Archives

ત્રીજો પડાવ(Continue-2)

જાન્યુઆરી ૮, ૨૦૦૯

સવારે ૮ વાગ્યે Dolphin Chase માટે જવાનું હતું. તે પહેલા બ્રેકફાસ્ટ પતાવી અમે સૌ રીસેપ્શન કાઉન્ટર પાસે ભેગા થયા. જે કિનારા પરથી બોટમાં બેસવાનું હતું તે રીસોર્ટથી એક કિલોમીટર દૂર હતો. અમને પગપાળા લઈ જવામાં આવ્યા. કિનારે અમારા માટે બોટ તૈયાર હતી. સૌ બોટમાં બેસીને ડોલ્ફીનને જોવા માટે નીકળ્યા. બોટ દરિયામાં આગળ વધતી રહી પણ ડોલ્ફીન ક્યાંય દેખાતી ન્હોતી. બોટવાળો બોટને દરિયામાં ઘણે આગળ સુધી લઈ ગયો. ત્યાં અચાનક એક ડોલ્ફીન નજરે ચઢી. બોટને ત્યાં જ અટકાવી દીધી જેથી બોટના અવાજથી ડોલ્ફીન બહુ દૂર નીકળી ના જાય. ત્યાં ઘણી ડોલ્ફીન હતી. પણ તરવામાં એકદમ ચપળ. પાણીમાં ક્યારે ક્યાં નીકળે તે ખબર ના પડે. નજર તેજ રાખીને જોવું પડે તો જ એના દર્શન થાય. ફોટોગ્રાફસ લેવા માટે બધા એ ખૂબ પ્રયત્નો કર્યા પણ તે શક્ય ન બન્યું. કેમેરાનું બટન દબાવો ત્યાં તો ડોલ્ફીનરાણી પાણીમાં ગરક થઈ જાય. જો કે આંખોના કેમેરામાં કેદ થઈ એટલે ફોટોગ્રાફ્સ ન લઈ શકાયાનો કોઈ અફસોસ ન્હોતો. અમારી બોટ ૧૦.૦૦ વાગ્યે કિનારા પર પાછી વળી. અને અમે રીસોર્ટ પહોંચ્યા. બપોરના ભોજન સુધી બીજો કોઈ પ્રોગ્રામ ન હતો. મારે ક્યાંય પણ જવાનું થાય તો મારી સાથે મારા હંમેશના સાથી પુસ્તકો હોય જ છે. રૂમ પર જઈને મેં પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ( પુસ્તક અંગેની માહિતી મને ગમતું પુસ્તક વિભાગમાં આપીશ)

સવારે રીસોર્ટના એક સ્ટાફ મેમ્બરને અમે કાજુ ક્યાં મળશે તે વિશે પૂછ્યું હતું. અમારે મુખ્ય ખરીદી કાજુની જ કરવાની હતી. એણે અમને કહ્યું કે કાજુ લેવા હોય તો મડગાંવ જવું પડે. સૌથી મોટી સાઈઝના કાજુનો ભાવ ૪૮૦/- રૂ. કિલો કહ્યું. એ ઘણાં વિદેશી પર્યટકોને મડગાંવથી કાજુ લાવી આપતો હતો. આવવા જવાનો ખર્ચ ૧૫૦/- રૂ. એને અલગથી આપવા પડતો હતો.

આમ તો અમને બીજા દિવસે પણજી લઈ જવાના હતા. પણ ત્યાં કદાચ ખરીદી કરવાનો સમય મળે કે ના પણ મળે. એટલે મેં અને મામીએ મડગાંવ જઈને કાજુ ખરીદવાનું નક્કી કર્યું. બપોરે ૧.૦૦ થી ૪.૦૦ વાગ્યા દરમ્યાન મડગાંવનું બજાર બંધ રહેતું હતું. રીસોર્ટવાળા ક્યાંય પણ જવા માટે વાહનની સગવડ કરી આપતા હતા. પણ તે ઘણું મોંઘુ હતું. હું અને મામી ૩.૩૦ વાગ્યે રીસોર્ટની બહાર નીકળ્યા. થોડીવાર ઉભા રહ્યા ત્યાં લોકલ બસ આવી અને અમે તેમાં બેસી ગયા. બસમાં કન્ડક્ટર ન્હોતો. જે પેસેન્જર ઉતરે તે ડ્રાઈવરને પૈસા આપીને ઉતરે. થોડા સ્ટોપ ગયા પછી કન્ડક્ટર બસમાં ચઢયો. બસમાં ટીકીટ આપવાની પ્રથા ન્હોતી. અને બસમાં ઘંટડી પણ ન્હોતી. બસને અટકાવવા કે ચલાવવા કન્ડકટર સીસોટી જેવો અવાજ કાઢતો હતો. જે ઘણું રમુજી હતું. અમે બે ટીકીટના ૨૦ રૂ. આપ્યા. મડગાંવના માર્કેટ બસ સ્ટોપ પર અમે ઉતર્યા. અને પાછા વળતી વખતે બસ કઈ જગ્યાએથી મળશે તે કન્ડક્ટરને પૂછી લીધું.

