Category Archives: પ્રાર્થના

પ્રાર્થના – સુરેશ દલાલ

તારું જે ક્ષણે સ્મરણ કરું તે ક્ષણે મને એમ લાગે છે કે હું જીવું છું. શ્વાસ લેવો પડે એટલે લઉં છું. પ્રત્યેક પળના કાફલામાં જોડાઈ જાઉં છું પણ કોઈક પળે આ કાફલામાંથી અલગ થઈ તારી લગોલગ પહોંચી જાઉં છું. તું વિઘ્નહર્તા છે. તારાથી અલગ છું એ જ મોટામાં મોટું વિઘ્ન છે. આ સંસારમાં રહેવાનું અને તારી સાથે જીવવાનું – અગ્નિ અને જળ – બંનેનો એકી સાથે અનુભવ કરવાનો. તારા સ્મરણમાત્રથી હું બધાથી છૂટો થઈ જાઉં છું અને જઈ રહું છું તારા સાવ અજાણ્યા પ્રદેશમાં. જે પ્રદેશ જોયો નથી એનું પણ સ્મરણ હોય એનો અર્થ જ એવો કે આપણો સંબંધ એ સ્મરણ પહેલાંનું સ્મરણ છે. આપણી વાત એ સ્મરણ પહેલાંના સ્મરણની વાત છે.

 * * *

મારી પ્રાર્થના એ મારાથી મારા સુધી અને એ રીતે તમારા સુધી પહોંચવાનો એક રસ્તો છે. આ રસ્તા પર મેં આંસુ સીંચીને સ્મિતનાં ફૂલ ઉગાડ્યાં છે. આસપાસ લહેરે છે લાગણીનું લીલુંછમ ઘાસ. આ ઘાસમાંથી પવન પસાર થાય છે. એ દેખાતો નથી-પણ ઘાસના સ્પંદન દ્વારા એની અનુભૂતિ થાય છે. ભમરાઓને સોંપી દીધું છે તમારું નામ ગુંજવાનું કામ. મારા હોઠ પરથી તમારું નામ વહે છે અને એ ભમરાઓની ચંચલતામાં સ્થિર થાય છે. આંખ મીંચીને હું મારા અંધકારની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરું છું. ક્યાંક દેખાય છે ઝાંખો ઝાંખો દીવો. આ દીવો ક્યારેક દૂર લાગે છે, ક્યારેક નજદીક. ઘણી વાર એવું પણ થાય છે કે હું પગ વિના પંથ વિનાના પંથ પર ચાલ્યા કરું છું અને પાંખ વિના આકાશ વિનાના આકાશમાં ઊડ્યા કરું છું. પાળેલા ગુલામ જેવા શબ્દો તારી પ્રાર્થનામાં કામ નથી આવતા, મારા માલિક.

 

( સુરેશ દલાલ )

પ્રાર્થના – સુરેશ દલાલ

રાતરાણીની મહેકથી હું ચીતરું તારો ચહેરો મારા કાગળ પર. મારા કાગળ પર તારો ચહેરો આપોઆપ ઊપસતો આવે છે. કારણ કે મારો કાગળ કોરો છે. રાતની નીરવ શાંતિ તારા ચહેરા પર છવાયેલી છે. તારા ચહેરાની શાંત મુદ્રા મને રહીરહીને સ્પર્શે છે અને મારામાં રહેલા સંવાદને ઝંકૃત કરે છે. તારી શાંત ઝંકૃતિમાં મારી આંખ ક્યારે મીંચાઈ જય છે એની પણ મને ખબર નથી.

 .

સવારે જાગું છું અને જોઉં છું તો પંખીના ટહુકામાં તારું અજવાળું મને સંભળાયા કરે છે. તું અઅમ ને આમ જ અઅકાર અને નિરાકારની લીલા રમ્યા કરે છે. મારો આકાર તારી લગોલગ પહોંચવા ઝંખ્યા કરે છે અને તું પ્રતીતિ આપે છે કે તું અમારાથી અલગ નથી.

 .

