Tag Archive | ગુજરાતી કવિતા

ગુરુ-દેવાયત ભમ્મર

ગાજતો મેઘ મારો ગુરુ છે.
ને ગહેંકતો મોર મારો ગુરુ છે.

ગગન ભેદી લડતાં શીખવે.
આ અષાઢી તોર મારો ગુરુ છે.

મને જે સપનાં સમેત ઉઠાડે.
એ ભરેલો ભોર મારો ગુરુ છે.

ઓછપમાં મારે કેમ ઉછરવું?
લે લીલેરો થોર મારો ગુરુ છે.

આફળી ઝબૂકે જ્ઞાન વિજળીયા,
ને ઘટા ઘનઘોર મારો ગુરુ છે.

સૂર્ય, ચંદ્ર, તારા, પવન, ગગન.
એક કૂંપળની કોર મારો ગુરુ છે.

ઉઠે અવાજ ભભૂકી અંદરથી,
એ આત્મ અઘોર મારો ગુરુ છે.

એક બાળક મને ટોકી શકે,
તો સ્નેહની ટકોર મારો ગુરુ છે.

કાળની થપાટ ન ડગાવી શકે.
સિંહણના નહોર મારો ગુરુ છે.

અભાવ છતાં ‘દેવ’થી ન યાચે,
એ સુદામો ગોર મારો ગુરુ છે.

તડકો,છાંયો,ભડકો,હો શાંતી,
સવાર,સાંજ બપોર મારો ગુરુ છે.

‘દેવ’ પોતે પોતાનો તો છે જ,
કૃષ્ણ આંઠે પહોર મારો ગુરુ છે.

( દેવાયત ભમ્મર )

જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે! વહાલમાં…-વિવેક ટેલર

જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે! વહાલમાં…

મારી આંખોની પાર નથી એક્કે કવિતા, મારી આંખોમાં આંખ તું પરોવ મા,
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

આંખોમાં આંખ અને હાથોમાં હાથ હવે લાગે છે થોડું આઉટડેટેડ,
વ્હૉટ્સએપ ને ફેસબુક છે લેટેસ્ટ ફેશન, બેબી ! એનાથી રહીયે કનેક્ટેડ.
વાઇબર કે સ્કાયપી પર મેસેજ કરીને નેક્સ્ટ મિટિંગ રાખીશું આજકાલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

ડેઇલી મૉર્નિંગમાં હું સ્માઇલી મોકલાવીશ, તું બદલામાં કિસ મોકલાવજે,
‘લાસ્ટ સીન’ સ્ટેટસમાં અંચઈ નહીં કરવાની, એટલી ઑનેસ્ટી તું રાખજે.
તારી એક્કેક ટ્વિટ ફોલૉ કરું છું હુંય, એક-એક પિરિયડના દરમિયાનમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

કાગળ-પેન લઈ હું લખતો નથી કે આ છે કમ્પ્યૂટર-મોબાઇલનો યુગ,
ફૂલ અને ઝાકળ ને સાગર-શશી ને આ કવિતા-ફવિતા, માય ફૂટ !
સાથે રહી લઈશ પણ એક જ કન્ડિશન- તું તારા, હું મારા મોબાઇલમાં.
જરા ડિસ્ટન્સ તું રાખ, પ્રિયે ! વહાલમાં…

( વિવેક ટેલર )

લાગી ગયા તાળા-જયપ્રકાશ સંતોકી

રાધાએ કૃષ્ણને કાનમાં જઈ કીધું અલ્યા કર્યા તે કેવા ગોટાળા-
કે તારા મંદિરને લાગી ગયા તાળા?
ચોરી કરવાની તારી ટેવ છે જૂની, કામ તારા છે પહેલેથી જ કાળા
કે તારા મંદિરને લાગી ગયા તાળા.