જે વિસ્તારમાં ઉતર્યા તે વિસ્તારમાં કાજુની કોઈ દુકાન નજરે ન ચઢી. ચાલતા ચાલતા આગળ વધ્યા. એક ગલીમાં થોડી દુકાનો દેખાતી હતી એટલે તે તરફ વળ્યા. પણ ત્યાં મોટેભાગની દુકાનો કાપડની હતી. ફૂટપાથ પર એક બહેન ઉભા હતા તેને અમે પૂછ્યું તો એણે અમને એક માર્કેટ બતાવી. જેમાં શાકભાજી, ફળો, અનાજ-કરીયાણું વગેરે બધું જ મળતું હતું. માર્કેટના ચાર દરવાજા હતા અને અંદર સાંકડી સાંકડી ગલીઓમાં અસંખ્ય દુકાનો હતી. પહેલા થોડીવાર તો અમે માર્કેટમાં ફર્યા. પણ ગલીઓ ભૂલભૂલામણી ભરેલી હતી. જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં જ પાછા આવી જતા.

સૌથી પહેલા જે દુકાને ગયા તે દુકાનદારે અમને સારી માહિતી આપી. એણે કહ્યું કે અહીં ગોવા સિવાયના અન્ય પ્રદેશોના પણ કાજુ મળે છે. એટલે બીજા પ્રદેશના કાજુ લઈને છેતરાઈ ના જતા. અમે વધારે કાજુ ખરીદવાના હતા એટલે એણે અમને ભાવ વ્યાજબી કરી આપવા કહ્યું. પણ એની પાસે તરત કાજુ ન લઈ લેતાં અમે માર્કેટની બીજી દુકાનોની મુલાકાત લીધી. એ ભાઈની વાત સાચી હતી. ત્યાં મહારાષ્ટ્રના કાજુ પણ મળતા હતા. ઘણી દુકાનોમાં કાજુ જોયા અને ભાવ પૂછ્યા પણ કંઈ મેળ ન પડ્યો. પહેલા જે દુકાને ગયા હતા ત્યાંજ ફરીવાર ગયા. મામીએ સૌથી મોટી સાઈઝના કાજુ લીધા જે ૩૫૦/- રૂ. કિલો મળ્યા. અને મેં રેગ્યુલર સાઈઝના કાજુ લીધા જે મને ૩૦૦/- રૂ. કિલો મળ્યા. કાજુ લઈ કામત હોટલ પાસેથી Dona Sylvia જવા માટે બસ પકડી.

અમે Dona Sylvia હોંચ્યા ત્યારે અમારા પરિવારજનો દરિયાકિનારે જવા માટે નીકળતા જ હતા. અમે પણ તેમની સાથે જોડાયા.

ત્રીજો પડાવ(continue-1)

