Tag Archives: દિવાળી

દિવાળી-દિવ્યા સોની “દિવ્યતા”

Diwali

પાંચ દિવસની દિવાળીમાં, વહેચું હું પાંચ મારા વિચાર !
ત્યારે ઉજવીએ દિવાળી, જ્યારે અંધકાર પર જીતે ઉજાશ !

દિવાળી શબ્દ પડતાં જ મનમાં બાળપણ, રોશની, ફટાકડાં, સફાઈ, મીઠાઈઓ, નવા કપડાં, મિત્રો, હસી-ખુશી, કુટુંબીજનો, જાત ભાતના સાથીયાઓ, દિવાળી નિમિતે થતી પૂજાઓ, ઘરેણાં તેમજ વાહનની ખરીદીઓ, નવા કેલેન્ડર, જુના હિસાબો, નવા વ્રતો, નવ વર્ષની શુભેચ્છાઓ સહિત બીજુ ઘણું યાદ આવે. આ સર્વે લાગણીઓ અને અનુભૂતિને દરેક દિવાળીએ માણી અને યાદોની થેલીમાં ભરતી જાઉં છું, અને વાગોળતી રહું છું.

દિવાળીનાં દરેક દિવસ સાથે કંઈ કેટલા રિવાજો વણી કઢાયેલા છે અને એની પાછળના કારણો કે સાચી રીતોથી મહદઅંશે અજાણ આપણે એ રીતિઓ નિભાવ્યા કરીએ છીએ. આ વર્ષે થયું લાવ આ દિવાળી ના રીવાજો વિષે હું અત્યાર સુધી શું સમજી છું તેનો વિચાર કરુ. એ વિચારોમાંથી જ આ લેખની શરૂઆત થઇ.

(૧) દિવાળીમાં સફાઈ કરવી જોઈએ, પણ એ સફાઈ શાની ? હું માનું છું કે એ સફાઈ આપણા મનના મેલની હોવી જોઈએ. ઘર તો આપણે રોજ જ સાફ કરીએ છીએ એના કરતાં મન ઉપર જે રોજના રાગ, દ્વેષ,છળ, કપટ, કામ, ક્રોધ , નિંદા, અસત્યના મેલ ચડાવીએ છીએ એની સફાઈ વધુ જરૂરી નથી ? મેં આ વર્ષે દિવાળીની સફાઈમાં સૌ પ્રથમ જાળા પાડવાનું શરુ કર્યું, ત્યાં મારો સાત વર્ષનો દીકરો આવી કહે છે કે મમ્મી મારા પલંગ ઉપરનું નાનું જાળું રહેવા દેજે. મે પૂછ્યું કેમ એ કરોળિયો તારો ફ્રેન્ડ છે ? અને દીકરાએ જવાબ આપ્યો કે, ના ફ્રેન્ડ તો નથી પણ એ ખુબ નાનો છે. એ એકલો છે. એનાથી કદાચ પાછું એ જાળું નહિ બનાવાય. એટલું એ એક જાળું પાડ્યા વિના પણ આ લખનાર માના કાનોમાં દિવાળી રણકી નથી ?

(૨) દિવાળીમાં જાત જાતની મીઠાઈઓ અને ભાત ભાતના નાસ્તાઓનો રસથાળ હોય છે. દિવાળીમાં ભેગા મળી કરાતી ઉજાણી અને મંદિરોમાં ભરાતા મોટા મોટા અન્નકુટોની વાત જ ન્યારી છે. મિત્રો અને સગાવહાલાં સાથે મળી આ નાસ્તોની ઉજાણી એટલે દિવાળી. ને કોઈકવાર બસ આમ જ મારે નોકરીએ જવાનું હોય ને પતિ કહે મારેય રસોઈ શીખવી છે. આજનો ચા નાસ્તો હું જ બનાવીશ, ત્યારે પણ મારી આ આંખોમાં ચમકી ઉઠે છે આ દિવાળી. તો ક્યારેક મારો દીકરો એના પોકેટ મનીના ડોલર એના ડેડી માટે લક્ઝરિયસ કાર લેવા ભેગા કરી રહ્યો છે, આ ડોલરમાંથી એ એક ડોલર એ પોતાના માટે પણ નથી ખર્ચતો. એક દિવસ અચાનક એના એને રસ્તે રહેતાં ભિખારીઓની વાત કહે છે અને ત્યારે એ પોતાની પાસે ભેગા કરેલા ૫૦ ડોલર લઈને દોડી આવે છે અને ડેડીને કહે છે કે આ ડોલર એ ભિખારીને આપી દેજો. સાંભળીને આ માતા-પિતાની આંખમાં જાણે દિવાળી ઝળહળી ઉઠી. નાની નાની લાગણીઓને વહેચતી આ રહી છે મોટી દિવાળી.

