Category Archives: યાત્રા/પ્રવાસ

આખરી પડાવ

જાન્યુઆરી ૧૦, ૨૦૦૯

આજે અમારે ઘર તરફ પાછા વળવાનું હતું એટલે Dona Sylviaના રૂમમાં વિખરાયેલો સામાન પાછો બેગમાં ભરવામાં અમે સૌ મંડી પડ્યા. બધું એકદમ તૈયાર કરીને બ્રેકફાસ્ટ કરવા ગયા. ત્રણ દિવસ દરમ્યાન અહીં અમને ભરપૂર ખવડાવવામાં આવ્યું હતું. એમાં કોઈ જાતની કસર કરવામાં આવી ન્હોતી. અમારા પરિવાર સિવાય બીજા પણ બે-ત્રણ ગુજરાતી ગ્રુપ ત્યાં હતા. ગુજરાતી દુનિયાના ગમે તે છેડે જાય એને ગુજરાતી વાનગીઓની યાદ તો આવવાની જ. ત્યાં અનેક વાનગીઓના રસથાળ પીરસવામાં આવતો હતા. તેમ છતાં મને થોડી ગુજરાતી વાનગીઓની યાદ આવતી હતી. મેં ગઈકાલે સવારે Seagull Restaurantના મેનેજર ફ્રાન્સીસ ડિકોસ્ટાને જો શક્ય હોય તો થોડી ગુજરાતી વાનગી બનાવવા વિનંતી કરી હતી. મેં એને એક-બે ગુજરાતી વાનગીના નામ પણ કહ્યા હતા. કેવી રીતે બનાવવું તે અંગે એ મામી પાસે જાણકારી મેળવી ગયો હતો. એના પ્રામાણિક પ્રયત્નો હોવા છતાં બીજી તો કોઈ ગુજરાતી વાનગી શક્ય ન્હોતી બની. પણ ગઈકાલે રાત્રે એણે અમારા માટે ખીચડી-કઢી બનાવી હતી. અમે આજે જવાના હતા તે જાણીને ફ્રાન્સીસ ડિકોસ્ટા અમને મળવા આવ્યો. અને અમને સફર માટે શુભેચ્છા આપી.

Seagull Restaurant
Seagull Restaurant

બ્રેકફાસ્ટ કરીને અમે બધો સામાન રૂમમાંથી ખાલી કરાવી રીસેપ્શન કાઉન્ટર પાસે બેઠા. ૧૧.૦૦ વાગ્યે અમારે નીકળવાનું હતું. અમારા હાથ પરથી લીલા રંગનો Wrist Band કાઢી લેવાયો. ૧૧.૦૦ વાગ્યે અમે ગાડીમાં ગોઠવાયા અને Dona Sylvia અને Cavelossim Beachને આવજો કહીને ગોવા એરપોર્ટ જવા નીકળ્યા. લગભગ ૪૫ મિનીટના ડ્રાઈવ પછી ગોવા એરપોર્ટ પર પહોંચ્યા. બેગનું ચેકિંગ કરાવ્યું અને અમારું ચેકિંગ પણ કરાવ્યું. હવે હેન્ડબેગ બાકી હતી. બાકી બધાની હેન્ડબેગ તો ફટાફટ ચેક થઈ ગઈ પણ મારી બેગ અટકાવાઈ. ફળ વગેરે કાપવા માટે મેં હેન્ડબેગમાં નાનકડું ચપ્પુ રાખ્યું હતું તેનો વાંધો હતો. મેં ચપ્પુ કાઢીને સિક્યુરીટી ઓફિસરને આપી દીધું. ત્યારે મને આગળ વધવાની લીલી ઝંડી મળી. અમારે C2 ગેઈટથી જવાનું હતું. એટલે પહેલા માળે પ્રતીક્ષાખંડમાં જઈ ગોઠવાયા. અમારી Indigo Flight No. 6E 275નો ઉપડવાનો સમય ૧૩.૪૫નો હતો. મુંબઈથી Indigoનું વિમાન મુસાફરોને લઈને આવ્યું. અને તમામ મુસાફરો ઉતર્યા તે પછી થોડીવાર રહીને અમને વિમાન તરફ પ્રસ્થાન કરવા જણાવાયું. વિમાન નજીકમાં જ હતું એટલે ચાલીને જ ત્યાં લઈ જવામાં આવ્યા. અને અમે વિમાનમાં ચઢ્યા. મારી સીટ બારી પાસે હતી. બીજી બે ફ્લાઈટ આવવાનો સમય થયો હોવાથી રન-વે ખાલી ન્હોતો. થોડીવાર રાહ જોવી પડી. બન્ને ફ્લાઈટ આવી ગઈ એટલે Indigoએ મુંબઈ તરફ ઉડાન ભરી. મને બારીમાંથી જોવાની બહુ મજા પડી. સૂર્યના પ્રકાશમાં ચમકતું દરિયાનું પાણી ખૂબ જ સરસ દેખાતું હતું. વાદળોની ઉપર જ્યારે વિમાન પહોંચ્યું ત્યારે વાદળો હિમાલયની પર્વતમાળા જેવા દેખાતા હતા. મેં મારા મોબાઈલથી ફોટોગ્રાફસ લીધા. ૫૦ મિનીટની હવાઈ સફર બાદ અમે મુંબઈ પહોંચ્યા.