ડીશ લઈને આખા રેસ્ટોરન્ટમાં ફરી આવી પણ શું લેવું ને ક્યાંથી શરૂઆત કરવી તે સમજાયું નહીં. અનેક જાતના સૂપ, સલાડ અને શાક, રોટી-નાન, ભાત-પુલાવ, દાળ, પાસ્તા, જ્યુશ અનેક પ્રકારની મીઠી વાનગીઓ, આઈસ્ક્રીમ..અને એવી બધી અનેક વાનગીઓ અને બીન-શાકાહારી વાનગીઓનો અલગ વિભાગ પણ ખરો. બધાને જે અનુકૂળ આવ્યું તે લઈને બેઠા. અમને નવા આવેલા જોઈને Seagull Restaurantનો મેનેજર ફ્રાન્સીસ ડિકોસ્ટા તરત અમને મળવા માટે આવ્યો. અને ભોજન બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો જણાવવા કહ્યું. નાન ચાવવામાં મમ્મી-પપ્પાને તકલીફ પડતી હોવાથી અમે ઘઉંની રોટલીની ફરમાઈશ કરી. થોડી વારમાં તો એણે અમારા ટેબલ પર ઘઉંની રોટી મૂકી દીધી. Buffet Dinner હતું તો પણ વેઈટરો સતત સર્વિસમાં હાજર હતા. અને જેને જે જોઈએ તે અને જેટલું જોઈએ તેટલું આપતા હતા. અમે બરાબર જમી લીધું.

Our Cotaage-1

Our Cotaage-1

My Room-Ground Floor

My Room-Ground Floor

Veranda

Veranda

તે દરમ્યાનમાં અમારા ત્રણે રૂમ તૈયાર થઈ ગયા હતા. રીસોર્ટ ૨૬ એકરમાં ફેલાયેલું છે. બેટરીથી ચાલતી cartમાં બેસાડીને રીસેપ્શનીસ્ટ અમને અમારા કોટેજ સુધી દોરી ગઈ. અમારા કોટેજમાં ચાર રૂમ હતા. બે ભોંયતળિયે અને બે પહેલા માળે. નીચે મારા પરિવારનો રૂમ હતો. અને ઉપરનો એક રૂમ મામા-મામીનો અને બીજો રૂમ દેવેશ-દેવાંગનો હતો. શિરડીથી નીકળ્યા ત્યારથી સતત સફરમાં હતા. અહીં સરસ વ્યવસ્થા જોઈને બધાએ બપોરના સમયે થોડો આરામ કર્યો.

સાંજે તૈયાર થઈને પુલ સાઈડ રેસ્ટોરન્ટ “Mama Mia”માં ચા-કોફી અને થોડો નાસ્તો કરી દરિયાકિનારે ઉપડ્યા. રીસોર્ટ ગોવાના Cavelossim Beach પર આવેલું છે. અને એકદમ દરિયાકિનારે જ છે. ભરતીનો સમય હતો. હું, મામી અને દેવાંગ થોડો સમય પાણીમાં ઉભા રહ્યા. સૂર્યાસ્તનો સમય હતો…સૂરજ ધીમે ધીમે ડૂબી રહ્યો હતો અને સાથે આકાશનો રંગ પણ બદલાઈ રહ્યો હતો. કિનારા પર ખાસ ભીડ ન હતી અને કિનારો એકદમ ચોખ્ખો હતો. રેતી એક્દમ મુલાયમ પાવડર જેવી અને સફેદ રંગની. સૂર્યાસ્ત થયો પછી અમે પાછા રીસોર્ટમાં આવ્યા. રીસોર્ટની સામે ઘણું મોટું શોપિંગ સેન્ટર હતું. ગોવાની બનાવટની વસ્તુઓ ખરીદવાની ઈચ્છા હતી. એટલે શોપિંગ સેન્ટરમાં ગયા. પણ ત્યાં ગોવાનું તો કંઈ જ મળતું ન હતું. મોટેભાગે કાશ્મીરી બનાવટની દુકાનો વધારે હતી. કાશ્મીરમાં આતંકવાદ વધ્યો પછી મૂળ ત્યાંના લોકો ધંધા-રોજગાર માટે બીજા પ્રદેશોમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. વિદેશી પર્યટકોને માટે જ આ શોપિંગ સેન્ટર હતું એવું લાગ્યું. કારણ કે બધી વસ્તુઓના ભાવ ખૂબ જ હતા.

Kebab & Kurries

Kebab & Kurries

Dinner માટે આમ તો અમને રોજ Seagull Restaurant માં જ ખાવાની પરવાનગી હતી. પણ રીસોર્ટ તરફથી અમને રીસોર્ટની બીજી બે રેસ્ટોરન્ટના ગેસ્ટ પાસ આપવામાં આવ્યા હતા. જેમાં અગાઉથી જાણ કરીને એક દિવસ “Kebabs & Kurries”માં અને એક દિવસ “Mama Mia”માં સાંજનું ભોજન કરવાની છૂટ હતી. મામાએ બપોરે જ “Kebabs & Kurries”માં અમારું ટેબલ રીઝર્વ કરાવ્યું હતું. અહીં સવારના ભોજન જેવી વિવિધતા ન્હોતી. ઓર્ડર આપ્યા પછી પણ તે લાવતાં ઘણો વાર લગાડ્યો. “Kebabs & Kurries”ની બાજુમાં Open Air Theme Restaurant-Haystack”માં લાઈવ બેન્ડ અને આતશબાજીનો કાર્યક્રમ ચાલતો હતો. પણ અમે બધા તો રૂમ ભેગા થયા.

