Tag Archive | ગુજરાતી કવિતા

તો નહીં પડે ?-ભાવિન ગોપાણી

ખુશીની વાતમાં દુ:ખની અસર તો નહીં પડે ?

પડે વરસાદ ત્યારે કોઈ ઘર તો નહીં પડે ?

.

હતો કેવો તબક્કો એકતરફી પ્રેમનો,

સતત ચિંતા હતી, એને ખબર તો નહીં પડે ?

.

હલાવો વૃક્ષની ડાળી કે ફેંકો પથ્થરો,

મરણનું ફળ કદી પાક્યાં વગર તો નહીં પડે.

.

તને જોઈ ઉદાસી આંખમાં મૂકી દીધી,

હતો વિશ્વાસ ત્યાં તારી નજર તો નહીં પડે ?

.

બને નાનો કે મોટો પેગ કરજે માફ મિત્ર,

અમારાથી હવે કંઈ માપસર તો નહીં પડે.

.

( ભાવિન ગોપાણી )

જ્યાં લઈ જાય, જાવું છે!-લલિત ત્રિવેદી

સબરબત્તીની ઝીણી સેર, જ્યાં લઈ જાય, જાવું છે!

ખડાઉમાંથી ઝરતી ખેર, જ્યાં લઈ જાય, જાવું છે.

.

મુખોમુખ કરવાને દરસન નયન થૈ ગ્યાં છે તિરથાટન,

ઝુરાપા, થાજે મારી ભેર, જ્યાં લઈ જાય, જાવું છે.

.

ઉકેલીને ફલક ફંદા બની જાશું અમે બંદા,

કે ઝેરીલું કરીને જેર, જ્યાં લઈ જાય, જાવું છે.

.

ગઝલનો ભેષ લૈને હું નિરખ્ખર થાવા નીકળ્યો છું,

હે શ્યાહી! તારી શ્યામળ મ્હેર, જ્યાં લઈ જાય, જાવું છે.

.

હો ગરવી ટૂક કે મણકા થયેલા ટેરવાની ટોચ,

હે મેરુ! આભઊંડો મેર, જ્યાં લઈ જાય, જાવું છે.

.

લલિતી ભેષ, નીરખી લે, છે પાણો પણ ત્યાંય દેરીમય,

કે ટગલી ટૂકની નાઘેર, જ્યાં લઈ જાય, જાવું છે.

.

( લલિત ત્રિવેદી )

તો તમે રાજી ?-રિન્કુ રાઠોડ “શર્વરી”

નામ, રસ્તો ને નગર છોડી દઈએ, તો તમે રાજી ?

હોય ઈચ્છા તોય પાછા ના વળીએ, તો તમે રાજી ?

.

આપણા કિસ્સા વિશે કંઈ જાણવા ચાહે અગર કોઈ,

રણ, હરણ ને ઝાંઝવાં-એવું કહીએ, તો તમે રાજી ?

.

દિલ તમે તોડી શકો નૈં, એવું માને છે અહીંયાં સહુ,

જો અમે એ વાતમાં ખોટા પડીએ, તો તમે રાજી ?

.

મૃત્યુથી મોટી સજા આપી તમે એવું કહેવાશે,

તો હવેથી એકલાં જીવ્યાં કરીએ, તો તમે રાજી ?

.

હક જતાવી માંગ્યું પહેલીવાર કૈં, એમાં અમે રાજી,

હા, હવે રાજી થવું છોડી દઈએ, તો તમે રાજી ?

.

( રિન્કુ રાઠોડ “શર્વરી” )

આ કવિતા એમના માટે-બ્રિંદા ઠક્કર

જે મને વખોડયા કરે છે,
વાતે વાતે સંતાપ્યા કરે છે,
જોઈતું નહિ આપીને –
સતત રઝળાવ્યા કરે છે..

આ કવિતા એમના માટે !

જે સતત આરોપો લગાવ્યા કરે છે,
સાંકળપણું જતાવ્યા કરે છે,
કશું જ નહીં બોલીને –
સતત સંભળાવ્યા કરે છે..

આ કવિતા એમના માટે !

જે દૂરથી સાદ પાડ્યા કરે છે,
રસ્તાઓ સંતાડયા કરે છે,
બધું જ બધું આપીને –
સતત કહેવડાવ્યા કરે છે..

આ કવિતા એમના માટે !

ને લખું નહિ તો બીજું કરું શું??

શબ્દો આપીને જે શબ્દાર્થ છીનવ્યા કરે છે…

આ કવિતા એમના જ માટે !!!

