Tag Archives: પલ્લવી શાહ

ઝંખના – પલ્લવી શાહ

.

ચારે બાજુ આગ ફેલાયેલી છે. એની જ્વાળાઓ પળે પળે વધતી જ જાય છે. તેની જાળથી બધું ભસ્મ થતું જાય છે, ને એમાં મારી એક પછી એક વસ્તુઓ નામશેષ થતી જાય છે. આ આગની જાળની વચ્ચોવચ્ચ ઉભેલી હું અને નિ:સહાય નજરે મારું બધું નામશેષ થતાં જોઈ રહી છું. ફક્ત હું અને હું જ બચી છું. આમાંથી બહાર નીકળવા માટે મારા આત્માને, મારા મનને સાબૂત કરવાની ખૂબ જરૂરત છે. જો મારું મન મારા આત્માની વાત સમજી જાય તો આપોઆપ આ અગનખેલમાંથી બહાર નીકળી આવું અને ચો તરફ ચંદનની મહેંક ફેલાવી દઉં.

.

.

કેટલી શાંતિ થઈ જાય છે જ્યારે જ્યારે હું તારી સાથે વાતો કરું છું. મને કાંઈ પણ થાય સુખ મળે કે દુ:ખ મળે હું દોડતી તારી પાસે આવી જાઉં છું. અને મારો ઊભરો બહાર કાઢી નાખું છું. જ્યારે જ્યારે મારો ઊભરો, મારા મનનો આક્રોશ બહાર નીકળી જાય છે ત્યારે અચાનક મારું મન ખૂબ જ શાંત થઈ જાય છે. મને ખબર છે મારો તારા પ્રત્યેનો રાગ તે એક તરફી છે. તને કદાચ મારી પ્રત્યે, મને તારી પ્રત્યે છે એટલો રાગ નહિ પણ હોય પણ મને શ્રદ્ધા છે. મારા તારી પ્રત્યેના આ નિ:સ્વાર્થ પ્રેમથી તારા અંતરમાં પ્રેમની સરવાણીઓ ફૂટશે અને તું અચાનક બોલી ઉઠીશ કે હું તારો જ છું. મારી આ શ્રદ્ધાની જ્યોત અખંડ રહે એવું તું ઈચ્છે છે ને ?

.

.

સાવ અચાનક અજાણી કેડી ઉપર પગ તો મૂક્યો પણ એ કેડી ઉપર ચાલતાં ચાલતાં મને ખબર પડવા લાગી કે કેટકેટલા વળાંકો, કેટકેટલા પથરાઓ ને કેટકેટલા ખાડાટેકરા આવે છે. ખૂબ સંભાળીને પગ મૂકવા છતાં પણ ક્યાંય ને ક્યાંક તો છોલાઈ જતું. ક્યારેક મોઢામાંથી ચીસ નીકળી પડતી તો ક્યારેક ભૂલી પડતી. ધીમે ધીમે એ કેડી ઉપર ચાલવાની મને આદત પડી ગઈ. ખાડા, ટેકરા, વળાંકો, પથરા બધું જાણે મેં બનાવ્યું હોય એવું લાગવા માંડ્યું. ધીમે ધીમે એ કેડીઓ પર હું આંખો મીંચીને પણ નિશ્ચિત પણે ચાલવા લાગી. હવે હું એ અજાણી કેડીઓ ઉપર ક્યારેય ભૂલી નથી પડતી. મેં તેમને મારી બનાવી દીધી છે.

 

( પલ્લવી શાહ )

ઝંખના – પલ્લવી શાહ

.

જ્યારે જ્યારે તું મને સ્વપ્નમાં આવે છે ત્યારે ત્યારે મને આ દુનિયા આખી બદલાઈ ગયેલી લાગે છે. ક્યારેક મારી આંખ ભરાઈ આવે તો ક્યારેક મારું મસ્તક તને નમી પડે છે તો ક્યારેક હું મારી સુધબુધ ખોઈ બેસું છું. આ ઝાડ, પાન, આકાશ, સમુંદર, ધરતી, પશુ-પંખી, આબાલ વૃદ્ધ બધા જાણે મને હસતા લાગે છે. મારી આજુબાજુના બધાં દુ:ખ ભૂલીને હું ખૂબ ખુશખુશાલ થઈ જાઉં છું અને જેટલી હું ખુશ થાઉં છું એટલી તને મેળવવાની, તારામાં સમાઈ જવાની પ્યાસ મારામાં વધતી જ જાય છે. મારો તારા પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. ને મારી આંખો ભરાઈ આવે છે. એ મારા આંસુ સાથે વારંવાર તને એક જ વિનંતી કર્યા કરું છું કે ક્યારેક ભૂલથી પણ હું રસ્તો ભૂલું તો મને ઉદાર દિલે માફી આપી મારી સાથે ને સાથે, મારી પાસે ને પાસે રહેજે. મારો સાથ તું કદી પણ છોડતો નહિ. મને સાચો રસ્તો બતાવી મારો રાહદારી બનજે, બનીશ ને ?