ત્રીજો પડાવ

જાન્યુઆરી ૭, ૨૦૦૯

સવારે અમે ઉઠ્યા ત્યારે ટ્રેન કોંકણમાં પ્રવેશી ચૂકી હતી. હજુ અમારું સ્ટેશન આવવાને ઘણી વાર હતી એટલે બારી પાસે બેસીને ગોવાના રમણીય પ્રદેશને જોતા રહ્યા. CSTથી અમારા કમ્પાર્ટમેન્ટમાં ત્રીસેક જેટલા યુવક-યુવતિઓનું આખું ગ્રુપ પણ ચઢ્યું હતું. આઠ-સાડા આઠે તે બધા ઉઠ્યા અને તૈયાર થવા ધમાચકડી મચાવી દીધી. Thivim સ્ટેશને એ આખું ગ્રુપ ઉતરી ગયું. ત્યાર પછી થોડી શાંતિ થઈ. કારણ કે રાત્રે પણ મોડે સુધી એ બધા વાતો કરતા હતા. આજુબાજુ નાળિયેરીના વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળ્યા. ગોવા વિશે ટૂંકમાં કહેવું હોય તો… નાળિયેરીના વૃક્ષો, દરિયો અને ચર્ચ. બધું જ પુષ્કળ પ્રમાણમાં. ૧૦.૪૫ એ મડગાંવ સ્ટેશન આવ્યું. મડગાંવને ત્યાંના લોકો મારગાંવ કહે છે.

સામાન લઈ મડગાંવ સ્ટેશનના મુખ્ય દ્વાર પર પહોંચ્યા. ત્યાં અમને લેવા માટે અમારી હોટલ Dona Silviya-Beach Resort” નો માણસ આવ્યો જ હતો. એણે અમને બધાને રીસોર્ટની ગાડીમાં બેસાડ્યા અને અમે Dona Silviya” તરફ પ્રસ્થાન કર્યું. રસ્તાઓ સાંકડા હતા પણ ઉબડખાબડ વગરના. અને ટ્રાફિક ઘણો જ ઓછો. રસ્તામાં ઘણાં ગામડાઓ આવતા ગયા. આખા રસ્તે અમે જોયું તો ઘણાં બધા ચર્ચ જોવા મળ્યા જ્યારે મંદિર માત્ર એક જ જોવા મળ્યું. નાતાલ અને નવું વર્ષ હમણાં જ ગયું હતું એટલે બધાના ઘરો લાઈટ અને કંડીલ વડે શણગારેલા હતા. ઘરો ઉંચા માળવાળા કે એપાર્ટમેન્ટ જેવા ખાસ ન્હોતા. જૂની ઢબના પારસીઓના ઘરો જેવા મને લાગ્યા.

Dona Sylvia-1

Dona Sylvia-1

૪૫ મિનિટના ડ્રાઈવ પછી અમે રીસોર્ટ પર પહોંચ્યા. લીંબુના શરબતથી અમારું સ્વાગત કરાયું. બુકિંગ તો અગાઉથી મેં કરાવ્યું જ હતું. પરંતુ અમારા ત્રણ રૂમ તૈયાર ન્હોતા એટલે અમને થોડી રાહ જોવા માટે કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં અમને અમારા પેકેજ વિશે રીસેપ્શન કાઉન્ટર પરથી માહિતી આપવામાં આવી. પેકેજ અનુસાર અમે બધી સુવિધાઓ સરળતાથી માણી શકીએ તે માટે બધાને લીલા રંગનો Wrist Band બાંધવામાં આવ્યો.

untitled-2-copy

અમારા પેકેજમાં Seagull Restaurant”માં Buffet meals (01 Breakfast, 01 Lunch & 01 Dinner per night stay) અને રીસોર્ટના ત્રણ બારમાં સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી Unlimited Alcoholic & Non Alcoholic beverages સામેલ હતું. રૂમ હજુ તૈયાર ન્હોતા થયા. અને Seagull Restaurant બપોરના ભોજન માટે ખૂલી ચૂક્યું હતું એટલે અમે પહેલા તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

Dona Sylvia-2

Dona Sylvia-2

More Photographs

ફોટોગ્રાફ્સ ઘણાં મિત્રોને ગમ્યા છે એટલે બીજા પડાવ સુધીના વધુ ફોટોગ્રાફ્સ મૂકું છું.

