Category Archives: પુસ્તક પરિચય

માનવ જીવનની અનંત સંભાવનાઓ

માનવ જીવનની અનંત સંભાવનાઓ-અરુણ ‘યોગી’ પારેખ

અમારી દમણિયા સોની જ્ઞાતિના ગૌરવ સમા પદ્મભૂષણ લોર્ડ ડો. ભીખુભાઈ પારેખ તથા તેમના અનુજ શ્રી અરુણ ‘યોગી’ પારેખને બે-ત્રણ વખત સાંભળવાનો મોકો મળ્યો. આજે અહીં શ્રી અરુણભાઈની એક નાનકડી પુસ્તિકા વિશે માહિતી આપું છું.

.

શ્રી અરુણભાઈની આ પુસ્તિકા ગાગરમાં સાગર સમાન છે. જેમાં એમણે શબ્દશક્તિ, ઈચ્છાશક્તિ અને વિચારશક્તિ અને આ તમામ શક્તિઓને પ્રાણવંત રાખતી ધ્યાનશક્તિને ઓળખવા પર ખાસ ભાર મૂક્યો છે. સાથે સાથે રોજ પ્રાર્થના કરવા અને ઘરમાં મંદિર રાખવા સૂચન કર્યું છે.

.

લેખક પરિચય :

.

શ્રી અરુણ ‘યોગી’ પારેખ લેખક, વક્તા અને પરિસંવાદ સંચાલક છે. પરમહંસ યોગાનંદના ઉપદેશો તથા ચિંતન અને ધ્યાનની પોતાની વર્ષોની સાધનાને આધારે સાન હોઝે, કેલિફોર્નિઆ સ્થિત અરુણ ‘યોગી’ પારેખ માને છે કે આપણાં જીવનની અનંત સંભાવનાઓનો અહેસાસ કરવાનો એક માત્ર માર્ગ આપણા વણથંભ્યા માનસિક વલણો તથા જીવનની અવિરત માંગોમાંથી માનસિક સભાનતાને થોડો સમય વેગળી કરવાનો છે.

.

મુંબઈ તેમજ અમેરિકાની એટલાન્ટીક યુનિવર્સિટીના દર્શનશાસ્ત્રના સ્નાતક અરુણ પારેખે ૧૯૯૯માં વહેલી નિવૃત્તિ લઈ જાહેર વ્યાખ્યાનો, પ્રશિક્ષણ ને પરિસંવાદો દ્વારા સમગ્ર અમેરિકા અને ભારતમાં લોકો સમક્ષ જીવનને સમૃદ્ધ કરવાનો રાહ ચિંધવાના ધ્યેયને તેમનું જીવન સમર્પિત કર્યું છે.

.

“મારા જીવનનો ઉદ્દેશ્ય જ જીવને મને જે કંઈ શીખવ્યું છે તેની ઉપયોગીતામાં સૌને ભાગીદાર બનાવવાનો છે.”

.

તેઓ લાઈફ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ તથા પોઝીટિવ એટિટ્યુડ અને રિટાયરમેન્ટના પ્રોગ્રામો ઓફર કરે છે.

.

લેખકના અન્ય પુસ્તકો :

Powers of Our Mind

Success Is Your Birthright

Meditation – A Way To Take Charge Of Your Life

Only One Life To Live

.

માનવ જીવનની અનંત સંભાવનાઓ

પ્રકાશક :

આરતી ઈન્ટેગ્રેટેડ ટ્રેઈનિંગ

Website: www.ArtiPresentations.com

Email: Yogi@ArtiPresentations.com

.

પ્રાપ્તિસ્થાન :

(૧) શ્રી ઉન્મેશ જે કાપડિયા, શિવમ, બી-૧ શિવશક્તિનગર, તાડવાડી, રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯.

ફોન નં. ૦૨૬૧-૨૭૬૧૪૭૫

.

(૨) શ્રી અંજન લાલાજી, આર-૧૦/૨, બાંગુર નગર, જયશ્રીધન સોસાયટી, ગોરેગામ (પ.) મુંબઈ-૪૦૦૦૯૦. ફોન નં. ૦૨૨-૨૮૭૯૮૫૦૯.

.

પૃષ્ઠ : ૨૦

.

મૂલ્ય : Indian Rs. 20/-

US $ 5.00

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

અંગદનો પગ-હરેશ ધોળકિયા

માત્ર વાંચવા માટે જ નહીં પણ વસાવવા અને વહેંચવા જેવી નવલકથા

કચ્છના લોકો માટે શ્રી હરેશભાઈ ધોળકિયાનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કચ્છમિત્રમાં એમની “ઘડિક સંગ” નામની કોલમ ચાલે છે. ડો. અબ્દુલ કલામના બે પુસ્તકોનો અને કિરણ બેદી તથા ચેતન ભગતના એક-એક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાત સમક્ષ આ પુસ્તકો મૂક્યા ત્યારે ગુજરાતના બધા જ વાચકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. જોકે આ ઉપરાંત પણ ઘણાં અનુવાદો તેમણે કર્યા છે, મૌલિક પુસ્તકો પણ ઘણાં લખ્યા છે અને સંપાદનો પણ કર્યા છે. લેખન ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય, જાતીય સ્વાસ્થ્ય, ભારતીય વેદાંત, શિવામ્બુ, આરોગ્ય વગેરે વિષયો પર પ્રવચનો આપે છે અને શિબિરો ચલાવે છે.

શ્રી હરેશભાઈ ધોળકિયા

એમની બીજી નવલકથા “અંગદનો પગ” શિક્ષણજગતમાં ચાલતી બદીઓ પર પ્રકાશ પાડે છે. જૂન ૨૦૦૬માં આ નવલકથાની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ. પછી આ નવલકથાને એટલો પ્રતિસાદ મળ્યો કે નવેમ્બર ૨૦૦૬, માર્ચ ૨૦૦૭, ઓક્ટોબર ૨૦૦૭ અને મે ૨૦૦૯માં પુનર્મુદ્રણ કરવું પડ્યું. આ નવલકથા વિશે ઘણાં જાણીતા લેખકો, શિક્ષણકારોએ પ્રતિભાવ આપ્યા છે. પરંતુ આજે અહીં “ગુજરાતમિત્ર”માં પ્રકાશિત થયેલ એક લેખ પોસ્ટ કરું છું.

“ગુજરાતમિત્ર”નો આ લેખ ઉપલબ્ધ કરી આપવા બદલ મારા વડિલમિત્ર શ્રી હરેશભાઈ ધોળકિયાનો હું ખાસ આભાર માનું છું.

શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા(?) આપતા ગંદા અને ખંધા શિક્ષકોની કથા : અંગદનો પગ

વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય..પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશા ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે અચળ અને સ્થિર.તેને સામાન્યો કદી ખેસવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા લઈને શ્રી હરેશ ધોળકિયાની નવલકથા રચાઈ છે.

