્ત મોંઘી પ્રેઝન્ટ કે કાર્ડસની આપ-લેના બદલે લાગણીની-સ્નેહની-વિશ્વાસની આપ-લે થાય તે ઘણું જરૂરી છે.

પોતાની જાતને ખૂબ જ કૂનેહબાજ સમજતાં આપણે મિત્રની પણ સ્વાર્થના-ગરજના ત્રાજવે તોલતાં રહીએ છીએ. લીધું-દીધુંની ગણતરી વચ્ચે સતત મિત્રને પણ માપતા રહીએ છીએ. પણ દોસ્તો, કેટલાક સંબંધોને માપવાના નહીં પામવાના હોય છે.

મિત્રતા કરવી સહેલી છે, મિત્રતા તોડવી એનાથી પણ સહેલી છે, પણ મિત્રતા નિભાવવી ખૂબ જ કઠિન છે. મિત્રતા નિભાવવામાં ક્યારેક ઘણું ગમતું-અણગમતું છોડવું પડતું હોય છે. અનેક તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્ય ધારણ કરવું આવશ્યક છે. તમારો શ્રધ્ધારૂપી સઢ જો મજબૂત હશે અને તમારી પાસે સ્નેહરૂપી હલેસું હશે તો ગમેતેવી વિપત્તિને તમે પાર કરી જ જશો. તમારા મજબૂત મનોબળ સમક્ષ શંકા,સ્વાર્થ, નફરત …..કંઈ જ ટકી નહીં શકે. અને એક સમજણભરી-સ્વસ્થ મિત્રતાને નિભાવવામાં-ટકાવવામાં-કાયમ કરવામાં તમે સફળ નિવડશો.

મૈત્રી એ પવિત્ર મંદિર છે. તેમાં પવિત્ર વિચારો મૂકો અને તેમાંથી પવિત્ર વિચારો મેળવો. આજના દિવસે વધુ કંઈ જ ન થઈ શકે તો…શાંત, એકાંત ઓરડામાં બેસી મિત્ર સાથેના સંસ્મરણોની સહેલગાહ માણો. આ પણ એક પ્રકારનું ધ્યાન જ છે.

તમામ મિત્રોને ફેન્ડશીપ ડે નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ…

હિના પારેખ મનમૌજી

( પારિજાત” – ઓગષ્ટ ૧૯૯૯ના અંકમાં પ્રકાશિત )

 Copyright©HeenaParekh

વરસાદ તે દિવસે…-હિના પારેખ

વરસાદ તે દિવસે ઘણો હતો. તેના માટે મુશળધાર શબ્દ પ્રયોજી શકાય તેવો. મારે ઓફીસ જવાનો સમય થયો હતો અને વરસાદે ત્યારે જ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. વરસાદ અટકે તેવી કોઈ શક્યતા નહોતી અને મારે ઓફીસમાં સમયસર પહોંચવાનું હતું. હું છત્રી લઈને ઓફીસે જવા નીકળી. છત્રી મને રક્ષણ આપવા પૂરતી નહોતી. હું ગમે તેટલું સાચવું તોયે ક્યાંક ને ક્યાંકથી તો વરસાદ મને ભીંજવી જ રહ્યો હતો. મેં ચાલવામાં ઝડપ વધારી. ત્યાં મને કોઈનો સાદ સંભળાયો……

ઓ બહેન, જરા ઉભા રહો તો. તમે કયાં સુધી જઈ રહ્યા છો?” 

મેં કહ્યું, બેંક સુધી.

મને થોડે સુધી તમારી છત્રીમાં લઈ જશો?”  મને બૂમ પાડનાર બહેને પ્રશ્ન કર્યો.

મેં તેમને હા પાડી. હું પહેલાં કરતાં વધારે ભીંજાઈ ગઈ. કારણ કે એક છત્રીમાં બે વ્યક્તિ કોરી રહે એ મુશ્કેલ જ નહીં અશક્ય હતું. પોતાની મંઝિલ આવી જતાં એ બહેન મારા પ્રત્યે આભાર વ્યક્ત કરી મારાથી છૂટા પડ્યા. હું ઘણી ભીંજાઈ હતી. છતાં એક અજાણ્યા પથિક સાથે મારી છત્રી વહેંચવાનો મને આનંદ હતો. આટલા બધા વરસાદમાં કોઈ આ રીતે મારી છત્રીમાં કોઈને ભાગ પડાવતાં જુએ તો મને મુર્ખ જ સમજે. છતાં મને તેમ કરવાનું ગમ્યું. કારણ કે આમ કરવાથી મારા હ્રદયને સંતોષ થતો હતો.

કોઈ બળબળતી બપોરે આપણે આપણા સ્કુટર પર જઈ રહ્યા હોઈએ, સ્કુટરની પાછળની સીટ ખાલી હોય અને રસ્તામાં ધોમધખતા તાપમાં બસની રાહ જોઈને ઉભેલા માણસને જોઈને તેને લીફ્ટ આપવાનું મન થાય છે ખરું?

 

ધોધમાર વરસાદમાં આપણે ઘરમાં બેઠા બેઠા ગરમ ચાની ચુસ્કીઓ લેતાં હોઈએ ત્યારે વરસાદમાં આશરો મેળવવા આપણા ઘરનાં બારણે આવેલા કોઈ અજાણ્યા રાહીને ઘરમાં બોલાવીને તેને ચા પીવડાવવાનું મન થાય છે ખરું? 

કોઈ સ્વજનને મળવા આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે બાજુના પલંગ પર સૂતેલો કોઈ એકલો અટૂલો દર્દી આપણને તેની દવા લાવી આપવા માટે કહે ત્યારે તેને મદદ કરવાનું મન આપણને થાય છે ખરું? 