Way to Shirdi-3

Way to Shirdi-3

Hawaldaar-who demand money from our vehicle driver

Hawaldaar-who demand money from our vehicle driver

CST(Chhatrapati Shivaji Terminus)

CST(Chhatrapati Shivaji Terminus)

No security-Back side of CST

No security-Back side of CST

બીજો પડાવ

જાન્યુઆરી ૬, ૨૦૦૯

Shraddha Inn-1

Shraddha Inn-1

Shraddha Inn-2

Shraddha Inn-2

Shraddha Inn-3

Shraddha Inn-3

Shraddha Inn-4

Shraddha Inn-4

અમારે બપોરે ૧૨.૦૦ વાગ્યે ચેક આઉટ કરવાનું હતું એટલે ત્યાં સુધીનો અમારી પાસે સમય હતો. હોટલમાં અમારે ઘણું બધું જોવાનું બાકી હતું. હોટલમાં ૨૪ કલાકની કોફી શોપ નૈવેદ્ય અને વેજીટેરીયન રેસ્ટોરન્ટ રાજભોગ છે. તે ઉપરાંત ધી કેરાલા આયુર્વેદિક થેરાપી સેન્ટર”, મેડીટેશન રૂમ તપસ્યા”, ગેઈમ રૂમ અને લાઈબ્રેરી રૂમ મનોરંજન”, સ્વીમિંગપૂલ અને ગાર્ડનની સુવિધા હતી. બ્રેકફાસ્ટ કર્યા બાદ આ બધું જોઈ અમે ગાર્ડનમાં બેઠા. શ્રધ્ધા ઈન ખરેખર સરસ હોટલ હતી.

તડકો આકરો થવા માંડ્યો એટલે અમે પાછા રૂમમાં આવ્યા અને આગળ પ્રયાણ કરવાની તૈયારી કરી. ૧૨.૦૦ વાગ્યા સુધીમાં અમારો સામાન ગાડીમાં ગોઠવી દીધો અને મુંબઈ જવા નીકળ્યા. ખબર નહીં કેમ પણ શિરડીથી મુંબઈનો રસ્તો અમને બધાને કંટાળાજનક લાગ્યો.

Shirdi to Mumbai

Shirdi to Mumbai

Shirdi to Mumbai-2

Shirdi to Mumbai-2

મુંબઈ આગ્રા હાઈવે પરથી શાહપુર, ઈગતપુરી થઈ અમે મુંબઈના સીમાડામાં પ્રવેશ્યા. CST (વી.ટી. સ્ટેશન ) તરફ આગળ વધતા હતા ત્યાં સાયન વિસ્તારમાં એક ઓવરબ્રીજ પાસે અમારી ગાડીને બે હવાલદારે રોકી. જે રીતે ગાડીને રોકવામાં આવી તેના પરથી જ અમને ખ્યાલ આવી ગયો કે આ લોકો હેરાન કરવાના અને પૈસા કઢાવવાના મૂડમાં છે. ડ્રાઈવર ને ગાડીની બહાર બોલાવીને બધા ડોક્યુમેન્ટસ જોવા માંગ્યા. બાકી બધું તો બરાબર હતું પણ આર.સી.બુક રીન્યુ ન્હોતી થઈ એટલે હવાલદારે આર.સી.બુક લઈ લીધી અને ૨૦૦૦/- રુ. ની રસીદ બનાવી દીધી. ડ્રાઈવરે આજીજી કરી પણ હવાલદાર ધરાર માને નહીં. સહી કરીને પૈસા ચૂકવવા ઉતાવળ કરાવે. ડ્રાઈવરે એના માલિકને વલસાડ ફોન કર્યો અને માલિકે મુંબઈના કોઈ ઈન્સપેક્ટર પાસે હવાલદારને ફોન કરાવ્યો ત્યારે માંડ માંડ ૮૦૦/- રુ. માં પતાવટ કરી. આર.સી.બુક તો પાછી આપી પણ રસીદ ન આપી.