 .

હું તને કેટલો પ્રેમ કરું છું તેની તને ખબર છે ? ક્યારેક મને ઈચ્છા થાય છે કે તારી માતા બની મારું ધાવણ તને અર્પૂ, તને ખૂબ વહાલ કરું, તારા માથા પર, તારા શરીર પર હેતનો વરસાદ વરસાવું, તને નવરાવું, સરસ વસ્ત્રાલંકાર પહેરાવું, તને સજાવું, તો ક્યારેક મને થાય છે કે હું તારી દીકરી થઈ જાઉં, તું મને ખૂબ વહાલ કરે, મારે માથે હાથ ફેરવી મને પરમ શાંતિનો અનુભવ કરાવે તો ક્યારેક મને થાય છે કે હું તારી બહેન બની તને રાખડી બાંધુ, તારી છાતીમાં મ્હોં છુપાવી મારા સુખદુ:ખની વાત કરું. તું મારી સમક્ષ રહે અને પળે પળે તારી આંખોમાંથી વ્હાલપનું ઝરણું મારી સમક્ષ વહેતું રહે. તું મને કયા સ્વરૂપે સ્વીકારીશ ?

.

( પલ્લવી શાહ )

.

 

ઝંખના (૧)- પલ્લવી શાહ

હું તને મારા હ્રદયમાં સમાવવા માંગુ છું, જેમ એક મા પોતાના બાળકને જન્મ પહેલા જ સમાવી દે એમ. આંખો બંધ રાખીને પણ મા એની ઉપર હેલીઓ વરસાવતી હોય છે. જન્મ્યા પછી કેવું રૂપ હશે, કયા રૂપનું, કયા રંગનું હશે એની એને કશી ખબર હોતી નથી. પણ એનું એક સ્વરૂપ એની મન ઉપર અંકિત થયેલું હોય છે ને એ સ્વરૂપને એના જન્મ પહેલાં જ અપનાવી લે છે. તે પોતાના ઉપસેલા પેટને જોઈ જોઈ હરખાયા કરતી હોય છે કે આની અંદર મારા સ્વપ્નના સૂરની વાંસળી વાગી રહી છે અને જાણ્યે અજાણ્યે એ પોતાના પેટને પંપાળી અંદર પાંગરી રહેલ કૂંપળ ઉપર વ્હાલપનાં અમી ઝરણાં વરસાવ્યા કરતી હોય છે.

.

જે રીતે મા બાળકને એના જન્મ પહેલાં અણુએ અણુમાં રોમે રોમમાં સમાવી દે છે એમ હું પણ તને મારા રોમેરોમમાં સમાવી તારી ઉપર હેતનો વરસાદ વરસાવવા માંગુ છું. તને ખૂબ વ્હાલ કરવા માંગુ છું. મા જેમ બાળકની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે અને કોઈ પણ વાતે ઓછું આવવા દેતી નથી એમ હું પણ મારા દ્વારા દુ:ખ ન પડે એની કાળજી રાખવા માંગુ છું. તને મારા રોમરોમમાં વિસ્તારવા માંગુ છું. મને  ખબર છે આ માર્ગ ખૂબ જ કઠીન છે. જેટલો માને પ્રસૂતિની પીડાનો હોય એટલો, પણ આ પીડા ભોગવ્યા પછી માના કાને વાંસળીમાં વાગતા મધુર રૂદનનો સ્વર-સૂર સંભળાય છે અને મા પોતે ભોગવેલી તમામ પીડા ભૂલી જાય છે. તને મેળવવા આવી પીડા હું પણ ભોગવવા માંગુ છું. કારણ મારા હ્રદયમાં જાગેલી આશાઓના સ્પંદનનું તું બીજ માત્ર છે.

.

( પલ્લવી શાહ )