Goa Airport-1
Goa Airport-1
Goa Airport-2
Goa Airport-2
Goa Airport-3
Goa Airport-3

ત્રીજો પડાવ(Continue-3)

જાન્યુઆરી ૯, ૨૦૦૯

આજે ભોજન બાદ રીસોર્ટ તરફથી half day sight seeing નો કાર્યક્રમ હતો. જમીને ૨.૦૦ વાગ્યે રીસોર્ટની ગાડીમાં નીકળ્યા. સૌ પ્રથમ પોન્ડા તાલુકાના Kavlem મુકામે શાંતા દુર્ગા મંદિરમાં ગયા. ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમાજના લોકો માટે આ મંદિર ઘણું મહત્વનું છે. મંદિરમાં અમારા સિવાય ખાસ કોઈ ન્હોતું. અમે શાંતિથી દર્શન કર્યા. મંદિરના ગર્ભગૃહમાં ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ હતી. અમે બહારથી જ મંદિરના ફોટોગ્રાફ્સ લીધા.

Shanta Durga Temple-1
Shanta Durga Temple-1
Shanta Durga Temple-2
Shanta Durga Temple-2

ત્યાંથી અમે Old Goaના સંત ફ્રાન્સીસ ઝેવીયર ચર્ચ તરફ પ્રયાણ કર્યું. અહીં પ્રાર્થનાખંડમાં સંત ફ્રાન્સીસ ઝેવીયરના દેહાંશ રાખવામાં આવ્યા છે. ઉપરના માળે ચિત્રો, મૂર્તિઓ વગેરેનું પ્રદર્શન હતું. જે અમે જોયું. હું ધોરણ ૭માં ભણતી હતી ત્યારે દક્ષિણ ભારતના પ્રવાસ દરમ્યાન ગોવાની મુલાકાત લીધી હતી અને ત્યારે આ ચર્ચની પણ મુલાકાત લીધી હતી તે સ્મરણો તાજા થયા.

Chapel of St. Francis Xavier-1
Chapel of St. Francis Xavier-1
Chapel of St. Francis Xavier-2
Chapel of St. Francis Xavier-2
Chapel of St. Francis Xavier-3
Chapel of St. Francis Xavier-3