ત્યાંથી સીધા અમે CST પહોંચ્યા ત્યારે સાંજ ના ૬ વાગ્યા હતા. આતંકવાદીઓએ CST પર ગોળીબાર કરીને નિર્દોષ મુસાફરો અને સુરક્ષા કર્મીઓના જાન લીધા પછી અહીં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. આ સ્ટેશન પર ૧૮ પ્લેટફોર્મ છે અને દરેક પ્લેટફોર્મ પરથી વારાફરતી કોઈ ને કોઈ ટ્રેન ઉપડતી જ રહે છે. તેથી મુસાફરો ઘણી મોટી સંખ્યામાં હોય.

અમારી કોંકણકન્યા એક્સપ્રેસનો સમય હતો રાત્રે ૧૧.૦૦ વાગ્યાનો. અમારે CST પર પાંચ કલાક વીતાવવાના હતા. અમને બધાને પ્લેટફોર્મ પર બેસવાની જ્ગ્યા તો મળી ગઈ. પણ માઈક પર થતું સતત એનાઉન્સમેન્ટ સાંભળી સાંભળીને વધારે કંટાળી ગયા. આખરે ટ્રેન આવી અને અમે એમાં ગોઠવાયા. ૧૧.૦૦ વાગ્યે ટ્રેન મડગાંવ જવા માટે રવાના થઈ. આમ કોંકણકન્યા એક્સપ્રેસમાં અમારો બીજો પડાવ થયો.

પ્રથમ પડાવ(continue)

મોડી સાંજે સાંઈબાબાના દર્શન કરવા જવાના હતા એટલે એકાદ કલાક આરામ કર્યો. ત્યાં મામાએ આવીને કહ્યું કે શાવરમાં ગરમ પાણી સરસ આવે છે એટલે શાંતિથી શાવરમાં નાહવાનો લાભ લીધો.


શિરડી જતાં પહેલા મેં એ માહિતી મેળવી હતી કે સિનિયર સિટીઝનના માટે દર્શનની અલગ સુવિધા છે. અને એક સિનિયર સિટીઝન તેની સાથે બીજી એક વ્યક્તિને લઈ જઈ શકે. એ માટે જન્મતારીખનો પુરાવો આપીને પાસ કઢાવવો પડે. સાંજે ૭ વાગ્યે દર્શન કરવા માટે નીચે ઉતર્યા તો રીસેપ્શન પરથી જાણવા મળ્યું કે પરદેશીઓ પોતાનો પાસપોર્ટ રજૂ કરે તો તેને પણ સિનિયર સિટીઝનની જેમ જ દર્શન માટે પાસ આપવામાં આવે છે. મમ્મી પપ્પા સિનિયર સિટીઝનનો પાસ કઢાવીને અને મામાનો પરિવાર પાસપોર્ટ બતાવીને દર્શન કરવા જશે અને હું લાઈનમાં પ્રતીક્ષા કરીને દર્શન કરવા જઈશ એવું નક્કી થયું.


મંદિરમાં મોબાઈલ ફોન ઈલેક્ટ્રોનિક ગેઈમ્સ લેડિઝ પર્સ વગેરે કંઈ લઈ જવા દેવામાં આવતું નથી. આ અંગેની સૂચના અમારી હોટલ સહિત ઘણી જગ્યાએ વાંચવા મળી. અમે તે બધું હોટલના રૂમમાં જ મૂકી જવાનું મુનાસિબ સમજ્યું.


શ્રધ્ધા ઈનની ગાડી અમને મંદિર સુધી મુકવા આવી ત્યારે તેના ડ્રાઈવરે જણાવ્યું કે આ સમયે દર્શન માટે થોડી ઓછી ભીડ હોય છે. પાસ કઢાવવા જશો તો એમાં સમય જશે. એના કરતા લાઈનમાં જશો તો ૧૦-૧૫ મિનિટમાં દર્શન થઈ જશે. એટલે અમે પાસ કઢાવવાની પળોજણમાં પડ્યા વિના ગેઈટ નં. ૨ થી પ્રવેશ્યા. સાંઈનો જયઘોષ કરતાં કરતાં લાઈનમાં સૌ ચાલતા હતા. બાબાના દર્શન થયા ને હ્રદય એકદમ ભાવવિભોર બની ગયું.