લેખકે દાયકાઓ સુધી શિક્ષક તરીકે સફળ કામગીરી બજાવી છે. અનેક ચિંતનલક્ષી પુસ્તકો લખ્યાં છે. અનુવાદ કરીને ગુજરાતને ચરણે ધર્યા છે. ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે. લેખકે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે-“પચીસ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. સેકન્ડ રેટરોને ભરપૂર માણ્યા છે. અનેક ઘટનાઓ અને દ્રશ્યો આંખ સામે તરતાં હતાં. ધીમે ધીમે તેને સંકલિત કરવા માંડ્યા અને નવલકથા લખવી શરૂ કરી. હવે નામ શું રાખવું તેની મૂંઝવણ શરૂ થઈ. ‘રામાયણ’માં યુદ્ધ પહેલાં સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જિતાય? ત્યારે અંગદ રાવણને દરબાર વચ્ચે કહે છે કે પોતે પગ ખોડીને ઊભો રહેશે. જો રાવણ કે કોઈ દરબારી પણ તે પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસી પડે છે. પણ પછી અંગદના પગને રાવણ સહિત કોઈ જ દરબારી ખેસવી શકતા નથી. અંગદ હસીને કહે છે કે પોતે તો સેનામાં જુનિયર વાનર છે. સેનામાં ખૂબ સિનિયર વાનરો છે. આ નાનો પગ ન ખસેડી શકાયો તો રામ જિતાશે?”

અહીં પણ એ જ ઈશારો છે કે પ્રતિભાશાળીઓ અંગદના પગ જેવા છે. સામાન્યો તેને હટાવવા, હરાવવા, હેરાન કરવા ખૂબ જ પ્રયાસો કરે છે. બાહ્ય રીતે કદાચ સફળ પણ થાય છે. સત્તા વગેરેથી દૂર રાખે છે. હોય તો ખસેડે છે અથવા હેરાન કરીને કામ કરવા દેતા નથી. બધા જ પ્રયાસો કરે છે અને સામાન્ય રીતે દેખાય પણ છે કે પ્રતિભાશાળીઓને ‘નુકસાન’ પહોંચે છે પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી અંશ માત્ર પણ ફર્ક પડતો નથી. પળભર પણ તે નથી ઘટતી. બાહ્ય હલચલ તેમને જરાપણ વિચલિત નથી કરી શકતી. ગરીબી કે અપમાન તેને જરા પણ મૂંઝવી નથી શકતા. કારણ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં આધારિત છે. સ્વ સંચાલિત છે. તે પરાવલંબી નથી. બાહ્ય બનાવો તેને કદી પણ અસર કરતા નથી. તેની મસ્તી જ એવી છે જે તેમને સતત કૃતકૃત્ય રાખે છે. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે. પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.

આ નવલકથામાં પણ એવા જ એક પ્રતિભાશાળી શિક્ષક બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ પાત્ર કાલ્પનિક છે તેમ ન માનવું. ખુદ નવલકથા પણ કાલ્પનિક નથી. દરેક પ્રસંગ ઈન કેમેરા બનતા જોયા છે અનુભવ્યા છે અને આવા ‘જ્યોતિન્દ્રો’ જોયા પણ છે. આ નવલ એક સ્પષ્ટ હેતુ માટે જ લખાઈ છે. નવલકથાનું ફોર્મ જ છે. બાકી માત્ર પ્રતિભાશાળીનું મહત્વ દર્શાવવા જ તે લખાઈ છે. ‘આવા’ જ લોકો આપણા સમાજને ચલાવે છે તે દ્રઢતાથી કહેવું છે. જો આપણો સમાજ થોડો પણ પછાત રહે તો તેનું કારણ આ પ્રતિભાશાળીઓની અવગણના થાય છે અને સામાન્યોની અર્થહીન પ્રશંસા થયા કરે તે છે!

શ્રી હરેશભાઈ ધોળકિયાએ આ પુસ્તક વાચકોને મનોરંજન આપવાના હેતુથી લખ્યું નથી. એમણે આદર્શ શિક્ષક જ્યોતીન્દ્ર શાહના પાત્ર દ્વારા જે સંદેશો પાઠવવાનો હતો તે વાચકોને પાઠવી દીધો છે. નવલકથામાં એક તરફ કથાનો નાયક આદર્શ શિક્ષકના સ્વરૂપમાં જ્યોતીન્દ્ર શાહ છે તો ખલનાયક તરીકે ટ્યૂશનિયો ખટપટિયો (લેખક જેને સેકન્ડ રેટર દ્વિતિય કક્ષાનો ગણાવે છે) કિરણ દવે છે. આ દવે કિશોર અને અન્ય વિદ્યાર્થીઓને હથિયાર બનાવીને જ્યોતીન્દ્ર શાહને કઈ રીતે હેરાન કરે છે, સંચાલક મંડળના પ્રમુખની ચાપલૂસી કરી કરીને કેવી રીતે આચાર્ય બની બેસે છે તેની સમજવા યોગ્ય વાતો લેખકે નવલકથામાં ગૂંથી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં ગંદા અને ખંધા શિક્ષકો દ્વારા જે રાજકારણ ખેલાય છે તેનો તાદ્રશ્ય ચિતાર શ્રી હરેશ ધોળકિયાએ કિરણ દવેનું પાત્ર સર્જીને રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓમાં સસ્તી લોકપ્રિયતા મેળવવા શ્રી દવે કેટલી હદે નીચે ઊતરી જાય છે, ટ્યૂશનિયો શિક્ષક પોતાને ત્યાં ટ્યૂશને આવતાં વિદ્યાર્થીઓને હાથમાં લઈ આદર્શ શિક્ષક જ્યોતીન્દ્રને ક્યાં અને કેવી રીતે હેરાન પરેશાન કરે છે તે બધી વાતો ખૂબીપૂર્વક નવલકથાને આગળ વધારે છે.

શાળામાં દર વર્ષે એક દિવસનો પ્રવાસ ગોઠવાતો. કિરણ દવેએ ખટપટ કરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી લાંબા પ્રવાસનું આયોજન કર્યું. ખટપટિયા અને કામચોર શિક્ષકોને દસ-પંદર દિવસના લાંબા શૈક્ષણિક(?) પ્રવાસોમાં ઊંડો રસ હોય છે. કારણ ન પૂછશો. લેખકે તે હકીકત સુંદર રીતે વિકસાવી છે. શ્રી શાહ શિસ્તમાં માને-કડક શિસ્તના આગ્રહી. દવેનું કામ તોફાની વિદ્યાર્થીઓને મમરો મૂકી આપી તોફાનો કરવા ઉશ્કેરવાનું. વિદ્યાર્થીઓને હાથો બનાવી પોતાની નિષ્ક્રિયતા, મંદબુદ્ધિપણું અને કામચોરીના દુર્ગુણોને ઢાંકવાની નાકામ કોશિશ કરતા આવા ‘દવેઓ’ પ્રત્યેક સંસ્થામાં ફેલાયેલા છે. ડી. એન. મિશ્રા હાઈસ્કુલ શહેરમાં શ્રેષ્ઠ ગણાતી. દવેએ ધીમે ધીમે એને ઉંદરની જેમ ખોતરવા માંડી. જે શાળાના શિક્ષકો કદી સંઘના સભ્યો નહોતા બનતા એમને દાબ દબાણ કરી શિક્ષક સંઘના સભ્ય બનાવ્યા. શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ બનવા ઈચ્છતા ખટપટિયા નેતાઓની લાક્ષણિકતાને લેખકે કઈ રીતે વ્યક્ત કરી છે તે જુઓ: “તેમની મુદત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવું હતું. લગભગ દસ વર્ષથી તેઓ અણનમ ચૂંટાતા હતા પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા. તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખપદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતાં હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂંકો વખતે પ્રસાદ મળતો હતો. આ બધું ગુમાવવાનું પોષાય તેમ ન હતું.”

પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જ્યોતીન્દ્ર શાહનું પાત્ર સમગ્ર નવલકથાને અનોખી ઊંચાઈ બક્ષે છે. નિષ્ફળ, હતાશ, નિરાશ ખલનાયક શ્રી કિરણ દવે ઉર્ફે ખટપટિયો શિક્ષક આત્મહત્યા કરતા પૂર્વે લખયેલી પોતાની આત્મકથામાં નોંધે છે: ‘અને, હું તો હતો જ્યોતીન્દ્રના તત્વજ્ઞાન પ્રમાણે a second rater બીજી કક્ષાની વ્યક્તિ. જોકે તે કદી જાહેરમાં ન કહેતો. તેને ઊતારી પાડવાની ટેવ જ ન હતી. પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતિય કક્ષાના (સેકન્ડ રેટર્સ). માનવીના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સ દ્વારા થયો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઈન્સ્ટાઈનને આભારી છે. પણ તે કહેતોૢ કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં રસ જ નથી હોતો અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે નથી ગમતું પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે તે સહન કર્યા કરે છે.” દવે આગળ નોંધે છે “આ વાત જ્યોતીન્દ્ર એટલી સચોટતાથી કહેતો કે બધા સ્તબ્ધ થઈ સાંભળતા. કોઈ આયન રેન્ડની ચોપડી “Fountainhead”ની વાતો તે કરતો. હિટલર અને ગાંધીજીની તુલના કરતો. સાંભળવાની તો મને પણ મજા આવતી પરંતુ સાંભળતા સાંભળતા મને થતું કે હું જ સેકન્ડ રેટર છું અને જ્યોતીન્દ્ર ફર્સ્ટ રેટર. માટે જ મને તે ન ગમતો.”

ખટપટિયો કિરણ દવે જ્યારે જ્યોતીન્દ્રની પ્રતિભાથી અકળાયો ગભરાયો અને સતત પરાજિત થયો ત્યારે તેણે જ્યોતીન્દ્રને સકંજામાં લેવા ટ્રસ્ટીઓ સુધી વાત પહોંચાડી અને જ્યોતીન્દ્ર વર્ગમાં સાઘુ સંતોની નિંદા કરે છે ટીકા કરે છે. એમના પતનના કારણો ચર્ચે છે! ટ્રસ્ટી મંડળે જ્યોતીન્દ્રને આરોપી ઠરાવી પોતાની સભામાં ખુલાસો કરવા બોલાવ્યો. પ્રતિભાશાળી શિક્ષકે કહ્યું: “હા, મેં પતનના કારણો ચર્ચ્યા છે પરંતુ એ મારા શબ્દો નથી. ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં લખાયેલું છે. હા, બૌદ્ધ ધર્મના પતનના કારણો તેમાં ચર્ચ્યા છે! પાઠ્યપુસ્તકમાં જોઈ લો. પાન નંબર પચીસ.” પ્રકરણ થયું પુરું. બીજા દિવસે જ્યોતીન્દ્રએ દવેને સીધું જ સંભળાવી દીધું, ‘દવે લોકપ્રિય થવા માટે તારી લીટી મોટી કર. બીજી લીટીને નાની કરવા પ્રયત્ન ન કરે તો સારું. તેનાથી કદી પ્રગતિ થઈ શકતી નથી. લીટી નાની પણ કરી શકાતી નથી. દોસ્ત લડાઈ કરવી છે ને તો બુદ્ધિથી લડ, મજા પડશે’. પછી આગળ બોલ્યો, ‘પણ તે તારા હાથમાં નથી ખેર! હવે આવું બીજા પર ન કરતો. મને તું ટ્યૂશન કરે છે તેનો કોઈ વાંધો નથી. વિદ્યાર્થીઓને તારા પ્રભાવમાં લાવવા માંગે છે તે પણ જાણું છું.. લે ને ભાઈ! આમ પણ વ્યર્થ ચિંતા કરે છે. મોટાભાગના તને જ વશ થશે. સમાન સમાનને આકર્ષે. કોઈ કિશોર જેવા જ છટકશે. બરાબર?’

નવલકથામાં ઠેર ઠેર જ્યોતીન્દ્ર દ્વારા ઉચ્ચારવામાં આવેલું શિક્ષણ અને જિંદગી જીવવા અંગેનું તત્વજ્ઞાન વાચકને વિચારતો કરી મૂકે તેવું છે. આદર્શ શિક્ષક બનવા ઈચ્છતા નવી પેઢીના મિત્રો માટે જ્યોતીન્દ્રનું પાત્ર રોલ મોડેલ જેવું છે. દવેનું પાત્ર વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ખટપટિયા અને રાજકારણી, દુષ્ટ વૃત્તિ ધરાવતા શિક્ષકોથી શા માટે દૂર રહેવું જોઈએ તે સમજાવવામાં સફળ રહ્યું છે. ટ્રસ્ટી મંડળના અલ્પ બુદ્ધિ ધરાવતા પ્રમુખ, સાચા શિક્ષકની પરખ ધરાવતા કિશોર જેવા વિદ્યાર્થીઓ, મહેતાજી મારે નહીં અને ભણાવે નહીં એ કહેવતને સાર્થક કરે તેવા આચાર્ય ઓઝાસાહેબ આ બધા નવલકથાના એવા પાત્રો છે જેમને મળ્યા પછી વાચકને અવશ્ય એવો વિચાર આવે કે આ સૌ પાત્રોને લઈને એકાદ સુંદર ફિલ્મ બનાવવામાં આવે તો?

સંસ્કાર બિંદુ

‘કિશોર, હું કહેતો હતો કે અંદરનું જગત પૂર્ણ અને અનંત છે. તેનો આનંદ અવર્ણનીય છે. અને દોસ્ત, જીવન આ આનંદની પ્રાપ્તિ માટે છે. બાહ્ય સફળતા તો મળવી જ જોઈએ. તે માટે અવશ્ય પ્રયાસ કરવા જોઈએ. પણ જો સમાંતરે અંદરની સ્વસ્થતા વધશે તો તેટલી બહારની સફળતા પણ વધશે. કિશોર અંદરની સ્વસ્થતા વધે તે માટે ત્રણ પ્રયોગ કરી શકે. એક દરરોજ રાત્રે સૂવા જાય ત્યારે જાતને પૂછ્ કે આજે કોઈને ઉપયોગી થવાય તેવું શું કર્યું? બીજું જે કંઈ કરે તે પ્રત્યે જાગ્રત રહે….તારા દ્વારા થતી દરેક ક્રિયા તારા ધ્યનમાંથી છટકવી ન જોઈએ. પૂરો સજાગ રહે. અદ્દભુત અનુભવો કરીશ. અને ત્રણ, બેટા સવાર સાંજ થોડો સમય ધ્યાનમાં ગાળજે. તે તને અકલ્પ્ય રીતે આગળ વધારશે.’

(શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ-એકલવ્ય, “ગુજરાતમિત્ર”, તા.૨૧/૧૧/૨૦૦૬)

અંગદનો પગ – હરેશ ધોળકિયા

પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

પૃષ્ઠ: ૧૮૮

કિંમત: રૂ. ૧૦૦.૦૦

નોંધ : શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં આ પુસ્તક રૂ. ૩૫/- માં પ્રાપ્ત થશે.


આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

કુન્દનિકાબેનના હસ્તાક્ષરો

“સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી મળ્યું જે આજે પોસ્ટ કરું છું.

કુન્દનિકાબેનની આ નવલકથા જ્યારે લખાઈ ત્યારથી આજ સુધીમાં ખૂબ વંચાઈ. ઘણી ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા.  સ્ત્રી સ્વાતંત્ર્યના આ વિચારો તે સમયે પણ ક્રાંતિકારી હતા અને આજે પણ હજુ એ એટલા જ ક્રાંતિકારી  છે. આ નવલકથા સમય પહેલા લખાઈ છે. આવી કોઈ ક્રાંતિ માટે આપણો સમાજ હજુ તૈયાર નથી. કોઈ વસુધા સાચે જ કોઈ આદિત્ય સાથે ચાલી નીકળવાની હિંમત બતાવે તો તેને સમાજ સ્વીકારશે કે તેના તરફ આંગળી ચીંધશે??