(૩) દિવાળીમાં મને સૌથી વધારે અચરજ પમાડતી વાત એ છે કે આ તહેવાર આપણો સૌથી મોટો તહેવાર છે. અને એ દિવસ અમાસનો દિવસ છે. અમાસને આપણે અશુભ ગણીએ છીએ. અને આજ અમાસને દિવસે ઉજવાતો તહેવાર છે દિવાળી. એ શું દર્શાવે છે ? કદાચ એવું જ કૈક કે બીજાના અજવાળે ક્યાં સુધી તું નિર્ભર રહીશ ? ચાલ પેટાવ નાનકડો દીવડો, તું જાતે જ તારા અંધારાનો મારક બનીશ. દિવાળીના દીવડાઓ જેવા સગપણ શોધો. જે જીવનને રોશન કરે. જુના ચોપડાં બંધ કરો એવી જ રીતે જીવનમાં પણ હિસાબ ચોખ્ખો રાખો. કોઈ સાથે ના જ બનતું હોય તો એને મનમાંથી પણ કાઢો. એના માટે દુ:ખી થવાય જ નહીં. એના માટે મન મનાવાય જ નહીં. જે માત્ર તમને રંજાડવા જ જનમ્યાં છે એવા વ્યક્તિઓની હૃદયમાંથી બાદબાકી કરો. નવા દીવડાં પ્રગટાવો, નવા સગપણ સ્થાપો. ગમતાં જૂનાં દીવડાઓને સ્નેહનાં તેલે છલકાવો. જે તમારા જીવનને ઝળહળ જગમગાવીને ઉત્સવ બનાવી દેશે.

(૪) દિવાળીમાં લક્ષ્મીપૂજા અને નવી ખરીદીનો મહિમા ખુબ મોટો છે. લક્ષ્મીપૂજાના ચોઘડિયા સાચવવાં અને ધૂમ ખરીદી કરીને લીધેલી વસ્તુઓ બધાને બતાવવી એટલે દિવાળી. પણ એની પાછળ છૂપાયેલા કારણની મારી સમજણ કંઈક આવી છે. દિવાળીના ખુશીના તહેવારે આપણી પાસે છે, એ બધું યાદ કરો. જીવનમાં મેળવેલું ધન એ માત્ર રૂપિયા, પૈસા, સોનું, ચાંદી જ નથી, તમારા મિત્રો અને સગાવહાલા પણ છે. તો આ સર્વેને નજર સમક્ષ લાવો અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો કે આપણને મિત્રોનો, સારા સગપણનો કેવો મોટો ધનવૈભવ આપ્યો છે. અને એ સર્વે ધનવૈભવ, મિત્રવૈભવ, સ્વાસ્થ્યવૈભવ કે બીજો કોઈપણ જાતનો વૈભવ જે તમારા હૃદય ને ટાઢક આપે છે એની કદર કરો. અને મારી પાસે કશું જ નથીની જે લાગણી છે એને ઉગતી જ ડામો. આ છે ખરી લક્ષ્મીપૂજા, નહીં ?