 

માખણની મટકીઓ ફોડતો તું તે છતાં થાતી અમે સૌ ઈમ્પ્રેસ,
કપડા અમારા તે ચોર્યા હતા ને તોય, કર્યો ન’તો તારા પર કેસ;
ગોપીઓ સમાન ના હોય બધી ભોળી, કર્યા હશે તે કૈંક ચાળા
કે તારા મંદિરને લાગી ગયા તાળા.

 

ક્રિકેટના સટ્ટામાં હારી ગયો કે જોવા ગયો તો તું ઘોડાની રેસ,
શામળશા શેઠની ઊઠી ગઈ પેઢી કે બદલાવી નાખ્યું એડ્રેસ;
મોબાઈલના સમ તને સાચું તું બોલજે, શું કામ કર્યા છે છોગાળા?
કે તારા મંદિરને લાગી ગયા તાળા.

 

ઊઠી નથી અને ઊઠશે પણ નહીં આ શામળશા શેઠની પેઢી,
પણ ગામડા ને શે’રની, શેરી ને ગલીઓમાં ગાયું રખડે છે સાવ રેઢી;
માણસના પાપ વધ્યા તેથી તેને દૂધ નહિ પીવા પડે છે ઉકાળા.
તેથી મંદિરને લાગી ગયા તાળા.

 

( જયપ્રકાશ સંતોકી )

હોંભરજે-સુરેશ પરમાર ‘સૂર’

ચાલ તનઅ કવિતા હંભરાઉ, હખણો થૈન હોંભરજે;

ડાયો તો’તું છજ અલ્યા, પણ ડમરો થૈન હોંભરજે.

 

બાવો ‘ઓમ ઓમ’ બોલ છં, પણ તું ઈની મંઈ ના પડતો,

તું ફૂલની પોંખરિયો ઓઢી, ભમરો થૈન હોંભરજે.

 

આજ હધી તું ‘જાગો, જાગો’- એવું નહણક બોલ્યો છ;

કાલ ફરીથી હવાર પડઅ તાર, મરધો થૈન હોંભરજે.

 

ઓ પરભુ તું મારી હોમું, નંય આવઅ તો વોંધો નંય,

ઉં મંદિરમંઅ આવું તેદાડ, પથરો થૈન હોંભરજે.

 

‘સૂર’ના દરિયામંઈ માછલીઓ ઉછરી ઉછરીન ગાય ગીતો,

‘મનિયા’ જો તું બગલો છ, તો બગલો થૈન હોંભરજે.

 

( સુરેશ પરમાર ‘સૂર’ )

રામભરોસે-મધુમતિ મહેતા

ઊંડી ખીણો, ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે,

જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.

 

હોડી ને ક્યાં હલ્લેસાં ક્યાં છે સઢ ને ક્યાં બેલીડા ?

પથ્થર જેવી જાત લઈને તરવાનું છે રામભરોસે.

 

જંગલની લીલાશ બનું કે પંખીની ઉડ્ડાન ભલે,

પાન બનું કે પીછું મારું ખરવાનું છે રામભરોસે.

 

કાણી કોડી ફાટલ જૂતાં, તરસી આંખો લાંબા રસ્તા,

યાદોનો લઈ ખજાનો ફરવાનું છે રામભરોસે.

 

હું છું સપનું કે જોનારો હું પ્યાદું કે હું રમનારો,

તર્કવિતર્ક બધા છોડી દઈ રમવાનું છે રામભરોસે.

 

( મધુમતિ મહેતા )

લો અમે તો આ ચાલ્યા-શૂન્ય પાલનપુરી

રાગ કેરી પ્યાલીમાં,  ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને  આત્મ-ભાન  આપીને, લો અમે તો આ ચાલ્યા !
બુદ્ધિ કેરી વીણા પર લાગણી  આલાપીને,  લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !
સૃષ્ટિના કણેકણમાં  સૂર્ય  જેમ  વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા  કુલ  જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !
ધર્મના   તમાચાઓ,  બેડીઓ  પ્રલોભનની,  કોરડા   સમય   કેરા;
એક  મૂંગી  શ્રદ્ધાની  વેદનાઓ  માપીને,  લો અમે તો આ ચાલ્યા !
ધૈર્ય   કેરા   બુટ્ટાઓ,   પાંદડી   ક્ષમા   કેરી,   વેલ   છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !
થાય  તે  કરે  ઈશ્વર !  ભાન  થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ  વિનાના  શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !
શૂન્યમાંથી  આવ્યા’તા,  શૂન્યમાં  ભળી  જાશું,  કોણ રોકનારું છે ?
નાશ  ને  અમરતાની  શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !
( શૂન્ય પાલનપુરી )