મારી ઘણાં સમયથી ઈચ્છા હતી કે મમ્મી-પપ્પાને શિરડી લઈ જઈ બાબાના દર્શન કરાવીશ. પણ કોઈક ને કોઈક કારણથી નીકળાતું જ ન્હોતું. મામા સાથે જવાનું નક્કી તો કર્યું પણ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરને બતાવ્યું અને બે વખત રીપોર્ટ પણ કઢાવ્યા તો પણ મમ્મીને રાહત ન્હોતી. નીકળવાને અઠવાડિયું બાકી હતું અને મામા પણ USAથી આવી ગયા હતા તોય મમ્મી તો હજુ પથારીમાં જ હતી. મને કંઈ સૂઝતું ન્હોતું અને ચિંતા થતી હતી કે હવે શું કરીશું? પણ જ્યાં કંઈ જ કામ ન કરે ત્યાં શ્રધ્ધા કામ કરે છે. મેં બાબાને પ્રાર્થના કરી કે તારા દર્શન કરવાની મમ્મીની ખાસ ઈચ્છા છે તો એને તારા દર્શન કરવા માટે જરૂરથી બોલાવજે. અમે શિરડી જવા નીકળ્યા ત્યારે તો મમ્મીની તબિયત ઘણી સારી  થઈ ગઈ હતી અને આખી સફર દરમ્યાન પણ એને ખાસ કોઈ જાતની તકલીફ ન થઈ. આ બાબાની કૃપા નહીં તો શું?


મુખ્ય મંદિરમાં દર્શન કરી અમે બાબા જે લીમડા નીચે બેસતા હતા તે લીમડાના દર્શન કર્યા. નાનાવલી વગેરે બાબાના અંતેવાસીઓની સમાધિ જોઈ. બાબા રાત્રે જ્યાં સૂવા માટે જતાં તે ચાવડી અને બાબા જ્યાં રહેતા હતા તે દ્વારીકામાઈના પણ દર્શન કર્યા. દ્વારીકામાઈની ધૂણીમાં વર્ષોથી અખંડ જ્યોતિ પ્રજ્વલિત છે. તેની ઉદી મેળવવા માટે મંદિર તરફથી અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યાંથી ઉદી લીધી. આ બધું જોતાં અમને ૮.૩૦ વાગ્યા. ત્યાં સુધીમાં પ્રસાદના લાડુનું કાઉન્ટર બંધ થઈ ગયું હતું. અમે પાછા શ્રધ્ધા ઈનમાં જવા માટે નીકળ્યા.


શ્રધ્ધા ઈનમાં અમે ડિનર અને બ્રેકફાસ્ટનું પેકેજ લીધું હતું. ત્યાં પહોંચીને બુફે ડિનર લીધું. વલસાડથી શિરડી સુધીની સફર કરીને બધા થાકી ગયા હતા તે સૌ જલ્દી જ સૂઈ ગયા.

પ્રથમ પડાવ

જાન્યુઆરી ૫, ૨૦૦૯

સવારે ૭.૩૦ વાગ્યે નીકળવાનું વિચાર્યું હતું. પણ અમને ૭ જણાને ( હું, મમ્મી, પપ્પા, USAથી આવેલ મારા મામા, મામી અને તેમના બે દીકરાઓ ) તૈયાર થતાં થોડું મોડું થઈ ગયું. લગભગ ૮ વાગ્યે અમે Tavera ગાડીમાં ગોઠવાઈને શિરડી જવા નીકળ્યા. વલસાડથી શિરડી જવા માટે મારી જાણ મુજબ ત્રણ રુટ છે. એક સાપુતારા થઈને, બીજો સુરત મનોર નેશનલ હાઈવે નં. ૮ પરથી ચારોટી થઈને અને ત્રીજો ધરમપુર-કપરાડા થઈને. અમે ધરમપુરવાળા રસ્તે નીકળ્યા. રસ્તામાં ટ્રાફિક પ્રમાણમાં ઘણો ઓછો હતો અને રસ્તાઓ પણ સારી સ્થિતિમાં હતા એટલે રસ્તો જલ્દી કપાતો હતો. મારા કઝિનોએ બળદગાડાના, માણસોથી ભરેલ છકડાના અને પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ દર્શાવતા બોર્ડના ફોટોગ્રાફ્સ લીધા. ધરમપુર છોડ્યા પછી ધીમે ધીમે ડુંગરાળ પ્રદેશો આવવાની શરૂઆત થઈ. ઉંચાણવાળા પશ્ચિમી ઘાટના રસ્તાઓ પરથી તળેટીનો વિસ્તાર દેખાતો હતો તે અન્ય હિલ સ્ટેશનોની યાદ અપાવે તેવો હતો. પરંતુ હજુ આ વિસ્તારમાં ટુરિઝમને લગતી કોઈ સુવિધા ન હોવાથી ટુરિસ્ટોની નજરમાંથી બચીને રહ્યો છે.