બહુ અગત્યના કામે આપણે ઘરની બહાર નીકળ્યા હોઈએ અને ત્યારે રસ્તામાં વાહનની અડફેટે ઘાયલ થઈને તરફડતા કોઈ પ્રાણીને જોઈને આપણને મોડું થતું હોવા છતાં એક ફોન કરીને તે પ્રાણી વિશે એનિમલ સેવિંગ ગ્રુપને જાણ કરવાનું મન થાય છે ખરું? 

ઈષ્ટદેવના દર્શન માટે મંદિરનાં ઉંચા ઉંચા પગથિયા ચડતી વખતે કોઈ વ્રુધ્ધ કે કોઈ અપંગને પગથિયા ચડવામાં તકલીફ અનુભવતાં જોઈને આપણને તેનો હાથ પકડીને પગથિયા ચડાવવાનું મન થાય છે ખરું? 

આપણા જન્મદિવસે મિત્રો-સ્વજનો માટે રાખેલી પાર્ટી માટે બજારમાંથી કેક લઈને આવતાં હોઈએ ત્યારે રસ્તામાં કોઈ ઝૂંપડપટ્ટી આવે તો તે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોમાં કેક વહેચવાનું મન થાય છે ખરું? 

ટ્રેનની અસહ્ય ભીડમાં માંડ માંડ બેસવાની જગ્યા મળી હોય ને આગલા સ્ટેશન પર કોઈ સ્ત્રી નાનું બાળક લઈને ચડે તો તેને પોતાની જગ્યા આપી દેવાનું મન થાય છે ખરું? 

 

……..આવી નાની નાની ઘણી ઘટનાઓ છે જે આપણે કરી શકીએ છીએ પણ મોટેભાગે આપણે તેવું કરતાં નથી. દરેક વખતે આપણી પાસે એક જ જવાબ હોય છે-મને સમય નથી….I have no time”. જિંદગીને જીવી લેવાની ઉતાવળમાં સવારથી ઉઠીને રાત્રે પથારી ભેગાં થઈએ ત્યાં સુધી આપણે આમતેમ દોડતાં જ રહીએ છીએ. અને તેમાં જ થાકી જઈએ છીએ. કારણ કે જિંદગીને જીવી નાંખવાની ઉતાવળમાં આપણે જિંદગીને માણવાનું ભૂલી ગયા છીએ. હું કંઈક મેળવીશ તો સુખી થઈશ-એવી ભ્રામક માન્યતા આપણા મનમાં દ્રઢ કરી ગઈ છે. તેથી કંઈકને કંઈક પ્રાપ્ત કરતા રહેવાની લાલસામાં કેવી રીતે જીવવું તે જ ભૂલી ગયા છીએ.

 

ગમે તે કિંમતે, ગમે તે ભોગે આપણે આપણી ઈચ્છા મુજબનું મેળવી તો લઈએ છીએ પણ તેનાથી સુખ પ્રાપ્ત થતું નથી. તેથી સુખ કંઈ બીજામાં હશે તેમ માનીને ફરી તે મેળવવા મંડી પડીએ છીએ. આ ચક્ર અવિરત આલ્યા જ કરે છે. પણ આપણા હ્રદયને આનંદ મળતો નથી, સંતોષ અનુભવાતો નથી, જીવનમાં ક્યાંય પ્રસન્નતા નથી. 

મોટા મોટા લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં આપણે લગભગ લાગણીહીન, નિષ્ઠુર, અમાનુષ બની ગયા છીએ. કેટલીયે નાની નાની વાતો એવી છે જે આપણને આનંદ આપવા માટે સક્ષમ છે પરંતુ તેના તરફ કદી આપણું ધ્યાન જતું જ નથી. આવા સમયે જીવનની ગતિ થોડી ધીમી કરીને આપણી આજુબાજુ ઘટતી નાની નાની બાબતોને બારીકાઈથી જોવાની, તેને સમજવાની અને તેને માણવાની જરૂર છે. જો આપણે એક-બે કદમ પણ સાચી દિશામાં ચાલવા પ્રયત્ન કરીશું તો એવી ઘણી ક્ષણો મળી આવશે જે આપણને પૂર્ણ આનંદથી ભેટી પડવા તૈયાર હશે. આનંદ કે સુખ વિશાળ પ્રમાણમાં ક્યારેય કોઈને મળતું નથી. તે નાની નાની ઘટનાઓ દ્વારા જ મેળવીને એકત્રિત કરવાનું હોય છે. અને તે મેળવ્યા પછી તેને અન્યમાં વહેંચવાનું હોય છે. સુખ, આનંદ, પ્રસન્નતા, હાસ્ય વહેંચવાથી ઘટતું નથીઅનેકગણું વધે છે.

 

કવયિત્રી Emily Dickinson નું એક કાવ્ય મને બહુ પ્રિય છે… 

If I can stop one heart from breaking,

I shall not live in vain,

If I can ease one life from aching,

Or cool one fainting robin

Unto his nest again,

I shall not live in vain.

જો હું કોઈના હ્રદયને ભાંગી પડતું અટકાવી શકું,

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

જો હું કોઈ માણસની પીડાનું શમન કરી શકું,

એકાદ જખ્મને રુઝવી શકું..

અથવા ઠંડીથી મૂર્છીત થયેલા રોબિન પંખીને

તેના માળામાં પાછું મૂકી શકું

તો મારું જીવન નિરર્થક નહીં જાય.

હિના પારેખ મનમૌજી

જૂન ૭, ૨૦૦૩.

Copyright©HeenaParekh