*

એક ગલીમાંથી બીજી ગલીમાં, બીજી ગલીમંથી ત્રીજી ગલીમાં જઈએ છીએ એવું ઘણીય વાર વિચારોનું પણ હોય છે. વિચાર પાસે પૂર્ણવિરામ મૂકતાં આવડવું જોઈએ. વિચારના વા-વંટોળિયા બધું ખેદાનમેદાન કરી મૂકે છે. વિચારો શાંત મનને ડહોળી નાખે છે. વિચારોની ભીસમાં ભીંસાવાને બદલે વિચારમાંથી નિર્વિચાર તરફ જવું એ જ યાત્રા, એ જ સાચી પ્રાર્થના. પ્રાર્થના અનેક રીતે થતી હોય છે. કર્મની એકાગ્રતા એ પ્રાર્થના. ધ્યાનના મંદિરમાં પ્રવેશ કરવો એ પ્રાર્થના છે. કોઈનાં આંસુ લૂછવાં એ પ્રાર્થના છે. કોઈકના ઉદાસ હોઠ પર સ્મિતની ધજા ફરકાવવી એ પ્રાર્થના છે. મુક્ત મને હસવું એ પણ પ્રાર્થનાનો જ પ્રકાર. પ્રાર્થનાની એક જ પૂર્વશરત : એ સહજ હોય. જીવનમાં જે કંઈ સહજ હોય એ પ્રાર્થના.

( સુરેશ દલાલ )

હરિ ! હું બાવળ, તું ગુલમોર – હર્ષદ ચંદારાણા

.

હરિ ! હું બાવળ, તું ગુલમોર

.

તારી છાતીના છાંયે, હર પળ ટાઢક થાતી

ઝરમરતાં રાતાં ફૂલો, ઝીલું ને થઉં રાતી

હરિ ! હું કલબલ, તું કલશોર

 .

તારી ગાઢ ઘટાઓમાં હું ખોવાયેલું તેજ

તું શોધે પણ જડું નહીં, હું ડોકું કાઢું સ્હેજ

હરિ ! હું ઝિલમિલ, તું ઘનઘોર

 .

તારી સૌરભ છાંટે ભૂરકી, રેશમ થાતા થોર

મારા ડિલે કાંટા, તારી પાંદડિયુંને તોર

હરિ ! હું ચાકર, તું ઠાકોર

 .

હરિ ! હું બાવળ, તું ગુલમોર

 .

( હર્ષદ ચંદારાણા )

પ્રાર્થના – સુરેશ દલાલ

.

અમસ્તું પણ બહાર જવું હોય તો માણસે ઉંબરો છોડવો જોઈએ. ક્યાંક પહોંચવું હોય તો ઘરની દીવાલને વળગી ન રહેવાય. બહાર જવા માટે જો આટલું કરવું પડતું હોય, કશુંક છોડવું પડતું હોય –તો તને પામવા માટે, ભીતર પ્રવેશવા માટે માણસે કેટલું બધું છોડવું જોઈએ… પહેલાં તો છોડી દેવા જોઈએ છઠ્ઠી આંગળી જેવા લટકતા સંબંધો. આ સંબંધો જ આડે આવે છે. રચી આપે છે મોહ અને માયાનું વાતાવરણ. આપણે આપણા જ સરોવરમાં માછલી થઈને તર્યા કરીએ છીએ. અને આપણો જ એક અંશ કિનારે માછીમાર થઈને ઊભો છે અને એ જાળ ફેલાવે છે આમ આપણે જ આપણી જાળમાં ફસાયેલા છીએ. જાળમાંથી મુક્ત થઈએ અને જળમાં જ જીવીએ એનાથી બીજી પ્રાર્થના કઈ હોઈ શકે !

 .

 .

તારી સાથે જોડાવા માટે જગત સાથેથી છૂટવું અનિવાર્ય હોય તો હું તને એ પણ કહી દઉં કે જગત છોડીને આવ્યો છું હું તારી પાસે. તારી સાથે મારે યુક્ત થવું છે, સંયુક્ત થવું છે. તારી સાથે મારે સાધવો છે યોગ. હવે નર્યો સંયોગ. વિયોગનું નામોનિશાન નહીં. તારા વિના યોગભ્રષ્ટ થઈને જીવવાનો કોઈ અર્થ નથી. બધાંને છોડીને આવ્યા પછી તું મને હવે તરછોડી નહીં શકે. મને સ્વીકારવાની હવે પૂર્ણ જવાબદારી તારી. મારી તો આ નિતાન્ત શરણાગતિ.

 .

 .