ચર્ચ જોઈને અમે પણજી પહોંચ્યા. ડ્રાઈવરે અમને સાંજે Mandovi river પર cruiseમાં જવા માટે સૂચન કર્યું. અમે બધાએ તે માટે તૈયારી બતાવી. અમારું બુકિંગ કરાવીને ડ્રાઈવરે અમને શોપિંગ માટે થોડો સમય આપ્યો. કાજુની ખરીદી તો થઈ ગઈ હતી એટલે અમે સ્થાનિક બનાવટની વસ્તુઓ શોધવા માટે થોડું રખડ્યા. પણ એવું કંઈ અમને મળ્યું નહીં. Cruiseમાં અમારે ૬.૦૦ થી ૭.૦૦ સુધી જવાનું હતું. ૫.૪૫ વાગ્યે અમે ત્યાં પહોંચી ગયા અને cruiseમાં ગોઠવાયા. ૬.૦૦ વાગ્યે સંગીતના સૂરો સાથે cruise ઉપડી. ફિલ્મી ગીતો અને કોંકણી ગીતો પર ડાન્સ થયા. કોંકણી ગીતો પર ત્યાંના કલાકારો એ જ ડાન્સ રજૂ કર્યા. જ્યારે ફિલ્મી ગીતો પર ડાન્સ કરવા માટે એનાઉન્સરે cruiseમાં બેઠેલા પર્યટકોને આમંત્ર્યા. મ્યુઝિક અને ડાન્સના આ કાર્યક્રમની સાથે સાથે એનાઉન્સર આજુબાજુના સ્થળો અને ઈમારતોની જાણકારી પણ આપતો હતો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. વાતાવરણ ખૂબ જ સરસ હતું.

Cruise on Mandovi River-1
Cruise on Mandovi River-1
Cruise on Mandovi River-2
Cruise on Mandovi River-2

મેં થોડા ફોટોગ્રાફ્સ લીધા. કોંકણી ડાન્સ શરૂ થયો ને મેં વિડિયો લેવાનો પ્રયાસ કર્યો ત્યાં કેમેરામાં Memory fullનો મેસેજ આવ્યો. એ તો સારું હતું કે મારી પાસે સંકટ સમયની સાંકળ સમાન મારો મોબાઈલ હતો. મેં મોબાઈલથી વિડિયો ઉતાર્યા અને ફોટોગ્રાફ્સ લીધા. બરાબર ૭.૦૦ વાગ્યે cruise કિનારે પરત ફરી. અમે Dona Sylvia જવા માટે ગાડીમાં બેઠા. સવા કલાકના એક્ધારા ડ્રાઈવ બાદ અમે રીસોર્ટ પર પહોંચ્યા.

રીસોર્ટ પર રાત્રિના ભોજન માટે Seagull Restaurant બંધ હતું. Open Air Theme Restaurant Haystack” માં લાઈવ બેન્ડ સાથે આજે બધાનું કેન્ડલ લાઈટ ડીનર હતું. અમે સીધા ત્યાં ગયા અને Dona Sylviaમાં છેલ્લા ભોજનનો લ્હાવો લીધો.

( કોઈ કોઈ ફોટોગ્રાફ્સમાં તારીખ અને વર્ષ ખોટા આવે છે તે બદલ દિલગીર છું. )

ત્રીજો પડાવ(Continue-2)

જાન્યુઆરી ૮, ૨૦૦૯

સવારે ૮ વાગ્યે Dolphin Chase માટે જવાનું હતું. તે પહેલા બ્રેકફાસ્ટ પતાવી અમે સૌ રીસેપ્શન કાઉન્ટર પાસે ભેગા થયા. જે કિનારા પરથી બોટમાં બેસવાનું હતું તે રીસોર્ટથી એક કિલોમીટર દૂર હતો. અમને પગપાળા લઈ જવામાં આવ્યા. કિનારે અમારા માટે બોટ તૈયાર હતી. સૌ બોટમાં બેસીને ડોલ્ફીનને જોવા માટે નીકળ્યા. બોટ દરિયામાં આગળ વધતી રહી પણ ડોલ્ફીન ક્યાંય દેખાતી ન્હોતી. બોટવાળો બોટને દરિયામાં ઘણે આગળ સુધી લઈ ગયો. ત્યાં અચાનક એક ડોલ્ફીન નજરે ચઢી. બોટને ત્યાં જ અટકાવી દીધી જેથી બોટના અવાજથી ડોલ્ફીન બહુ દૂર નીકળી ના જાય. ત્યાં ઘણી ડોલ્ફીન હતી. પણ તરવામાં એકદમ ચપળ. પાણીમાં ક્યારે ક્યાં નીકળે તે ખબર ના પડે. નજર તેજ રાખીને જોવું પડે તો જ એના દર્શન થાય. ફોટોગ્રાફસ લેવા માટે બધા એ ખૂબ પ્રયત્નો કર્યા પણ તે શક્ય ન બન્યું. કેમેરાનું બટન દબાવો ત્યાં તો ડોલ્ફીનરાણી પાણીમાં ગરક થઈ જાય. જો કે આંખોના કેમેરામાં કેદ થઈ એટલે ફોટોગ્રાફ્સ ન લઈ શકાયાનો કોઈ અફસોસ ન્હોતો. અમારી બોટ ૧૦.૦૦ વાગ્યે કિનારા પર પાછી વળી. અને અમે રીસોર્ટ પહોંચ્યા. બપોરના ભોજન સુધી બીજો કોઈ પ્રોગ્રામ ન હતો. મારે ક્યાંય પણ જવાનું થાય તો મારી સાથે મારા હંમેશના સાથી પુસ્તકો હોય જ છે. રૂમ પર જઈને મેં પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ( પુસ્તક અંગેની માહિતી મને ગમતું પુસ્તક વિભાગમાં આપીશ)