Way to Nasik-2

Way to Nasik-1

Way to Nasik-2

Way to Nasik-2

મહારાષ્ટ્રની સરહદ શરૂ થઈને રસ્તાની હાલત થોડી બગડી. ૧૨.૧૫ એ અમે નાસિક પહોંચ્યા. બધાને કકડીને ભૂખ લાગી હતી એટલે કોઈ સારી રેસ્ટોરન્ટમાં લઈ જવા માટે ટ્રાઈવરને કહ્યું. ડ્રાઈવર અમને હોટલ દ્વારકામાં લઈ ગયો. અંદર જઈને બેઠા પણ ટેબલ પર માખીઓ બણબણતી હતી. મારા કઝિન દેવેશને ચોખ્ખાઈની બાબતમાં ઘણી સૂગ. એ આવું કંઈ ચલાવી ન લે. એટલે અમે ત્યાંથી ઉભા થયા અને ડ્રાઈવરને બીજી કોઈ રેસ્ટોરન્ટમાં લઈ જવા કહ્યું. એ અમને વુડલેન્ડમાં લઈ ગયો. ત્યાં રેસ્ટોરન્ટ તો સારી હતી પણ ટોયલેટ ઘણું ગંદુ હતું. એટલે દેવેશે તેને પણ નાપસંદ કરી. વુડલેન્ડની સામે જ કામથ હોટલ હતી. પણ તે બતાવવાની અમે હિંમત જ ના કરી. આખરે મામાએ ડ્રાઈવરને તાજ ગ્રુપની ધ ગેઈટ વે હોટલમાં લઈ જવા કહ્યું. અરીસા જેવા ચોખ્ખા રેસ્ટ રૂમમાં અમે ફ્રેશ થયા અને પછી જમ્યા.

The Gate Way Hotel-Nasik

The Gate Way Hotel-Nasik

મામી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ત્યાં અમેરિકામાં આવી સુવિધાઓ બહુ સારી રીતે ઉપલબ્ધ. થોડા થોડા અંતરે તમને સ્વચ્છ શૌચાલયો મળી રહે. જ્યારે આપણા અહીં મનુષ્યની મૂળભૂત જરૂરિયાત પ્રત્યે સરકાર ખાસ્સી ઉદાસીન. જો કે હવે ઘણી જગ્યાઓએ સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પણ તે ભારતની વસ્તીના પ્રમાણમાં ઘણાં ઓછા.

નાસિકમાં જ અમને ૨-૨.૧૫ વાગી ગયા હતા. ત્યાંથી અમે શિરડી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં શિરડી જવા માટે નીકળેલા ઘણાં બધાં પદયાત્રીઓની જુદી જુદી ટુકડીઓ મળતી રહી. બપોરના તાપમાં ખૂલ્લા પગે પણ તે બધા પોતાની મસ્તીમાં ચાલી રહ્યા હતા. આ બધા આટલી મોટી સંખ્યામાં શા માટે ચાલી રહ્યા હતા એ મારા બન્ને કઝિન દેવેશ અને દેવાંગને સમજાવવું અમારા માટે મુશ્કેલ હતું.

લગભગ ૪ વાગ્યે અમે હોટલ શ્રધ્ધા ઈનમાં પહોંચ્યા. અમારું બુકિંગ મેં અગાઉથી કરાવ્યું હતું એટલે તરત જ રૂમ ભેગા થયા.

Shraddha Inn-Shirdi