પ્રાર્થના મારા એકાન્તનું જતન કરે છે, રક્ષણ કરે છે. પ્રાર્થના મારા ઈશ્વરનું લાલનપાલન કરે છે. પ્રાર્થના મારા હૃદયની ભક્તિપીઠ છે. પ્રાર્થના પિષ્ટપેષણ કે પીંજણ નથી કરતી. બુદ્ધિની આતશબાજી ફૂટતી હોય એમ પ્રાર્થના દલીલ નથી કરતી કે પ્રાર્થના નથી કરતી કોઈ ઘોંચપરોણા. પ્રાર્થનાના શબ્દો ધરતીમાંથી ફૂલનો દીવો થઈને પ્રગટે છે અને આકાશમાંથી સૂર્યકિરણ થઈને અવતરે છે. પ્રાર્થના એ મારો હિમાલય છે અને મારી અલકનંદા છે. કદીયે ન વીંખાય કે ચૂંથાય એવી મારી પ્રાર્થનાનો માળો તો તારા વૃક્ષમાં બંધાયો છે. ત્યાંથી જ મારા દિવસની ગતિ આરંભાય છે અને પાછો આવું છું ત્યારે જ મારી ગતિને સ્થિતિ મળે છે. પ્રાર્થના મારી શરણાગતિ છે. મને મારી પ્રાર્થના ગમે છે કારણ કે એની સાથે બીજું કોઈ જ નહીં પણ તું સંકળાયો છે.

 .

( સુરેશ દલાલ )

પ્રાર્થના : એક પ્રેરક બળ – જ્યોતિબહેન થાનકી

.

૧૯૬૮-૬૯માં મુંબઈમાં તોફાનો થયાં ત્યારે લશ્કરને બોલાવવામાં આવ્યું હતું. વેસ્ટર્ન કમાન્ડ લશ્કરી ટુકડીના વડા એલ. એસ. રાવત હતા. તેમણે મુંબઈમાં શાંતિ સ્થાપવાની જવાબદારી સ્વીકારી. તે દિવસે રવિવાર હતો. પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકારે કમાન્ડર રાવતને પૂછ્યું : ‘સાહેબ, મુંબઈમાં શાંતિ સ્થાપતાં કેટલો સમય લાગશે ?’ કમાન્ડર રાવત થોડી ક્ષણો આંખો બંધ કરી એકાગ્ર થઈ ગયા અને પછી તે પત્રકારને કહ્યું : ‘મંગળવારે સાંજ સુધીમાં શાંતિ સ્થપાઈ જશે.’

 .

પત્રકારે પૂછ્યું : ‘આપ આંખો બંધ કરીને શાંતિ કેવી રીતે સ્થપાશે એનું ’પ્લાનિંગ’ કરી રહ્યા હતા ?’ પત્રકારની સામે જોઈને કમાન્ડરે સ્મિતપૂર્વક કહ્યું : ‘My dear, I was communicating with God Almighty. I have a hot-line with him, namely prayer’. એમણે મને જે સુઝાડ્યું તે મેં તમને કહ્યું. ખરેખર મંગળવારે સાંજ સુધીમાં – ૪૮ કલાકમાં મુંબઈમાં શાંતિ સ્થપાઈ ગઈ ! આ ઘટના વિશે અમેરિકન ‘ટાઈમ’ મેગેઝિને છાપ્યું હતું : Indian army commander with heavenly Hot-Line – ઈશ્વર સાથે હોટલાઈન ધરાવતા ભારતીય લશ્કરી અધિકારી.

 .

માત્ર અધિકારીઓને જ આ હોટલાઈન આપવામાં આવે છે, એવું નથી. આ હોટલાઈનનો તાર તો પ્રત્યેક મનુષ્યના હૃદયમાં જોડાયેલો છે. પરમાત્માએ મનુષ્ય ઉપર કૃપા કરીને એવી વ્યવસ્થા કરી આપી છે કે જ્યારે તેમનો સંપર્ક કરવો હોય ત્યારે આ હોટલાઈન દ્વારા એમનો સંપર્ક કરી શકાય છે, પરંતુ બહુ ઓછા મનુષ્યો તેનો ઉપયોગ કરી જાણે છે. જેઓ તેનો ઉપયોગ કરે છે, તેઓ આ હોટલાઈન દ્વારા પરમાત્માનું સીધું માર્ગદર્શન અવશ્ય મેળવી શકે છે.

 .

પ્રાર્થના એટલે શું ?

પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર. જ્યારે જ્યારે મનુષ્યને અસલામતી, ભય કે મુશ્કેલી જણાય ત્યારે તે પોતાના શ્રદ્ધા પાત્ર કોઈ ગુરુ, ઇષ્ટદેવ કે કોઈ પરમ શક્તિ પાસે રક્ષણ અને સહાય માગે છે. આ માગણી એ જ તો છે પ્રાર્થના. પ્રત્યેક મનુષ્ય આ રીતે કોઈ ને કોઈ રીતે પ્રાર્થના કરતો જ હોય છે, પરંતુ એ જ્યારે પરમાત્માને નિવેદન કરે છે, ત્યારે એ નિવેદન દ્વારા પરમાત્મા સાથે સંબંધ જોડે છે. આ સંબંધ મહત્વનો છે. આથી જ પ્રાર્થના પરમાત્મા સાથેના જોડાણનો સેતુ છે. પ્રાર્થના દ્વારા મનુષ્ય શાંત, શક્તિ, હૂંફ, નિશ્ચિંતતાનો અનુભવ કરવા લાગે છે. એની પાછળનું રહસ્ય એ છે કે પ્રાર્થનાથી પરમાત્માની ચેતના સાથે તેનું અનુસંધાન થઈ જાય છે. મનુષ્યની ચેતનાનો સ્તર જ બદલાઈ જાય છે. જેમ જેમ પ્રાર્થનાનો ભાવ ઉત્કટ થતો જાય તેમ તેમ ભગવાન સાથેનું અનુસંધાન પણ વધતું જાય છે. ભગવાન તો પ્રેમ, આનંદ, જ્ઞાન અને શક્તિસંપન્ન દિવ્યચેતના છે. ઉત્ક્ટ ભાવે પ્રાર્થના કરનાર આ દિવ્યચેતના સાથે એકાકાર બનતાં તેને પ્રેમ, શક્તિ,આનંદનો અનુભવ થવા લાગે છે. આથી જ ભગવાન સમક્ષ સંપૂર્ણ નિવેદન કરી દેવાથી દરેક પરિસ્થિતિમાં સ્થિરતા આવે છે. આ સંદર્ભમાં શ્રી અરવિંદ કહે છે કે, ‘જો તમારામાં પૂરતા પ્રમાણમાં સાચી અભીપ્સા હોય, અથવા તો પૂરતા પ્રમાણમાં ઉત્કટ પ્રાર્થના હોય તો તમે બધું જ પલટી નાંખવા સમર્થ એવું કશુંક તમારામાં નીચે લાવી શકો.’

 .

પ્રાર્થના શા માટે કરવી જોઈએ ?

આપણા મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊઠે છે કે પરમાત્મા અંતર્યામી છે. તેઓ આપણી જરૂરિયાત જાણે છે. આપણા માટે શું સાચું ને શું ખરાબ તે પણ તેઓ જાણે છે, તો પછી વારંવાર એમને કહેવાની શી જરૂર ? આપણા માટે જે કંઈ જરૂરી હશે, તે તેઓ માગ્યા વગર જ આપશે. આ વાત તદ્દન સાચી છે. ભગવાન આપણી અંદર જ રહેલા છે. તેઓ સર્વ કંઈ જાણે છે, પરંતુ જ્યાં સુધી આપણને અંતરમાં રહેલા પરમાત્માની અનુભૂતિ નથી થઈ, એમની સાથે એકરૂપ બન્યા નથી, ત્યાં સુધી આપણે પ્રાર્થનાની આવશ્યકતા છે જ. જ્યાં સુધી આપણાં કાર્યો મન, બુદ્ધિ, અહંકારથી થતાં હોય, જ્યાં સુધી આપણે અલગતાનો અનુભવ કરતાં હોઈએ, ત્યાં સુધી પ્રાર્થના કરવી જરૂરી છે.

 .

ભગવાને કર્મનો કાયદો રચીને, અહંકારને અધીન મનુષ્યોને તેના આધારે છોડી દીધા છે. જ્યાં સુધી ઉત્કટભાવે તેમને પોકારવામાં ન આવે તેઓ પ્રત્યુત્તર આપતા નથી. જેઓ તીવ્રભાવે વ્યાકુળતાપૂર્વક એમને પોકારે છે, તેમને તેઓ અચૂક પ્રત્યુત્તર આપે જ છે. એનાં અનેક દ્રષ્ટાંતો સંતો, મહંતો, ભક્તોના જીવનમાં જોવા મળે જ છે. સામાન્ય રીતે મનુષ્ય દુ:ખમાં હોય, કટોકટીમાં હોય, ત્યારે પ્રાર્થના કરે છે, પણ દુ:ખ દૂર થતાં પ્રાર્થનાની ઉત્કટતા મંદ પડી જાય છે. ધીમે ધીમે પ્રાર્થના કરવાનું બંધ થઈ જાય છે. આથી પરમાત્મા સાથેનો જે સંબંધ બંધાયો હોય છે તે શિથિલ બની જાય છે. એ સંબંધને વધુ ને વધુ ગાઢ કરવા માટે સતત પ્રાર્થના કરવી જોઈએ. તીવ્રભાવે પ્રાર્થના કરતા રહેવું જોઈએ.