હું તને પ્રેમ ન કરું તો-નેહા પુરોહિત

હું તને પ્રેમ ન કરું તો શું થાય ?
વાદળો વરસવાનું બંધ કરી દે ?
અચાનક તાપ વધી જાય ?
દુનિયા થીજી જાય ?
ત્સુનામી આવે ?
પ્રલય આવે ?
ઉલ્કાપાત થાય ?
ના,
કદાચ
આમાનું કશું જ ન થાય..
હા
કશું જ નહીં થાય…
બસ,
તને
ગોકુળ
અને
દ્વારિકા
વચ્ચેનું

અં

સમજાઈ જાય !

 

( નેહા પુરોહિત )

સાંધણ-પન્ના નાયક

નાની હતી
ત્યારે રમતાં રમતાં
ફ્રોક ફાટી જાય
તો દોડીને
બા પાસે લઇ જાઉં:
‘જરા સાંધી આપોને.’
‘તું ક્યારે શીખીશ સાંધતાં? લે દોરો પરોવી આપ.’
હું દોરો પરોવી આપતી.
બા ફટાફટ ફ્રોક સાંધી આપતાં.

મારી ફોક પહેરવાની ઉંમરને વરસોનાં વરસો વહી ગયાં
અને બા પણ નથી રહ્યાં.
હવે
ઘણું બધું ફાટી ગયું છે,
ઉતરડાઈ ગયું છે.
સોય-દોરો સામે છે.
ચશ્માં પહેરેલાં છે
પણ દોરો પરોવાતો નથી.

કોણ જાણે ક્યારે
સાંધી શકાશે
આ બધું?

( પન્ના નાયક )

ગરમાળો કોળ્યો મારે આંગણે-તુષાર શુક્લ

પુરુષ :
ગરમાળો કોળ્યો મારે આંગણે
ઓ ગોરી મોરી
તારે આંગણ ના ખીલ્યો ગુલમ્હોર
એવું કેમ ?
કેમ, ખીલીને થાય નહીં પ્રેમ ?

લૂંબઝૂંબ ગરમાળો ડોલે છે વાયરે
છોને હો બળબળતી લૂ
હું યે તે ઝૂલું એ જોવાને મેડીએથી
છાનું ઝૂકી રહી છે તું

તું યે ગુલમ્હોર જેવી ગોરી શરમાળ
મોરી
ખીલતાં લાગે છે, તને વાર
એની જેમ !
કેમ, ખીલીને થાય નહીં પ્રેમ ?

સ્ત્રી :
ગુલમ્હોરી ફૂલ જેવો મારો સ્વભાવ, સજન
ખૂલવામાં લાગે છે વાર
એક વાર ખૂલું પછી ખીલું હું વ્હાલમા
ખીલી રહું સાંજ ને સવાર

ગરમાળા જેવો તું , હું છું ગુલમ્હોર
પછી
બેઉ સંગાથે સજન,શોભીએ
ન કેમ ?
ચાલ, ખીલીને કરીએ પિયુ,પ્રેમ !

( તુષાર શુક્લ )

જાદુ શું કીધો ગરમાળે-યામિની વ્યાસ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

 

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું
વણતું કોઈ કબીરની સાળે.

 

વીત્યા વર્ષો જાણે ઝૂલે
કરોળિયાના જાળે જાળે.

 

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

 

આવ ગઝલ તારું સ્વાગત છે
કોઈ તને મળવાનું ટાળે ?

 

( યામિની વ્યાસ )