(૫) ફટાકડાં, દીવડા અને ઝગમગ રોશની. આપ સૌને અનેરી દિવાળીની વધામણી. આ ફટાકડાં એટલે અંતરની ખુશીઓની ઉજવણી જોરશોરથી કરવી. આપ સર્વે સ્નેહી મિત્રોના જીવનમાં એટલી ખુશીઓ અને સફળતા આવે કે અમારા હાથની તાળીઓના ગડગડાટનો અવાજ દિવાળીમાં ફટાકડાની ૧૦૦૦૦ ની લૂમ કરતાંય મોટો આવે. તમારાં ભાગ્યનું રોકેટ ચાંદ ને સ્પર્શે. કાળીચૌદસ માટે એવું કહેવાય છે કે ખૂબ વહેલા ઉઠો નહીં તો કાગડો તમારું રૂપ લઇ જશે. શું એ સાચું હશે ? હું માનું કે એ રૂપ ચહેરાનું નહીં મનનું રૂપ. તમે ખુદને અડતી નડતી જીવનની કાળાશને ઓળખો અને મનને સમયસર જગાડો નહીં તો વખત જતા જીવન આખું કાળું બનશે. જો તમે હૃદય ને વહેલું જાગ્રત કરશો તો જીવનસુકાન તમારી ગમતી અજવાળી રાહે વળશે જ. શું કંઈક આવી જ નથી આપણી દિવાળી ? આપણી સમજણથી આપણી આસપાસ \ના વાતાવરણને ઝગમગાવીએ એ જ છે દિવાળીની ખરી ઉજવણી. જીવનને જાણી, માણી વખાણવું એટલે દિવાળી.

આપણને સૌને ગમતી દિવાળી !
ખુશહાલી અડે ને લાગે દિવાળી !
દીકરીની હસીમાં રણકે દિવાળી !
દીકરાના નયનમાં ચમકે દિવાળી !
દીવડો દમકે ત્યાં સૌ સ્મરે દિવાળી !
દર શુભારંભે સાંભરે રોશન દિવાળી !

આપ સર્વે મિત્રોને “દિવ્યતા” તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! જીવનની આ દિવાળી મુબારક !!

( દિવ્યા સોની “દિવ્યતા” )

આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ

.

પ્રત્યેક પ્રજાને પોતાનું નવું વર્ષ હોય છે અને એને ઊજવવાની નવી નોખી રીત હોય છે.

નાતાલમાં ક્રિસમસ ટ્રીનો મહિમા હોય છે. બાળકોને માટે સાન્તાક્લોઝ હોય છે. આપણે પરંપરાને નિભાવીએ છીએ ખરા. પણ પરંપરાના પોતને પૂર્ણપણે જાણતા નથી. દિવાળી એટલે વર્ષનો અંત અને દિવાળી પછીનો દિવસ એટલે નવા વર્ષનો આરંભ.

એક રીતે જોઈએ તો દિવાળી આત્મનિરીક્ષણની વસ્તુ છે. ગયે વર્ષે આપણે કયા કયા મનોરથ કર્યા હતા અને કયા કયા કામ પાર પાડી શક્યા એનું સ્ટોકટેકિંગ કરવું જોઈએ. આપણે કોને માટે કશુંક કરી શક્યા કે કોની જોડે ખરાબ રીતે વર્ત્યા એ પણ આપણે અંદરથી જાણવું જોઈએ અને જો આપણી ભૂલ હોય તો એને સુધારી લેવી જોઈએ. દિવાળીનો અર્થ તો એક જ છે કે જ્યાં અંધારું હોય ત્યાં દીવો કરો. માત્ર દીવો નહીં. દીવાઓની હારમાળા કરો. દિવાળી શબ્દ દીપાવલિ પરથી આવ્યો. દીપાવલિ એટલે દીવાની હારમાળા.

આપણે ત્યાં એમ કહેવાય છે કે વનવાસ વેઠીને રામ અયોધ્યા આવ્યા ત્યારે નગરજનોએ ઘરે ઘરે દીવા પ્રગટાવીને અજવાળાંનો ઉત્સવ મનાવ્યો હતો અને આખું અયોધ્યા તેજનાં તોરણથી સુશોભિત થઈ ગયું હતું. આપણા આયુષ્યની અયોધ્યામાં પણ આપણા રામનું ફરી પાછું આગમન થાય અને આપણી બધી જ ચિંતા, આપણી એકલતા, આપણો વિષાદ, આપણા પૂર્વગ્રહો, આપણો ક્રોધ-આ બધાનું પરિવર્તન થાય અને આપણે સુખ, શાંતિ અને ચેનથી રહીએ. આપણને અંદરથી કોઈ અછત ન લાગવી જોઈએ. મન ભરેલું અને સંતોષી હોય તો જીવનમાં જ્યાં જુઓ ત્યાં પ્રકાશ છે. જ્યાં અજવાળું છે ત્યાં હંમેશાં દિવાળી જ હોય છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ધ સ્પીકિંગ ટ્રીમાં એક કથા પ્રગટ થઈ હતી. એમાં દ્વાપરયુગની વાત છે. કૃષ્ણએ તો વિષ્ણુનો અવતાર. એ રાક્ષસ નરાકસુરનો નાશ કરવા માટે સત્યભામા સાથે યુદ્ધભૂમિ પર નીકળી પડ્યા. નરકાસુર એ વખતે કૃષ્ણની સોળ હજાર કુંવારીઓને બંદીવાન કરીને બેઠો હતો. નરકાસુરે પોતાની બધી શક્તિ કૃષ્ણ પર અજમાવી, પણ ન ફાવ્યો. અંતે કૃષ્ણએ સુદર્શનચક્રથી નરકાસુરને હણી નાખ્યો. કુંવારીઓએ કૃષ્ણને સત્યભામા સાથે જોયો ત્યારે એમણે કૃષ્ણને વિનંતી કરી કે તમે સત્યભામા સાથે લગ્ન કરો. દ્વારકામાં જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કૃષ્ણનાં લગ્ન થયાં. પ્રજાની ઈચ્છાપૂર્તિ થઈ. આમ દિવાળી સાથે અનેક કથા જોડાયેલી છે.