સવારે રીસોર્ટના એક સ્ટાફ મેમ્બરને અમે કાજુ ક્યાં મળશે તે વિશે પૂછ્યું હતું. અમારે મુખ્ય ખરીદી કાજુની જ કરવાની હતી. એણે અમને કહ્યું કે કાજુ લેવા હોય તો મડગાંવ જવું પડે. સૌથી મોટી સાઈઝના કાજુનો ભાવ ૪૮૦/- રૂ. કિલો કહ્યું. એ ઘણાં વિદેશી પર્યટકોને મડગાંવથી કાજુ લાવી આપતો હતો. આવવા જવાનો ખર્ચ ૧૫૦/- રૂ. એને અલગથી આપવા પડતો હતો.

આમ તો અમને બીજા દિવસે પણજી લઈ જવાના હતા. પણ ત્યાં કદાચ ખરીદી કરવાનો સમય મળે કે ના પણ મળે. એટલે મેં અને મામીએ મડગાંવ જઈને કાજુ ખરીદવાનું નક્કી કર્યું. બપોરે ૧.૦૦ થી ૪.૦૦ વાગ્યા દરમ્યાન મડગાંવનું બજાર બંધ રહેતું હતું. રીસોર્ટવાળા ક્યાંય પણ જવા માટે વાહનની સગવડ કરી આપતા હતા. પણ તે ઘણું મોંઘુ હતું. હું અને મામી ૩.૩૦ વાગ્યે રીસોર્ટની બહાર નીકળ્યા. થોડીવાર ઉભા રહ્યા ત્યાં લોકલ બસ આવી અને અમે તેમાં બેસી ગયા. બસમાં કન્ડક્ટર ન્હોતો. જે પેસેન્જર ઉતરે તે ડ્રાઈવરને પૈસા આપીને ઉતરે. થોડા સ્ટોપ ગયા પછી કન્ડક્ટર બસમાં ચઢયો. બસમાં ટીકીટ આપવાની પ્રથા ન્હોતી. અને બસમાં ઘંટડી પણ ન્હોતી. બસને અટકાવવા કે ચલાવવા કન્ડકટર સીસોટી જેવો અવાજ કાઢતો હતો. જે ઘણું રમુજી હતું. અમે બે ટીકીટના ૨૦ રૂ. આપ્યા. મડગાંવના માર્કેટ બસ સ્ટોપ પર અમે ઉતર્યા. અને પાછા વળતી વખતે બસ કઈ જગ્યાએથી મળશે તે કન્ડક્ટરને પૂછી લીધું.

જે વિસ્તારમાં ઉતર્યા તે વિસ્તારમાં કાજુની કોઈ દુકાન નજરે ન ચઢી. ચાલતા ચાલતા આગળ વધ્યા. એક ગલીમાં થોડી દુકાનો દેખાતી હતી એટલે તે તરફ વળ્યા. પણ ત્યાં મોટેભાગની દુકાનો કાપડની હતી. ફૂટપાથ પર એક બહેન ઉભા હતા તેને અમે પૂછ્યું તો એણે અમને એક માર્કેટ બતાવી. જેમાં શાકભાજી, ફળો, અનાજ-કરીયાણું વગેરે બધું જ મળતું હતું. માર્કેટના ચાર દરવાજા હતા અને અંદર સાંકડી સાંકડી ગલીઓમાં અસંખ્ય દુકાનો હતી. પહેલા થોડીવાર તો અમે માર્કેટમાં ફર્યા. પણ ગલીઓ ભૂલભૂલામણી ભરેલી હતી. જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં જ પાછા આવી જતા.