આ પોસ્ટ તૈયાર કરતી હતી તે દરમ્યાન જ એક મિત્ર સાથે આ નવલકથા સંદર્ભે વાત થઈ તો એણે કહ્યું કે: “કોઈ મને પૂછે કે તારું ઘર ક્યાં?-તો હું તે વ્યક્તિને મારું ચોક્ક્સ સરનામું આપું છું. પણ મારી કોઈ મિત્ર દુ:ખી હોય અને તે મારા આશરે આવે તો હું એને પાંચ દિવસ માટે પણ આ ઘરમાં રાખી શકતી નથી. ક્યારેક મને રડવાનું મન થાય તો તારા જેવા મિત્રને મારા ઘરે બોલાવીને એના ખભે માથું મૂકી હું રડી શકતી નથી.  કારણ કે લગ્નના પંદર વર્ષ પછી પણ મારે બધી જ વાતના જવાબો, કારણો અને હિસાબો આપવા પડે છે. હું મારી મરજીનું કંઈ જ કરી શકતી નથી તો આ ઘર મારું કહેવાય?”–મારી આ મિત્રનો પ્રશ્ન વિચાર માંગી લે એવો છે.

એક બીજી સ્ત્રી પણ મને યાદ આવે છે. જેને મેં ૨૦-૨૨ વર્ષ પહેલા આ નવલકથા વાંચવા આપી હતી. તે લગભગ વસુધાના જેવી જ વ્યથાથી પીડાતી હતી. તેને પણ વ્યોમેશ જેવો જ પતિ હતો. નવલકથા વાંચ્યા બાદ પરત આપતી વખતે તેણે મને કંઈ કહ્યું તો ન્હોતું પણ ત્યારે એની આંખોમાં કંઈક અલગ ચમક હતી. એક આશા હતી કે કદાચ મારી જિંદગીમાં પણ આવો દિવસ ક્યારેક આવશે. આદિત્ય જેવું જ કોઈ મળે એવું નહીં પણ કોઈ મિત્ર કે કોઈ સગાસંબંધીની ઓથ મળે તો આ પરિસ્થિતિમાંથી છૂટવાની તેને અપેક્ષા હતી. પણ થોડા વર્ષો પહેલાં માત્ર ૪૬ વર્ષની ઉંમરમાં હ્રદયના પહેલા જ હુમલામાં તે સ્ત્રીનું મૃત્યુ થયું. સ્વતંત્રતા તો તેને મળી પણ જિંદગીના ભોગે.

સાત પગલાં આકાશમાં

 

“આનંદગ્રામ”માં વૃક્ષોથી ઘેરાયેલી સુંદર જગ્યાનું નામ હતું ફૂલઘર. સૂરજ છેક દરિયા પર ઉતરી આવ્યો હતો તે સમયે વસુધાનો અંધારાની આરપાર તેજ લિસોટો દોરતો હોય એવો પ્રશ્ન ફૂલઘરમાં ઉપસ્યો: “માણસ જે રીતે પોતે જીવવા માંગે છે તે રીતે જીવી શકે ખરો?” આ પ્રશ્ન પૂછીને વિચારશીલ મગજમાં ઝંઝાવાત પેદા કરનાર વસુધા એ વ્યોમેશની પત્ની તરીકે ઓળખાતી સ્ત્રી હવે ન્હોતી. એ તો હતી માત્ર વસુધા-સ્વાતંત્ર્ય મેળવવા મથતી એક સ્ત્રી…

આનંદગ્રામમાં રહેતી વસુધાના મનમાં જોરદાર ઝપાટો આવ્યો…મનમાં રહેલી બંધ બારીનાં દરવાજા ખૂલી ગયાં…ને..

ને પછી વહી ગઈ એક કથા…પ્રસંગો…ઘટના અને કેટલીક ક્ષણો…

ફૈબાના મૃત્યુના સમાચાર જાણીને પણ પાર્ટીમાં આનંદથી વર્તતા પતિ વ્યોમેશ સાથે પ્રથમ વખત દલીલ કરતી વસુધાના મુખમાંથી સરી પડ્યું કે: “માણસ પોતાને ખરેખર જે લાગતું હોય તે પ્રમાણે જીવે એમાં સચ્ચાઈ છે”. પણ શું એ પોતે જ એ રીતે જીવતી હતી ખરી?

સાધારણ સ્થિતિનાં માતાપિતાની પાંચ દીકરીઓમાંની ત્રીજી દીકરી વસુધા સૌના દબાણથી એની ઈચ્છાને નેવે મૂકીને વ્યોમેશ સાથે પરણી ગઈ. વસુધાને તો આકાશમાં વિરહતા મુક્ત પંખીની જેમ મુક્ત ઉડવું હતું. પણ ત્યાં તો અનિચ્છાએ બંધાઈ ગઈ. પેલા આકાશમાંના પંખીને જોઈને એના અજાગ્રત મનની તરુણ ભૂમિમાં એક બીજ વવાયું.. “કોઈક દિવસ હું પણ ઉડતા પંખીના જેવું જીવન જીવીશ. આજે ભલે હું લગ્ન કરું સંસાર વસાવું પણ દૂર-સુદૂરના કોઈક દિવસે હું મારી ઈચ્છા પ્રમાણે મારા લયમાં જીવીશ. કોઈ દબાણ હેઠળ હું નહીં જીવું”.

પરણ્યા બાદ વસુધાએ ઘરકામ અને ઘરકામની કંદરાઓમાં, ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું. પોતાની પાછળ સતત ચોકી રાખતા, સતત ફરમાનો છોડ્યા કરતા, રૂઢિથી બધિર બની ગયેલા ફૈબાને સહ્યા કર્યા. પણ મન તો મુક્તિ માટે જ…સ્ત્રીની સ્વતંત્રતા માટે જ મંથન કરતું. એના મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા….

“પુરુષ કદી પત્ની કે મા કે માસી કે ફોઈ માટે ખાવા-ન ખાવાનાં વ્રત લેતો હશે?”

“પ્રેમ કે સંબંધ કે ફરજ પુત્ર અને તેનાં માતાપિતા વચ્ચે જ હોય છે? અને પુત્રીનાં માબાપ વચ્ચે નહીં?”

“પુરુષ અમુકનો વિધુર એ રીતે કદી ઓળખાયો છે?”

“માતા પોતાના બાળકને પોતાનું નામ, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ આપી શકે છે?”

“પુત્રીજન્મના વધામણાં થાય છે ખરાં?”

“દહેજ એ વ્યાપારી વિચારણા નથી?”

“સ્ત્રી શા માટે લગ્ન કરે છે? લગ્ન કરીને સ્ત્રીને શું મળે છે?”

“જીવન શું છે? આપણે બધાં શાને માટે જીવીએ છીએ, બીજાઓ સાથે શાને માટે જવાબદારીથી સબંધાઈએ છીએ?”

“મનુષ્ય મનુષ્ય વચ્ચે, સ્ત્રી અને પુરુષ વચ્ચે એવો સંબંધ શક્ય છે ખરો, જેનો આધાર પૃથ્વી હોય અને જેનો વિસ્તાર આકાશ હોય?”