 .

પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી મનની શાંતિ :

આજના યુગમાં મનુષ્યની જરૂરિયાતો વધી ગઈ છે. તેથી તેને ભારે પરિશ્રમ કરવો પડે છે. ચીડિયો સ્વભાવ, રોગિષ્ઠ અને દુર્બળ શરીર, અશાંત મન અને અસલામત જીવન-એ આજના મોટાભાગના મનુષ્યોનાં લક્ષણ બની ગયાં છે. આ સ્થિતિમાંથી મુક્ત કરી શકે એવી જો કોઈ દિવ્યઔષધિ હોય તો તે પ્રાર્થના છે. ભારે તનાવમાં પણ મનુષ્ય જો બધું જ બાજુએ મૂકીને થોડી વાર ચૂપ કરીને પ્રાર્થના કરે તો તેને અવશ્ય શાંતિ પ્રાપ્ત થાય છે. એ શાંતિમાં પછી સર્વ સમસ્યાઓનો ઉકેલ પણ મળી આવે છે.

 .

પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થતી મનની શક્તિ :

મનને સશક્ત બનાવવા માટે પ્રાર્થના જેવો અસરકારક ઉપાય બીજો એકેય નથી. મહાત્મા ગાંધીજી તો પ્રાર્થનાને મનનો ખોરાક કહે છે. શરીરને ખોરાક ન મળે તો શરીર દુર્બળ થઈ જાય છે, તેમ મનને ખોરાક ન મળે તો મન પણ દુર્બળ થઈ જાય છે. આવું અશક્ત મન જલ્દી ભાંગી પડે છે. મુશ્કેલીઓ સહી શકતું નથી. મનને સશક્ત બનાવવાનો સાત્વિક આહાર પ્રાર્થના છે. પ્રાર્થનાથી મનમાં શક્તિ ઊતરી આવે છે. પરમાત્મા સાથે મનનું જોડાણ થવાથી મનની શક્તિઓમાં અનેકગણો વધારો થાય છે.

 .

પ્રાર્થનાથી દૂર થતી આંતરિક મુશ્કેલીઓ :

મનુષ્યને બહારની મુશ્કેલીઓ જ માત્ર હોતી નથી, પણ આંતરિક મુશ્કેલીઓ પણ હોય છે અને આ મુશ્કેલીઓ વધારે બળવાન હોય છે. ક્રોધ, મોહ, આસક્તિ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા-આ બધા આંતરિકશત્રુઓ મનુષ્યને પરમાત્માથી દૂર લઈ જાય છે. આ બધા શત્રુઓ સ્વપ્રયત્ને જીતી શકાતા નથી પણ તેમને મહાત કરવા પ્રાર્થનાનું શક્તિશાળી અસ્ત્ર અમોઘ છે. મનુષ્ય પોતાની અંદર રહેલાં આ આસુરી તત્વોમાંથી મુક્ત કરવા ભગવાનને જો સાચા દિલથી પ્રાર્થના કરતો રહે, તો ભગવાન અવશ્ય અને ઊંચી ચેતનામાં મૂકી આપે છે કે જ્યાં આ શત્રુઓ પ્રવેશી શકતા જ નથી. સ્વભાવગત મર્યાદાઓમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના અસરકારક પરિબળ છે.

 .

( જ્યોતિબહેન થાનકી )

ઝંખના – પલ્લવી શાહ

.