સૌથી પહેલા જે દુકાને ગયા તે દુકાનદારે અમને સારી માહિતી આપી. એણે કહ્યું કે અહીં ગોવા સિવાયના અન્ય પ્રદેશોના પણ કાજુ મળે છે. એટલે બીજા પ્રદેશના કાજુ લઈને છેતરાઈ ના જતા. અમે વધારે કાજુ ખરીદવાના હતા એટલે એણે અમને ભાવ વ્યાજબી કરી આપવા કહ્યું. પણ એની પાસે તરત કાજુ ન લઈ લેતાં અમે માર્કેટની બીજી દુકાનોની મુલાકાત લીધી. એ ભાઈની વાત સાચી હતી. ત્યાં મહારાષ્ટ્રના કાજુ પણ મળતા હતા. ઘણી દુકાનોમાં કાજુ જોયા અને ભાવ પૂછ્યા પણ કંઈ મેળ ન પડ્યો. પહેલા જે દુકાને ગયા હતા ત્યાંજ ફરીવાર ગયા. મામીએ સૌથી મોટી સાઈઝના કાજુ લીધા જે ૩૫૦/- રૂ. કિલો મળ્યા. અને મેં રેગ્યુલર સાઈઝના કાજુ લીધા જે મને ૩૦૦/- રૂ. કિલો મળ્યા. કાજુ લઈ કામત હોટલ પાસેથી Dona Sylvia જવા માટે બસ પકડી.

અમે Dona Sylvia હોંચ્યા ત્યારે અમારા પરિવારજનો દરિયાકિનારે જવા માટે નીકળતા જ હતા. અમે પણ તેમની સાથે જોડાયા.

ત્રીજો પડાવ(continue-1)

 

ડીશ લઈને આખા રેસ્ટોરન્ટમાં ફરી આવી પણ શું લેવું ને ક્યાંથી શરૂઆત કરવી તે સમજાયું નહીં. અનેક જાતના સૂપ, સલાડ અને શાક, રોટી-નાન, ભાત-પુલાવ, દાળ, પાસ્તા, જ્યુશ અનેક પ્રકારની મીઠી વાનગીઓ, આઈસ્ક્રીમ..અને એવી બધી અનેક વાનગીઓ અને બીન-શાકાહારી વાનગીઓનો અલગ વિભાગ પણ ખરો. બધાને જે અનુકૂળ આવ્યું તે લઈને બેઠા. અમને નવા આવેલા જોઈને Seagull Restaurantનો મેનેજર ફ્રાન્સીસ ડિકોસ્ટા તરત અમને મળવા માટે આવ્યો. અને ભોજન બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો જણાવવા કહ્યું. નાન ચાવવામાં મમ્મી-પપ્પાને તકલીફ પડતી હોવાથી અમે ઘઉંની રોટલીની ફરમાઈશ કરી. થોડી વારમાં તો એણે અમારા ટેબલ પર ઘઉંની રોટી મૂકી દીધી. Buffet Dinner હતું તો પણ વેઈટરો સતત સર્વિસમાં હાજર હતા. અને જેને જે જોઈએ તે અને જેટલું જોઈએ તેટલું આપતા હતા. અમે બરાબર જમી લીધું.

 

Our Cotaage-1
Our Cotaage-1

 

My Room-Ground Floor
My Room-Ground Floor

 

Veranda
Veranda

 

તે દરમ્યાનમાં અમારા ત્રણે રૂમ તૈયાર થઈ ગયા હતા. રીસોર્ટ ૨૬ એકરમાં ફેલાયેલું છે. બેટરીથી ચાલતી cartમાં બેસાડીને રીસેપ્શનીસ્ટ અમને અમારા કોટેજ સુધી દોરી ગઈ. અમારા કોટેજમાં ચાર રૂમ હતા. બે ભોંયતળિયે અને બે પહેલા માળે. નીચે મારા પરિવારનો રૂમ હતો. અને ઉપરનો એક રૂમ મામા-મામીનો અને બીજો રૂમ દેવેશ-દેવાંગનો હતો. શિરડીથી નીકળ્યા ત્યારથી સતત સફરમાં હતા. અહીં સરસ વ્યવસ્થા જોઈને બધાએ બપોરના સમયે થોડો આરામ કર્યો.

સાંજે તૈયાર થઈને પુલ સાઈડ રેસ્ટોરન્ટ “Mama Mia”માં ચા-કોફી અને થોડો નાસ્તો કરી દરિયાકિનારે ઉપડ્યા. રીસોર્ટ ગોવાના Cavelossim Beach પર આવેલું છે. અને એકદમ દરિયાકિનારે જ છે. ભરતીનો સમય હતો. હું, મામી અને દેવાંગ થોડો સમય પાણીમાં ઉભા રહ્યા. સૂર્યાસ્તનો સમય હતો…સૂરજ ધીમે ધીમે ડૂબી રહ્યો હતો અને સાથે આકાશનો રંગ પણ બદલાઈ રહ્યો હતો. કિનારા પર ખાસ ભીડ ન હતી અને કિનારો એકદમ ચોખ્ખો હતો. રેતી એક્દમ મુલાયમ પાવડર જેવી અને સફેદ રંગની. સૂર્યાસ્ત થયો પછી અમે પાછા રીસોર્ટમાં આવ્યા. રીસોર્ટની સામે ઘણું મોટું શોપિંગ સેન્ટર હતું. ગોવાની બનાવટની વસ્તુઓ ખરીદવાની ઈચ્છા હતી. એટલે શોપિંગ સેન્ટરમાં ગયા. પણ ત્યાં ગોવાનું તો કંઈ જ મળતું ન હતું. મોટેભાગે કાશ્મીરી બનાવટની દુકાનો વધારે હતી. કાશ્મીરમાં આતંકવાદ વધ્યો પછી મૂળ ત્યાંના લોકો ધંધા-રોજગાર માટે બીજા પ્રદેશોમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. વિદેશી પર્યટકોને માટે જ આ શોપિંગ સેન્ટર હતું એવું લાગ્યું. કારણ કે બધી વસ્તુઓના ભાવ ખૂબ જ હતા.

 

Kebab & Kurries
Kebab & Kurries

 

Dinner માટે આમ તો અમને રોજ Seagull Restaurant માં જ ખાવાની પરવાનગી હતી. પણ રીસોર્ટ તરફથી અમને રીસોર્ટની બીજી બે રેસ્ટોરન્ટના ગેસ્ટ પાસ આપવામાં આવ્યા હતા. જેમાં અગાઉથી જાણ કરીને એક દિવસ “Kebabs & Kurries”માં અને એક દિવસ “Mama Mia”માં સાંજનું ભોજન કરવાની છૂટ હતી. મામાએ બપોરે જ “Kebabs & Kurries”માં અમારું ટેબલ રીઝર્વ કરાવ્યું હતું. અહીં સવારના ભોજન જેવી વિવિધતા ન્હોતી. ઓર્ડર આપ્યા પછી પણ તે લાવતાં ઘણો વાર લગાડ્યો. “Kebabs & Kurries”ની બાજુમાં Open Air Theme Restaurant-Haystack”માં લાઈવ બેન્ડ અને આતશબાજીનો કાર્યક્રમ ચાલતો હતો. પણ અમે બધા તો રૂમ ભેગા થયા.  

ત્રીજો પડાવ

જાન્યુઆરી ૭, ૨૦૦૯

 

સવારે અમે ઉઠ્યા ત્યારે ટ્રેન કોંકણમાં પ્રવેશી ચૂકી હતી. હજુ અમારું સ્ટેશન આવવાને ઘણી વાર હતી એટલે બારી પાસે બેસીને ગોવાના રમણીય પ્રદેશને જોતા રહ્યા. CSTથી અમારા કમ્પાર્ટમેન્ટમાં ત્રીસેક જેટલા યુવક-યુવતિઓનું આખું ગ્રુપ પણ ચઢ્યું હતું. આઠ-સાડા આઠે તે બધા ઉઠ્યા અને તૈયાર થવા ધમાચકડી મચાવી દીધી. Thivim  સ્ટેશને એ આખું ગ્રુપ ઉતરી ગયું. ત્યાર પછી થોડી શાંતિ થઈ. કારણ કે રાત્રે પણ મોડે સુધી એ બધા વાતો કરતા હતા. આજુબાજુ નાળિયેરીના વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળ્યા. ગોવા વિશે ટૂંકમાં કહેવું હોય તો… નાળિયેરીના વૃક્ષો, દરિયો અને ચર્ચ. બધું જ પુષ્કળ પ્રમાણમાં. ૧૦.૪૫ એ મડગાંવ સ્ટેશન આવ્યું. મડગાંવને ત્યાંના લોકો મારગાંવ કહે છે.

 

સામાન લઈ મડગાંવ સ્ટેશનના મુખ્ય દ્વાર પર પહોંચ્યા. ત્યાં અમને લેવા માટે અમારી હોટલ Dona Silviya-Beach Resort”  નો માણસ આવ્યો જ હતો. એણે અમને બધાને રીસોર્ટની ગાડીમાં બેસાડ્યા અને અમે Dona Silviya” તરફ પ્રસ્થાન કર્યું. રસ્તાઓ સાંકડા હતા પણ ઉબડખાબડ વગરના. અને ટ્રાફિક ઘણો જ ઓછો. રસ્તામાં ઘણાં ગામડાઓ આવતા ગયા. આખા રસ્તે અમે જોયું તો ઘણાં બધા ચર્ચ જોવા મળ્યા જ્યારે મંદિર માત્ર એક જ જોવા મળ્યું. નાતાલ અને નવું વર્ષ હમણાં જ ગયું હતું એટલે બધાના ઘરો લાઈટ અને કંડીલ વડે શણગારેલા હતા. ઘરો ઉંચા માળવાળા કે એપાર્ટમેન્ટ જેવા ખાસ ન્હોતા. જૂની ઢબના પારસીઓના ઘરો જેવા મને લાગ્યા.

 

Dona Sylvia-1
Dona Sylvia-1

 

૪૫ મિનિટના ડ્રાઈવ પછી અમે રીસોર્ટ પર પહોંચ્યા. લીંબુના શરબતથી અમારું સ્વાગત કરાયું. બુકિંગ તો અગાઉથી મેં કરાવ્યું જ હતું. પરંતુ અમારા ત્રણ રૂમ તૈયાર ન્હોતા એટલે અમને થોડી રાહ જોવા માટે કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં અમને અમારા પેકેજ વિશે રીસેપ્શન કાઉન્ટર પરથી માહિતી આપવામાં આવી. પેકેજ અનુસાર અમે બધી સુવિધાઓ સરળતાથી માણી શકીએ તે માટે બધાને લીલા રંગનો Wrist Band બાંધવામાં આવ્યો.

 

untitled-2-copy

 

અમારા પેકેજમાં Seagull Restaurant”માં Buffet meals (01 Breakfast, 01 Lunch & 01 Dinner per  night stay) અને  રીસોર્ટના ત્રણ બારમાં સવારે ૧૧.૦૦ વાગ્યાથી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી Unlimited Alcoholic & Non Alcoholic beverages સામેલ હતું. રૂમ હજુ તૈયાર ન્હોતા થયા. અને Seagull Restaurant બપોરના ભોજન માટે ખૂલી ચૂક્યું હતું એટલે અમે પહેલા તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

Dona Sylvia-2
Dona Sylvia-2

More Photographs

 

ફોટોગ્રાફ્સ ઘણાં મિત્રોને ગમ્યા છે એટલે બીજા પડાવ સુધીના વધુ ફોટોગ્રાફ્સ મૂકું છું.

Way to Shirdi-3
Way to Shirdi-3
Hawaldaar-who demand money from our vehicle driver
Hawaldaar-who demand money from our vehicle driver
CST(Chhatrapati Shivaji Terminus)
CST(Chhatrapati Shivaji Terminus)
No security-Back side of CST
No security-Back side of CST