“દક્ષતાપૂર્વક કામ કરવું, લોકપ્રિય થવું, વધું કમાવું એ શું ગુનો છે? પતિ માટે એ જો ગુનો ન હોય તો પત્ની માટે એ ગુનો કેમ કરીને હોય શકે?”

…પણ આ તમામ પ્રશ્નો…ઈચ્છાઓ…સમસ્યાઓને હલ કોણ કરે? એકલી વસુધા??

વસુધા લગ્ન પછી ઘણાં વર્ષો સુધી પતિનો અનાદર, ઉપેક્ષા સહન કરતી રહે છે. પરંતુ વ્યોમેશને કહી શકતી નથી કે “તમારો આ વ્યવહાર હું સહી લઉં છું ભલે ,પણ હું એ સ્વીકારી શકતી નથી”.

ન ઉચ્ચારાયેલ શબ્દો વસુધાની અંદર ને અંદર ગૂંગળાય છે. એના મનને ભીંસ લાગે છે. રોજના એકધારા કામની નીરસ ભૂમિમાં આનંદનું એક્કે તરણું ઊગતું નથી. પણ વસુધા અન્યાયને…વેદનાને સહન કરવા માટે સર્જાયેલી સ્ત્રી ન્હોતી. એ તો હતી સ્ત્રીમુક્તિની ચેતનવંતી મશાલ….!

અચાનક વસુધાના જીવનમાં વળાંક આવે છે. વસુધા અન્યાયો પ્રત્યે જાગ્રત બને છે, વિચાર કરે છે, આ પ્રકારની બીજી સ્ત્રીઓ સાથે સમવેદના અનુભવે છે, મથામણ કરે છે અને તેની અંદર સંઘર્ષ જાગે છે. અને પછી તેની જ્વાળાનો પ્રકાશ સંબંધોને તેના વાસ્તવિક સ્વરૂપમાં છતાં કરે છે. તેણે અને વ્યોમેશે વસાવેલો સંસાર…જેમાં હર્ષ, અશેષ, દીપંકર, સુનીલા, કમલ, સલીના હતાં. એ સર્વ માહોલને છોડીને મુક્તિના રાહ પર પગલાં માંડે છે.

મુક્તિના રાહ પર માંડેલા પગલાં વસુધાને “આનંદગ્રામ”માં ખેંચી લાવે છે. ત્યાં વસે છે ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, અગ્નિવેશ, એના-વિનોદ, અલોપા, મિત્રા, જયાબેન અને “અ”….બધાં મુક્તિના પંથે ડગ માંડતા વિચારશીલ, લાગણીશીલ, ઉચ્ચ આત્માઓ.

અને એક અપૂર્વ દિને એ જ “આનંદગ્રામ”માં અચાનક વસુધાનો ભેટો એના નાનપણના મિત્ર આદિત્ય સાથે થાય છે. આદિત્ય એક ભવ્ય પુરુષ…, એના હ્રદયના ધબકારે આછો આછો સચવાયેલો પુરુષ! આદિત્ય સામાજીકકાર્ય, સેવા અને હાસ્યનો માણસ હતો. વાતોનો રસિયો, સાહસનો પ્રેમી. હિમાલયમાં એ બહુ સાદું કામ કરતો. જ્યાં એક આંસુ ટપક્યું હોય ત્યાં બે હાસ્ય વાવતો.

આદિત્યના આવ્યા બાદ ઘણી ઘટનાઓ બને છે. અને સમય પસાર થતાં આદિત્યને હિમાલય પાછા ફરવાનો દિન આવી પહોંચે છે. પાછા ફરવાના આગલા દિવસે આદિત્ય વસુધાને કહે છે:

”વસુધા, તું…તું આવીશ મારી સાથે પહાડોમાં? આપણે સાથે મળીને ત્યાં આવું આનંદધામ ઊભું કરવાની કોશિશ કરી શકીએ. તું એ કરી શકીશ…”

અને વસુધા આદિત્યને ઉત્તર આપે છે: “ભલે, હું આવીશ…”

અને સાચે જ, વ્યોમેશ નામના બંધનને તોડીને સ્ત્રી મુક્તિની અદભુત મશાલ લઈને વસુધા નામનું પંખી આદિત્ય નામના જબરજસ્ત સાથના સહારે આકાશમાં ખૂબ ઊંચે ઊડ્યું. કે જે પંખીને ચાર દીવાલની ચેતનામાં ફરી સમાવવા કે મુક્ત રીતે ઊડતા અટકાવા માટે કોઈ સમર્થ ન્હોતું.

સાત પગલાં આકાશમાં-કુન્દનિકા કાપડીઆ  

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

પૃષ્ઠ: ૪૬૧

કિંમત: રૂ. ૨૫૦.૦૦

હિના પારેખ “મનમૌજી”

Copyright©HeenaParekh

પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’

નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે:

  1. તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો.
  2. પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો પીષ્ટ પેષણ મૃત્યુ છે.
  3. તક ગુમાવશો નહીં, બહુજ્ઞ બનો અને નવીનતાનું પ્રદર્શન કરવાનું ચૂકશો નહીં.
  4. વ્યક્તિથી મોટો છે સમાજ અને સરકારથી મોટો છે દેશ. મનુષ્ય મર્ત્ય છે, પણ સંસ્થા અને સિદ્ધાંત અમર છે.
  5. શત્રુ અને મિત્ર બન્ને બનાવજો. મિત્ર એવો હોય, જેને તમારી પાસેથી આદર મળે. શત્રુ એવો હોય, જેના પ્રત્યે આપ દ્વેષ ન કરો.
  6. આર્થિક અને સાહિત્યિક બન્ને ક્ષેત્રમાં આક્રમણનો જવાબ આક્રમણથી આપજો. શાંતિથી રહેવું હોય તો પોતાના રક્ષણ માટે હંમેશા તૈયાર રહેજો.
  7. તલવાર અને પૈસો બન્ને કલમના શત્રુ છે. જરૂરિયાત ઉપસ્થિત થતાં આત્મગૌરવની રક્ષા ખાતર જીવન અને ધનની કુરબાની આપજો.
  8. દ્રઢ રહેજો, પણ હઠાગ્રહી નહીં. પરિવર્તનશીલ બનજો, પણ નિર્બળ નહીં. ઉદાર બનજો, પણ હાથ બિલકુલ ખુલ્લા ન મૂકી દેશો.
  9. સ્પષ્ટવાદી, સ્વાભિમાની અને સાવધાન તથા ચેતનવંતા રહો તો જ આપનો આદર થશે. નબળાઈ પરલોક માટે સારી છે; બાકી તો એ નરી નપુંસકતા છે.
  10. જે કાંઈ છપાય તેની જવાબદારી લેજો. વ્યર્થ દોષારોપણ પાપ છે. પ્રતિષ્ઠાને હાનિકર્તા વસ્તુઓ ન છાપશો. લાંચ લેવી એ પાપ છે. સહકાર્યકર પત્રકારની જગ્યા મેળવી લેવાની ઈચ્છા રાખવી, ઓછા પગારે કામ સ્વીકારીને સહકાર્યકર પત્રકારને કાઢવો એ પણ પાપ છે અને કોઈની જાહેરાત લેખની જેમ છાપવી એ પણ પાપ છે. રહસ્યનું કાળજીથી જતન કરજો. સમાચારપત્રના સ્વાતંત્ર્યનું કે તેની શક્તિનો વ્યક્તિગત લાભાર્થે ઉપયોગ કદાપિ ન કરશો.

આ દસ ધર્મસૂત્રો એ પત્રકારના વ્યાવસાયિક કર્તવ્યની દીવાદાંડીરૂપ છે.

(ડો. ચંદ્રકાન્ત મહેતાના પુસ્તક- “પત્રકારત્વ : સિદ્ધાંત અને અધ્યન”માંથી)

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

   

સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે. જ્યારે હું ગુજરાતીમાં લખું છું ત્યારે મારા નાનામોટા વાચકો સાથે હું એક રીતે વાતો કરું છું એ ખ્યાલથી, અને એટલા પૂરતો બધા લોકો સાથે હું અભેદ અનુભવું છું એ રસથી મને આનંદ થાય છે. મેં જોયું છે કે આ ઓતરાતી દીવાલોએ મારે માટે અનેક ઘરનાં બારણાં ખુલ્લાં કર્યાં છે; અને અનેક હ્રદયમાં મને પ્રવેશ આપ્યો છે. 

આ લખાણમાં ઉપદેશ નથી, પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્વત્તા નથી; કેવળ અનુભવની, સુખદુ:ખની અને કલ્પનાની આપલે છે. અને વિશેષ તો ખુશમિજાજી છે. ખરેખર, દુનિયા મારાથી અકળાઈ હોય તો ભલે પણ હું દુનિયાથી અકળાયો નથી. દુનિયા ભલી છે, દુનિયાએ મને પ્રસન્ન રાખ્યો છે; મારું ભલું જ કર્યું છે; અને મને જીવવા પૂરતો અવકાશ આપ્યો છે. જેલમાં જ્યાં ગેરસમજ, ગેરઈન્સાફ અને હેરાનગત જ હોય છે ત્યાં પણ મારી દુનિયા મને પ્રિય જ લાગી છે.

                                                                                                       -કાકાસાહેબ કાલેલકર

જેલવાસના દીવસોને કાકાસાહેબે પ્રેમાનંદથી માણ્યા હતા. જેલની અંદરની મનુષ્ય સિવાયની સજીવ સૃષ્ટિની દિનચર્યાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું. કાગડો, કાબર, કબુતર, ચકલી, હોલા, સમડી, નીલકંઠ(ચાસ પક્ષી), સારસ, કીડી, મંકોડા, માકડ, વંદા, કાનકજૂરા, પતંગિયું, ગરોડી, દેડકો, બિલાડી, વાંદરા, ખિસકોલી, પીપડો, અરીઠાનું ઝાડ, તુલસીનો છોડ, બારમાસી, લીમડો, જાંબુડાનું ઝાડ.…વગેરેનું માત્ર અવલોકન ન કર્યું પણ તેની સાથે તાદાત્મ્યપન અનુભવ્યું. અને એ વિશે આ પુસ્તિકામાં ખૂબ જ સરળ શૈલીમાં આલેખન કર્યું છે. નાનકડી પણ વાંચવા ગમે એવી આ પુસ્તિકા છે.

કાકાસાહેબની કલમે આ પુસ્તિકામાંથી જ એક ઝલક મેળવીએ…

હું માનતો કે કોયલ પોતાનાં ઈંડાં કાગડા પાસે સેવાવે છે એ કેવળ કવિકલ્પના હશે. શાકુન્તલમાં જ્યારે વાંચ્યું अन्यैद्विजै: परभृत पोषयन्ति ત્યારે કાલિદાસે લોકવહેમનો ઉપયોગ કર્યો છે એમ જ મેં માનેલું. પણ જેલમાં જોયું કે કાગડા સાચે જ કોયલનાં બચ્ચાંને ઉછેરે છે. જ્યાં ત્યાંથી ખાવાનું આણીને બચ્ચાંને ખવડાવે અને તેમને લાડ લડાવે. પણ થોડા દિવસમાં સંસ્કૃતિનો ઝગડો શરૂ થયો. કાગડાને થયું કે બચ્ચાંને ખવડાવીએ તેટલું બસ નથી, આપણી સુધરેલી કેળવણી પણ તેને આપવી જોઈએ. એટલે ખાસ વખત કાઢી માળા પર બેસી કાગડો શિખવાડે, બોલ કા…. કા …. કા. પણ કોયલનું પેલું કૃતઘ્ન બચ્ચું જવાબ આપે, કુઊ…. કુઊ…. કુઊ. કાગડો ચિડાઈને ચાંચ મારે અને ફરી કેળવણી શરૂ કરે, કા…. કા …. કા. પણ આમ કોયલ કંઈ પોતાની સંસ્કૃતિનું અભિમાન છોડે? એણે તો પોતાનું કુઊ…. કુઊ જ રટવા માંડ્યું. કાગડાની ધીરજ ખૂટી ત્યાં સુધીમાં કોયલનું બચ્ચું પગભર-અથવા સાચું કહીએ તો પાંખભર-થયું હતું. કાગડાની બધી મહેનત છૂટી પડી. મને લાગે છે કે કાગડો હિંદુસ્તાની હોવાથી તેણે નિષ્કામ કર્મ કર્યાનું સમાધાન તો જરૂર મેળવ્યું હશે : यत्ने कृते यदि न सिध्यति कोत्र दोष:I 

 

એમ ન હોત તો કાગડો દર વર્ષે એ ને એ જ અખતરો ફરીફરીને શું કામ કરત? શામળભાઈ કહે, આ કોયલનાં બચ્ચાં જેટલી પણ અક્કલ આપણા અંગ્રેજી ભણેલાઓમાં હોત તો તેઓ ઘરમાં અંગ્રેજીમાં ન બોલત.   

 

ઓતરાતી દીવાલો-કાકાસાહેબ કાલેલકર

પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર

પૃષ્ઠ: ૯૯

કિંમત: રૂ. ૩૦.૦૦

પુસ્તકતીર્થ

એક વખત દિલ્હીના સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવાનું થયું ત્યારે  સ્ટેશનના બુકસ્ટોલ પરથી મને અમૃતા પ્રીતમની આત્મકથા “रसीदी टिकट” માત્ર ૩૫/-રૂ.માં મળી. ત્યારબાદ હું કલકત્તા જતી હતી અને નાગપુર સ્ટેશન પર ટ્રેન થોડીવાર અટકી ત્યારે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલમાંથી મને રવીન્દ્રનાથ ટાગોરની “ઘરે બાહિરે” અને પ્રેમચંદની “ગોદાન” ૬૦-૬૦ રૂ.માં મળી ગઈ. અન્ય ભાષાના પુસ્તકો આટલા સહેલાઈથી અને નજીવી કિંમતે ઉપલબ્ધ થતાં જોયા ત્યારે મને થતું કે આવી રીતે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે?

પરંતુ અશક્ય લાગતી આ વાત છેલ્લા દસ વર્ષથી શક્ય બની છે. ડો. ગુણવંત શાહે જેને “પુસ્તકતીર્થ”નું નામ આપીને નવાજ્યું તેવું ભુજનું “શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ”  અધધધ..કહી શકાય તેવા વળતરથી પુસ્તકોની લ્હાણી કરી રહ્યું છે.

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આમ તો રૂરલ હ્યુમન હેલ્થ પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ, નોન કન્વેશન એનર્જી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વુમન-ચાઈલ્ડ એન્ડ યુથ અવેરનેશ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વોટર હાર્વેસ્ટીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, વાસ્મો, એન્વાયરમેન્ટ એન્ડ રૂરલ સેનિટેશન પ્રોગ્રામ, કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ડાયમંડ ટ્રેઈનિંગ એન્ડ પ્રોડક્શન સેન્ટર, એક્ષટેન્શન પ્રોગ્રામ, વોટરશેડ પ્રોગ્રામ જેવી ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. પણ આજે જેની માહિતી અહીં મેળવવાના છીએ તેનું નામ છે “પુસ્તકમિત્ર” યોજના.

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેશવકાન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડોનર એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભૂડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તકવાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવો યુવાવર્ગ તૈયાર કરવા પુસ્તકમિત્ર યોજના ઘડી કાઢી. તા. ૧/૦૪/૨૦૦૦ના રોજ આ યોજનાના શ્રીગણેશ કર્યા અને એનું ફલક વિસ્તર્યું કચ્છ, ગુજરાત, ભારત અને વિદેશ સુધી. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા સેંકડો ઉત્તમ પુસ્તકો ૫૦ થી ૬૫%ના વળતરે વાચકોને ઉપલબ્ધ કરાવાયા છે. આ પ્રકાશકોમાં નવભારત સાહિત્ય, ઉપનિષદ પ્રકાશન, નવનીત પ્રકાશન, નવજીવન પ્રકાશન, પ્રવિણ પ્રકાશન, ગુર્જર ગ્રંથરત્ન, આદર્શ પ્રકાશન, સાધના ફાઉન્ડેશન, અઢિયા પ્રકાશન, આર. આર. શેઠની કંપની, ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળી લી., યજ્ઞ પ્રકાશન, ગ્રંથલોક પ્રકાશન, લોકમિલાપ ટ્રસ્ટ, સસ્તુ સાહિત્ય, અરૂણોદય પ્રકાશન, સાહિત્ય સંગમ, કુસુમ પ્રકાશન, પાર્શ્વ પબ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટ પ્રકાશકો પાસેથી માતબર કમિશન સાથે પુસ્તકો ખરીદે છે અને પછી વિશેષ વળતર ઉમેરીને વાચકોને ઓછી કિંમતે પહોંચાડે છે. આમ પુસ્તકાલયો, શાળાઓ અને વાચકોને બેવડા વળતરનો લાભ મળે છે. તા. ૧૩/૧૧/૨૦૦૯ સુધીમાં ૩,૯૨,૫૧,૪૦૦/-રૂ.ની મૂળ કિંમતના પુસ્તકો ૬૦% વળતરથી અપાતા વાચકોના ૨,૩૨,૨૯,૯૬૯/- રૂ. બચાવવામાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે.

ઉત્તમ સાહિત્ય ગામડાઓ સુધી પહોંચે તે માટે શાળા કક્ષાએ વાંચન શિબિરોનું આયોજન પણ ટ્રસ્ટે હાથ ધર્યું છે. શું વાંચવું, કેમ વાંચવું અને ખાસ તો બે લીટી વચ્ચેની ખાલી જગ્યાને વાંચી ઉકેલવા જેવી બાબત પરત્વે વાંચન કાર્યશાળાઓમાં સક્રિય માર્ગદર્શન આપવામાં આવે છે. શાળા, કોલેજો, સાંસ્કૃતિક મેળાઓ, ભવ્ય મિલન સમારંભો દરમ્યાન ટ્રસ્ટ પુસ્તકમેળાનું આયોજન પણ કરે છે.

૨૦/-રૂ.નો મનીઓર્ડર કરીને સૂચીપત્ર મેળવી શકાય છે. મનીઓર્ડર કરવાનું તથા આ ટ્રસ્ટનો સંપર્ક સાધવાનું સરનામું આ મુજબ છે…

શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જી. એમ. ડી. સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ-મિરજાપર હાઈવે, ભુજ-કચ્છ. ફોન નંબર: ૦૨૮૩૨-૩૨૯૬૬૬, મોબાઈલ નંબર: ૯૮૨૫૨૨૭૫૦૯, ઈ-મેઈલ: ssrdt@yahoo.in

સૂચિપત્ર-પાના નંબર ૧

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

હવે પત્ર લખવાની કળા લગભગ લુપ્ત થઈ ગઈ છે. પણ થોડા વર્ષો પૂર્વેની વાત કરું તો ત્યારે પત્ર લખવાની અને આપણા નામે પત્રો મેળવવાની મજા કંઈક અલગ જ હતી. ત્યારે કવિતા/નવલિકા/નવલકથા વાંચ્યા બાદ કવિ/લેખકને પત્ર લખીને પ્રતિભાવ આપવો પડતો. પણ કવિ/લેખકોના સરનામાં સહેલાઈથી મળતાં ન્હોતા. કારણ કે મોટેભાગના સામાયિકો કે અખબારો સર્જકોના સરનામાં પ્રકાશિત કરતાં ન્હોતા. એકમાત્ર “ગુજરાત”ના દીપોત્સવી અંકમાં સર્જકોના સરનામાં આપવામાં આવતા હતા. અમે “ગુજરાત”ના દીપોત્સવી અંકમાંથી આ તમામ સર્જકોના સરનામાં નોટમાં ઉતારતા અને પછી ગમતાં સર્જકોને પત્રો લખતાં.

હવે સર્જકોને પત્રો લખવામાં તો ભાગ્યે જ કોઈને રસ હોય. પણ રૂબરૂ મળવામાં કે ફોન પર વાત કરવામાં કે ઈ-મેઈલથી સંપર્ક કરવામાં તો ઘણાંને રસ હશે જ. આવા રસિકો માટે “ગુજરાતી સાહિત્યકારકોશ” પ્રગટ થયો છે. જેમાં ગુજરાતીભાષાના સાહિત્યકારો વિશેની માહિતી જેવી કે સાહિત્યકારનું નામ, ઉપનામ, જન્મતારીખ, તેમનું મહત્વનાં ચાર ક્ષેત્રમાં પ્રદાન, સરનામું, ઘર-ઓફિસના ટેલિફોન નંબર, મોબાઈલ નંબર અને ઈ-મેઈલની વિગતો આપવામાં આવી છે. સાહિત્યરસિકોને આ પરિચયકોશ ઘણો ઉપયોગી બનશે.      

ગુજરાતી સાહિત્યકારકોશ-સંપાદક ડો. કિરીટ એચ. શુક્લ

પ્રકાશક: ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

પૃષ્ઠ: ૮+૪૦૮=૪૧૬

કિંમત: રૂ. ૨૫.૦૦

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

3mistake-1

3mistake-11

અનુવાદકના બે બોલ


પ્રથમ વાર ચેતન ભગતની નવલકથા વન નાઈટ એટ કોલ સેન્ટર વાંચવાની શરૂ કરી, ત્યારે કોઈ કારણસર મજા ન પડી અને એકાદ પ્રકરણ વાંચી છોડી દીધેલ. પણ ચેતન વિશે વધુ વાંચતાં ફરી જિજ્ઞાસા જાગી અને આ નવલકથા જ હાથમાં આવી. વાંચતો ગયો તેમ ગમતી ગઈ. થ્રીલર જેવી ગતિથી આગળ વધતી હતી. પૂરી કર્યે જ છૂટકો! પછી તો બાકીની બન્ને (બીજી ફાઈવ પોઈન્ટ સમવન) પણ વાંચી અને ગમી. ત્રણે અલબત્ત અંગ્રેજીમાં જ વાંચી.


તદ્દન નવા, અપરિચિત વિષયો. કોલ સેન્ટર, આઈ. આઈ. ટી. અને ગુજરાતનું કોમી વાતાવરણ અને ધરતીકંપ. ત્રણેના પાત્રો તદ્દન યુવાન. થનગનતાં. જીવનને તદ્દન પોતાની રીતે જોતાં. બેફિકર. ભાષા પણ યુવાનોની. લેખક પર માન થાય કે આવા પ્રવર્તમાન વિષયોમાંથી વાર્તા શોધી કાઢી આવી રસપ્રદ અને લોકપ્રિય નવલકથાઓ લખી શક્યા છે. (આ નવલકથા કેટલી લોકપ્રિય છે તેની સાબિતી એ હતી કે મારા હાથમાં જ્યારે નવલ આવી ત્યારે એક જ વર્ષમાં (૨૦૦૮) તેની પાંત્રીસમી આવૃત્તિ હતી.)


ગુજરાતનું કોમી વાતાવરણ આબાદ ઝીલ્યું છે. તે જ નવલને થ્રીલર બનાવે છે. ત્રણ મિત્રોનાં પાત્રો વહાલાં લાગે તેવાં છે. વિદ્યાને તો રમાડવાનું જ મન થાય તેવી ચિત્રિત કરી છે. મામા વિષે જબરું અવલોકન છે ચેતનનું.


પણ એક વાર શરૂ કર્યા પછી પૂરી કરવાનું મન થાય તેવી નવલ તો છે જ. ચેતન તે માટે ધન્યવાદને પાત્ર છે.


[હરેશ ધોળકિયા, ન્યુ મિન્ટ રોડ, ભુજ-કચ્છ-૩૭૦૦૦૧. ફોન: (૦૨૮૩૨) ૨૨૭૯૪૬]


ચેતન ભગતના પુસ્તકો વિશે ઘણી વખત વાંચ્યું હતું. પણ તેમના પુસ્તકો વાંચવાનો મોકો મળ્યો ન્હોતો. જ્યારે મેં જાણ્યું કે ઉપરોક્ત પુસ્તકની પાંચ મહિનામાં પાંચ લાખથી વધુ નકલોનું વિક્રમી વેચાણ થયું છે ત્યારે એ નવલકથા વાંચવાની ઉત્સુકતા અને લેખકની કલમ પાસેથી અપેક્ષા વધી ગઈ. વળી જાણ્યું કે આજની યુવાન પેઢીમાં સૌથી વધુ વંચાતા લેખક છે ત્યારે નવલકથામાં એવું શું હશે એ પ્રશ્નો થતાં હતાં. એટલે જ્યારે નવલકથા મારા હાથમાં આવી મેં વિના વિલંબે વાંચી.


યુવાન વાચકોને અને ખાસ કરીને આઈ.આઈ.ટી/આઈ.આઈ.એમ. ના ગ્રેજ્યુએટ ભારતને શા માટે ચેતન ભગતની નવલક્થાઓ ગમે છે?


૧. નવલકથાના પાત્રો યુવાન છે. એટલે તમામ યુવાનો વાચકોને તેમાં રસ પડે છે.

૨. નવલકથાના પાત્રો યુવાન તો છે જ પણ સાથે સાથે સ્વપ્ન જુએ છે અને તેને પૂર્ણ કરવા માટે મંડ્યા રહે છે. સાહસ અને રોમાંચથી ભરેલા છે.

3. યુવાનોને રસ પડે તેવાં તમામ વિષયો જેવા કે ક્રિકેટ, બિઝનેસ, પ્રેમ, શારીરિક નિકટતા વગેરેને તેણે આવરી લીધા છે.

૪. નજીકના ભવિષ્યમાં બનેલી ઘટનાઓ જેવી કે ધરતીકંપ, ગોધરાકાંડ અને અનુગોધરા વગેરેને નવલકથાના પ્રવાહમાં વણી લીધા છે જેથી યુવાન વાચકોને પોતિકું લાગે છે.

૫. છેલ્લું અને મહત્વનું કારણ. જે યુવાન વાચકોએ આ નવલકથાને આટલી વધાવી છે તેઓએ આ પહેલા પોતાની માતૃભાષાની કોઈ ખાસ નવલકથા વાંચી કે જોઈ પણ નથી. આ યુવાન વર્ગના રોજિંદા વ્યવહારની ભાષા અંગ્રેજી છે. અને ચેતન ભગતની નવલકથાઓ મૂળ અંગ્રેજીમાં લખાયેલી છે. જે પહેલું મળ્યું તે વાંચ્યું અને ગમ્યું. બાકી ગુજરાતી ભાષામાં પણ કેટલી બધી ઉત્તમ નવકથાઓ લખાઈ છે. તે બધી વાંચ્યા પછી ચેતન ભગતની નવલકથા સાથે તેની સરખામણી થાય તો ખ્યાલ આવે કે માતૃભાષામાં થયેલા સર્જનો પણ ઉત્કૃષ્ટ છે. અશ્વીની ભટ્ટની આશકા માંડલ, ફાંસલો, ઓથાર, અંગાર કે આખેટ જેવી નવલકથાઓ ઉપરોક્ત નવલકથા કરતાં વધારે સારી છે એવું મારું અંગતપણે માનવું છે.


હિના પારેખ મનમૌજી


૩ મિસ્ટેક ઓફ માય લાઈફ-ચેતન ભગત, અનુવાદ: હરેશ ધોળકિયા

પ્રકાશક: આર. આર. શેઠની કંપની

કિંમત: રૂ. ૧૦૦.૦૦

આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

111

1111

નવલકથાની કથાવસ્તુ આમ તો વર્ષા અડાલજા જાતે જ પસંદ કરતાં હોય છે. પણ આ નવલકથા તેમણે એક સમયના સુગરકીંગ અને સોમૈયા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના પ્રણેતા શ્રી કરમશીભાઈ સોમૈયા વિશે તેમના એક સ્નેહીના આગ્રહથી લખી છે. પ્રથમ તબક્કે તો વર્ષાબેને શ્રી કરમશીભાઈ વિશે લખવા સ્પષ્ટ ના જ કહી હતી. પણ જેમ જેમ તેઓ કરમશીભાઈની મરાઠી પત્રકાર રાજા મંગળવેઢેકર સાથેની મુલાકાત વાંચતા ગયા તેમ તેમ તેમને આ પુરુષાર્થકથા લખવાની પ્રેરણા મળી. સાવ ઓછું ભણતર અને સાવ ખાલી હાથ. તો પણ હાર્યા વગર અનેક ધંધાઓ શ્રી કરમશીભાઈએ કરી જોયા. અનેક વખત નિષ્ફળતા મળી. પરંતુ પાછા પડ્યા વિના હિંમતથી આગળ વધતા જ રહ્યા. કઠોર પરિશ્રમનું બીજું નામ સફળતા-એ વાત તેમણે સિદ્ધ કરી. ધંધાના કામ માટે પગપાળા અનેક ગામડાઓની રઝળપાટ કરનાર કરમશીભાઈ સફળતા મેળવીને જ જંપ્યા. તેમણે સોમૈયા સામ્રાજ્યની સ્થાપના કરી અને સુગરકિંગનું બિરુદ મેળવ્યું. ૨૬૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ નવલકથામાં શ્રી કરમશીભાઈના જીવનના અનેક રસપ્રદ અને પ્રેરણાદાયક પ્રસંગોનું આલેખન થયું છે. અમુક પ્રસંગો ખૂબ જ હ્રદયસ્પર્શી છે પણ તેનો ઉલ્લેખ ટાળું છું. વર્ષાબેનની સશક્ત કલમે આ આખી નવલકથા વાંચવી જ વધુ યોગ્ય રહેશે.


પરથમ પગલું માંડીયું-વર્ષા અડાલજા

પ્રકાશક: સોમૈયા પબ્લિકેશન્સ પ્રા. લિ.,વતી નવભારત સાહિત્ય મંદિર

કિંમત: રૂ. ૨૦૦.૦૦