જેમ ડૂબતો માણસ તણખલું પકડી બચવા માટે ફાંફા મારે, એમ મેં તને પકડી રાખ્યો છે. એટલો સજ્જડ પકડેલો તારો હાથ ક્યારેક રસ્તામાં અધવચ્ચે છૂટી ન જાય એને માટે મારી પક્કડ વધારે ને વધારે મજબુત કરવાનો પ્રયત્ન કરી રહી છું. મને ખબર છે તું તો કદી પણ ખોવાવાનો નથી. તું તો તારી જગ્યા ઉપર અટલ નિશ્ચિંત ઉભેલો છે. ડર મને મારા ખોવાવનો છે. મારી શ્રદ્ધાનો છે, મારા ચંચળ મનનો છે. માટે હું તારી પાસે એક જ માંગણી કરું છું. મારા ચંચળ મનને શાંત કર અને એકનિષ્ઠ શ્રદ્ધાથી માત્ર તારી અને તારી જ થઈને રહું એવું બળ આપ એવી શ્રદ્ધા આપ.

 .

હાલક ડોલક થતી મારી નાવનું સુકાન તેં કેવું પકડી લીધું છે. હું જાણું છું કે હું સારી રીતે તરી શકતી નથી. જરાક ઊંડાણ આવે તો દમ ઘૂંટાવા લાગે છે મન ગભરાવા લાગે છે અને શ્વાસોશ્વાસ ભારે થઈ જાય છે. સાથે શરીર પણ ભારે થઈ જાય છે અને હું ડૂબવા માંડું છું. તેથી જ્યારે પણ હું નાવમાં બેસું અને ઉછળતા મોજાંઓ સાથે મારી નાવ હાલકડોલક થવા લાગે ત્યારે મને મારા મોતનો ખૂબ ડર લાગે છે. પણ આ મોતના ડરે મને તારી ખૂબ જ નજદીક લાવી દીધી છે. પળે પળે હું તારું નામ રટું છું, પળે પળે તને વિનંતી કરું છું કે હવે મારી નાવનું સુકાન તું સંભાળી લે અને મારી વિનંતીને માન આપી તેં મારી નાવનું સુકાન સંભાળી લીધું. હવે મારી નાવ ક્યારેય હાલકડોલક થાય તો પણ મને મોતનો ડર લાગતો નથી. કેટલો સારો સુકાની છે તું ?

 .

મારી ઝંખના તને પામવાની. તું કોણ છે ? ક્યાં રહે છે ? કેવી રીતે રહે છે ? તારું ઘર વાદળોમાં હશે કે દૂર કોઈ ગ્રહ ઉપર જઈને તું વસે છે ? કે તારું ઘર પાતાળમાં છે ? કે તું સમુદ્રના મોજાંઓના મહેલ કરીને રહે છે ? ક્યાં છે તું ? શું તું મારા જેવો છે કે વાર્તાઓમાં આવે એવું દેવતાઈ સ્વરૂપ છે, તું નાનકડા બાળક જેવો છે કે મોટા પહાડ જેવો છે, તું કાળો છે કે રૂપાળો છે, જુવાન છે કે વૃદ્ધ છે ? મને માત્ર તારા નામની ખબર છે અને તારા આ નામને-તને ખૂબ જ પ્રેમ કરું છું અને જેમ જેમ તારું નામ લેતી જાઉં છું એમ એમ તને પામવાની ઝંખના મારામાં વધતી જ જાય છે, વધતી જ જાય છે. શું હું તને પામી શકીશ ? તું ક્યારે મારી એ ઝંખના પૂરી કરીશ ?

 .

( પલ્લવી શાહ )

પ્રાર્થના – સુરેશ દલાલ

.

મારા આંગણામાં ઊભું છે એક લીલુંછમ વૃક્ષ – એક પગે ઊભા રહીને સાધના કરતા હઠયોગી તપસ્વી જેવું. રાત પડે ત્યારે આ વૃક્ષનાં પાંદડાં અંધકાર ઓઢતાં નથી. આ પાંદડાંઓ કદી પોઢતાં નથી. ફૂલ અને પાન નિતાન્ત જાગરણ કરે છે. પાંદડાંનો રંગ રાતને સમયે સોનેરી ને સોનેરી થતો જાય છે. ફૂલે ફૂલેથી પ્રસરે છે માત્ર તારું સ્મરણ – કોઈક અલૌકિક સુગંધ રૂપે. આ વૃક્ષની પાછળ એક સમુદ્ર સતત ઘૂઘવ્યા કરે છે. એનો ઘુઘવાટ કેવળ મારા કાનની ભીતરના કાનને સંભળાયા કરે છે. સમુદ્ર કોઈ ઋષિમુનિની જેમ જપ્યા કરે છે તારો અખંડ જાપ.

 .