( બ્રિંદા ઠક્કર )

તમોને એમ કે-વિકી ત્રિવેદી

તમોને એમ કે જે ચૂપ છે તેઓ ઠરેલાં છે,
હકીકતમાં ગળામાં એમના ડૂમા ભરેલા છે.
.
આ પાપીઓ સુખી કોઈ જુદી રીતે થયા છે દોસ્ત,
નહિતર હાય બે ત્રણ પાપ તો મેં પણ કરેલાં છે.
.
કાં તો નાદાન બાળક કાં અશિક્ષિત છે પ્રભુ મારો,
જે રીતે એણે મારા ભાગ્યમાં લીટા કરેલા છે.
.
બિચારો કૂતરાઓથી લડીને માંડ પહોંચ્યો મોર,
ને ઢેલે કીધું જાઓ આપનાં પીંછા ખરેલા છે.
.
હસું તો હોઠને દેખીને લાગે છે મને એવું,
કે જાણે ફૂલડાં કોઈ કબર પર પાથરેલાં છે.
.
વિના ટેકે હું પહોંચ્યો તો ઘણાને યાદ આવી ગ્યું,
આ સ્થાને આવવા માટે એ ક્યાં ક્યાં કરગરેલા છે?
.
હવે એ બિંદુ લાગે છે હતા પર્વત સમાં જે સુખ,
સુખો નાના થયા કે મુજ વિચારો વિસ્તરેલા છે?
.
( વિકી ત્રિવેદી )

ઘણી ખમ્મા!-હર્ષા દવે

શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા!
તળેટીનો ખૂણો અજવાળનારાને ઘણી ખમ્મા!
.
હલેસા મારવાનાં જોમથી વાકેફ થવાયું છે,
મને મઝધાર માં છોડી જનારાને ઘણી ખમ્મા!
.
પગરખાં પહેરવા મળતા નથી – સંજોગવશ જેને,
બધાં એ સ્થિર ડગલાં માંડનારાને ઘણી ખમ્મા!
.
છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે,
ચીવટથી એમ દોરી બાંધનારાને ઘણી ખમ્મા!
.
હતો વાકેફ તો મારી થનારી હારથી એ પણ,
અહો! છેવટ સુધી પડકારનારાને ઘણી ખમ્મા!
.
( હર્ષા દવે )

आषाढस्य प्रथम दिवसे-લાલજી કાનપરિયા

વરસે કોના સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

.

મોરપીંછના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું?
ભીના ભીના ટહુકાની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आषाढस्य प्रथम दिवसे..
વરસે કોના સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

.

હસ્તરેખાઓ બધીય જળના રેલા થઈને વહી જાય અચાનક આજે
મેઘધનું શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે..
લોહી સોંસરો ઉઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
વરસે કોના સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

.

( લાલજી કાનપરિયા )

અષાઢસ્ય પ્રથમ દિવસે-નિશિ સિંહ

ચાર ચાર મહિના તર ગાજે !
બીજ અષાઢી ભીતર ગાજે !

.

ગાજે મેઘાડંબર ગાજે !
મેઘદૂતમ તણા જર ગાજે !

.

ઓકળીયું અકળાય સજનવા,
વીજલડીનાં મંતર ગાજે !

.

કાલિદાસીય ખંડકાવ્યનાં,
શૃંગારોની જંતર ગાજે !

.

ઊંઘુ – જાગું, જાગું – ઊંઘુ,
ગૂંથી વેણીનાં સ્વર ગાજે !

.

મેઘ મલ્હાર, ઘટા ઘનઘોર,
પાંખે પંખીની ડર ગાજે !

.

શામળિયો તો ગોકુળિયે ને,
નખશિખ મોરે હરિવર ગાજે !

.

( નિશિ સિંહ )

મને ચડી ગઈ-દાન વાઘેલા

મને ચડી ગઈ રોમ-રોમ ટાઢ !

ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહીં-

ઓચિંતો ત્રાટક્યો આષાઢ !

મને ચડી ગઈ…

.

ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ

છતાં ચાલી હું મીણ જેમ પીગળી !

માઝમની રાતે આ મન એવું મૂંઝાણું:

જાણે કે વીંંટળાતી વીજળી !

.

કોને ખબર છે કે ગામ આખું કોરું

પણ ડૂબ્યાં આ મેડી ને માઢ !

મને ચડી ગઈ…

.

દરિયાનાં મોજાં તો માપી શકાય

અરે ! ફળિયાની ફાળ કેમ માપવી ?

સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને

શેરીમાં કોને જઈ આપવી ?

.

રુદિયામાં ફુવારા ફૂટે છે

જાણે કે પિલાતો શેલડીનો વાઢ !

મને ચડી ગઈ…

.

( દાન વાધેલા )

કરો ખમૈયા કરો-કૃષ્ણ દવે

કરો ખમૈયા કરો
મહાકાળના કાળ તમે વિકરાળ રૂપ કાં ધરો ?
કરો ખમૈયા કરો
તમે જ ફૂંક્યા હતા દેહમાં પ્રાણ તમે કાં હરો ?
કરો ખમૈયા કરો
.
કેમ અમારું દુઃખ નજરમાં નથી આપને ચડતું ?
પ્રાણવાયુને માટે જીવન જ્યાં ને ત્યાં તરફડતું !
કોઈ ઝાડ ક્યાં કહે પર્ણને ભર વસંતમાં ખરો
કરો ખમૈયા કરો
.
નથી કોઈને માંગ્યો મળતો એક ઉછીનો શ્વાસ
તમે જ બોલો કોના પર એ મૂકે હવે વિશ્વાસ ?
અરે આટલા ક્રૂર બની આ ધરતી પર ના ફરો
કરો ખમૈયા કરો
.
તમે જ સૌથી વધુ લૂંટો છો જીવનરસનો લ્હાવો
તમે જ એ બૂઝાતી આંખે દીવો ફરી પ્રગટાવો
હે કરુણામય ક્રોધ ત્યજી આનંદ રૂપે અવતરો
કરો ખમૈયા કરો
.
( કૃષ્ણ દવે )