દિવાળી દરેકની જુદી હોઈ શકે. મારી દિવાળી હું મારી રીતે ઊજવું છું. કોઈક સારી કવિતા વાંચું કે કાવ્યનો અનુવાદ કરું તોય મને દિવાળી જેવું લાગે. દિવાળી મારે માટે કોઈ એક જ દિવસ નથી, પણ જે ક્ષણે આનંદ આવે એ દિવાળી છે. આપણે આપણા કેટલાય અહંકારને ઊંચકીને ચાલતા હોઈએ. પણ જે ઘડીએ આપણે આપણા અહમથી મુક્તિ પામીએ ત્યારે મારે માટે દિવાળી છે. જીવનમાં બધું મળે છે. પણ સમજદાર માણસો મળતા નથી. જે ક્ષણે આપણને કોઈ સમજદાર માણસ મળે-ભલે એ આપણી વાતને સ્વીકારે નહીં, પણ સમજે ત્યારે મને દિવાળી જેવું લાગે છે. આપણે અમુક પ્રકારના સાચા કે કલ્પિત ભયથી પીડાતા હોઈએ છીએ. ભયનું અંધારું આપણને ઘેરી વળ્યું હોય ત્યારે એમાંથી નિર્ભયતા તરફ ગતિ કરીએ એ બીજું કશું જ નથી, પણ દિવાળી જ છે.

મોટા ભાગના માણસો જીવનમાં આળસુ અને એદીની જેમ પડ્યા હોય છે. એમને કશું કરવાનું સૂઝતું નથી, જે માણસ કાર્યશીલ રહે એને દિવાળી ઉજવવાનો અધિકાર છે. જે માણસ જીવનમાંથી રસ ગુમાવી બેસે છે અને નીરસ થઈને ફરે છે, બીજા માણસમાં રસ લેતો નથી, સ્વાર્થી અને એકલપેટો થાય છે એ માણસ-ભલે એના ડ્રોઈંગરૂમમાં હાજરો ઝુમ્મર લટકતાં હોય તો પણ અંદરથી તો એના મનમાં અંધારું જ હોય છે. જે માણસ પોતાની માટે કમાય છે એ ધન છે, પણ જ્યારે એને સમજાય છે કે મારું ધન હું બીજામાં વહેંચું ત્યારે એ લક્ષ્મી થાય છે. ત્યારે એના ધનની સદ્દગતિ થાય છે. હું તો માનું છું કે સમજણપૂર્વકની સમાજસેવામાં ધનતેરસ, દિવાળી અને નવા વર્ષના તમામ સંકલ્પો સદાયને માટે સમાઈ જાય છે.

એક જમાનામાં લોકો દર વરસે કંઈક ને કંઈક સંકલ્પ કરતા. દાખલા તરીકે, ગાંધીયુગમાં મોટા ભાગના લોકો રોજ ડાયરી લખતા. કેટલાક અધવચ્ચે છોડી દેતા હશે. કોઈ પણ સંકલ્પ ન કરવો એના કરતાં એકાદ સંકલ્પ કરવો એ સારી વાત છે-એ દિવાળી જેટલી જ ઊજળી વાત છે.

( સુરેશ દલાલ )