હું તારી પાસે દોડી દોડીને આવું છું કારણ કે તું મને રચી આપે છે મારું એકાન્ત. આ એકાન્તના ખંડમાંજ હું પામું છું મારો અને તારો-આપણો અખંડ પરિચય. પરિચય તો કહેવાનો શબ્દ. પણ તું મને આપે છે આત્મીયતાનો અનન્ય અનુભવ. હવે મને સૂર્ય નહીં પણ આખું આકાશ ઊગતું હોય એવું લાગે છે. ધરતીમાં મારા પગ વૃક્ષની જેમ રોપાઈ ગયા છે અને આંખમાં ઝૂલે છે આખું આકાશ. હવા અને સૂર્યનાં કિરણોથી સાક્ષીએ આપણે મળીએ છીએ-જાણે કે હવેથી કદીયે ન છૂટા પડવા માટે. આત્માને હંમેશા એક જ તરસ હોય છે-અને એ તરસ તે પરમાત્માની.

 .

એક વાર તો મારે તને બોલતો કરવો છે. તારા મૌનની ભાષાને મારી આંખો વાંચે છે તો ખરી પણ મારે તો તું આપમેળે સહસ્ત્રદલ કમળની જેમ તારું હૃદય ખોલે અને વાંસળીમાં મારું નામ પણ વહેતું કરે એમ તને વાચાળ કરવો છે. આ શું ? માત્ર હું જ બોલું અને તું સાવ ચૂપ અને વળી પાછો નામ અને આકાર વિના અરૂપ. એક વાર તો તારે અમારે ખાતર નામરૂપ ધારણ કરીને પ્રગટ થવું પડશે અને અમારી સતત વિમાસણનું નિરાકરણ કરવું પડશે. અમારે તો માત્ર બે જ આંખો, બહુ બહુ તો આછી અમથી કલ્પનાની પાંખો. એક વાર તારે અહીં અમારા યમુનાના તટ પર આવવું પડશે. વાંસળી વગાડવી પડશે. અમારી સુષુપ્ત લાગણીઓ જગાડવી પડશે. અમારા અહમનું વસ્ત્રાહરણ કરવું પડશે. હવે આજે તારું મૌન ન ખપે. અમને જોઈએ છે તું, માત્ર તું. તારો શબ્દ, તારો સૂર. દૂરતા અને ક્રૂરતાનો કોઈ અર્થ નથી, હે નિર્દય, દયામય ભગવાન.

.

( સુરેશ દલાલ )

હું તારી સંમુખ ઊભો રહીશ – રવીન્દ્રનાથ ઠાકુર

.

હે જીવનસ્વામી, હું દરરોજ તારી સંમુખ ઊભો રહીશ. હે ભુવનેશ્વર, બે હાથ જોડીને હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા અપાર આકાશ તળે વિજનમાં એકાંતમાં નમ્ર હૃદયે આંખમાં અશ્રુ સાથે હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા આ વિચિત્ર વૈવિધ્યસુંદર ભવસંસારમાં કર્મ-પારાવારને તીરે નિખિલ જગજ્જનોની વચ્ચે હું તારી સંમુખ ઊભો રહીશ.

 .

તારા આ સંસારમાં જ્યારે મારું કામ પૂરું થઈ જશે ત્યારે હે રાજેશ્વર, હું એકલો નીરવે તારી સંમુખ ઊભો રહીશ.

 .

* * * * * * * * *

 .

હે અંતર્યામી, રાત્રે સૂતાં સૂતાં હું વિચારી રાખું છું કે પ્રભાતમાં આંખ ખોલતાં તને હું પહેલાં જોઈશ.

 .

હે અંતર્યામી, જાગીને શુભ્ર પ્રકાશમાં બેસીને, પુલક સાથે તારે ચરણે નમીને, હું મનમાં વિચારી રાખું છું કે દિવસનાં કાર્યો, હે સ્વામી, હું તને સોંપીશ.

 .

દિવસના કાર્યો કરતાં કરતાં હું ક્ષણે ક્ષણે મનમાં વિચારું છું કે કાર્યને અંતે સંધ્યા સમયે હું તારી સાથે બેસીશ.

 .

હે અંતર્યામી, સંધ્યા સમયે હું ઘરમાં બેસીને વિચારું છું કે તારા રાત્રિના વિરામ સાગરમાં થાકેલા પ્રાણની બધી ચિંતા અને વેદના ગુપચુપ ઊતરી જશે.

 .

( રવીન્દ્રનાથ ઠાકુર, અનુ: નગીનદાસ પારેખ )

ઝંખના – પલ્લવી શાહ

.

પ્રિય, જ્યારે તું બોલે છે અને હું સાંભળ્યા કરું છું ત્યારે કદાચ તને એમ લાગતું હશે કે આ સામો જવાબ કેમ નથી મળતો ? મારા ઝરણાના સંગીતને, પક્ષીઓના કલરવને વીજળીના ચમકારને, વાદળાંના ગડગડાટને, વરસતા મેહુલાને, સમુદ્રના મોજાઓનાં મંથનને, ઋતુઓના બદલાવને, દરેક સંગીતને, અવાજને જાણે જોઈ રહી છે કાં તો એને સંભળાતું નથી, કાં તો એને સમજણ પડતી નથી, પણ એવું નથી દોસ્ત, હું આ બધું સાંભળી, જોઈ, એને હૃદયમાં સમાવવાની મથામણમાં પ્રતિસાદ આપવાનું જ ભૂલી જા ઉં છું. આટલાં ખોબલા જેટલા હૃદયમાં વિશાળ મંથનને સમાવવું કાંઈ સહેલું છે ? વસંતના આગમનની રાહ જોઈ થાકેલા પંખી, પશુ, ઝાડ, પાન જ્યારે તેનું આગમન થાય ત્યારે કેવાં મોરી ઊઠે છે ? વાદળાનો ગડગડાટ સાંભળી મોર, ચાતક વગેરે ભીની માટીની મહેંકથી મહેકી ઊઠે છે. તેમ એક વખત ધરતીનું આ મહાન કાવ્ય મારામાં સમાવી હું ખુદ એક કાવ્ય બની જઈશ. માટે તું પણ રાહ જો અને મને તારો હૂંફાળો સાથ આપ કે તારી ઈચ્છાઓ હું પૂરી કરી શકું.

.

.

સવારના જ્યારે પક્ષીઓ તારા નામના પ્રભાતિયાં ગાઈને મારી આંખો પરથી નિંદરનો ભાર હળવો કરે છે ત્યારે હું મારી બારીએ આવું છું અને સૂર્યના પ્રથમ કિરણ જેવા પક્ષીઓનાં ગાનને મારા હૃદયમાં સમાવું છું. આંખો બંધ કરી હું પણ પક્ષી બની જાઉં છું અને એની સાથે સાથે તારા પ્રભાતિયાં ગાવા લાગું છું. પંખીની સાથે હું પણ પાંખો ફફડાવીને ઊડીને હું તારી પાસે આવું છું. આપણે બન્ને ખૂબ વાતો કરીએ છીએ અને હું પાછી મારી બારીએ આવીને આંખો ખોલું છું ને આ સમગ્ર વિશ્વ મને સ્વર્ગ જેવું લાગે છે ને હવે હું મારા ગાનથી આ વિશ્વને ભરી દેવા માંગુ છું.

.

( પલ્લવી શાહ )

ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર

.

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રકાશ પામીને મારાં બધાં દુ:ખ અને શોક સાર્થક થાઓ.

 .

ખૂણે ખૂણામાં જે અંધકાર છુપાયેલો છે, તે ધન્ય થઈને મરો, તારા પુણ્યપ્રકાશમાં બેસીને હું પ્રિયજનને પ્રેમ કરું.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રદીપ સ્પર્શમણિનો છે, એની જ્યોત અચપલ છે, મારાં બધાં કાળાં કલંકને એ પલકમાં સોનું બનાવી લો.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

હું જેટલાં દીપ સળગાવું છું તેમાં કેવળ જ્વાળા અને કેવળ કાજળ હોય છે. મારા ઘરના બારણા ઉપર તારાં કિરણો વર્ષાવ.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

* * * * * * * * * *

.

હે પ્રભુ, જો મારું આ હૃદયદ્વાર કોઈ વાર બંધ રહે તો તું દ્વાર ભાંગીને મારા પ્રાણમાં આવજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ દિવસ આ વીણાના તાર તારું પ્રિય નામ ન ઝંકારે તો તું દયા કરીને ક્ષણેક ઊભો રહેજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર તારા આહવાનથી મારી ઊંઘનું ઘેન ન ઊડી જાય, તો તું મને વજ્ર-વેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર હું તારા આસન ઉપર બીજા કોઈને પણ જતનપૂર્વક બેસાડું, તો હે મારા ચિર કાળના રાજા, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )