Tag Archives: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

ભાંગશે ભવભવની ભાવઠ મોકલું છું,

શબ્દના લે તીર્થ અડસઠ મોકલું છું.

.

કૈંક રાતોએ સિતારાઓ મઢ્યા છે,

એ જ એકલતાનો બાજઠ મોકલું છું.

.

યાદના શ્લોકો ને સ્મરણોની ઋચાઓ,

એ અનાદિ કાળનો મઠ મોકલું છું.

.

પ્રાણને ઈચ્છા કદી ના થાય અમથી,

કોણ પાંચમની કરે છઠ મોકલું છું.

.

ગામ તો “મિસ્કીન” કરીને જાય હિજરત,

જાય ક્યાં કાંઠા સૂકાભઠ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

.

ગઝલ ગુચ્છની “મોકલું છું” રદીફ વાળી ૧૫ ગઝલો આપણે ક્રમશ: માણી. આ ગઝલ ગુચ્છ વિશે રાજેશભાઈ કહે છે છે કે..”આ ગઝલ ગુચ્છની ગઝલો એક સાથે જ આવેલી છે. ૭મી મેની એ રાત હતી જ્યારે પ્રથમ ગઝલ આવી. છેલ્લી ગઝલ લખાઈ ત્યારે મ્હોંસૂઝણું થવા આવ્યું હતું. આ  ગઝલોના કાફિયા ભિન્ન છે. કાફિયાઓથી લઈને સમગ્ર સર્જનપ્રક્રિયા મારે માટે તે રાતે આશ્ચર્યજનક રહી છે. આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું. આગ જે લાગી છે નસનસ મોકલું છું. આ બે પંક્તિમાં પુનરુક્તિ દોષ ગણાય. મારી દ્રષ્ટિએ ગમતા દોષ ક્ષમ્ય દોષ છે. આથી રહેવા દીધા છે.”

ગઝલ ગુચ્છ-૧૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છેક ક્યાં પહોંચી ગઈ રઢ, મોકલું છું,

ઝળહળે આઠે પ્રહર મઢ મોકલું છું.

.

લાગતું છો સાવ અનપઢ મોકલું છું,

મન અજબ મેરુ સમું દ્રઢ મોકલું છું.

.

જ્યાં અટકશે ત્યાં જ તું ને એ જ કાંઠો,

વ્હાણને છુટ્ટાં મૂકી શઢ મોકલું છું.

.

કાળથી પર ને હજુ અકબંધ છે જે,

એ જ મિસ્કીનપુરનો ગઢ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

વાંચજે રેખા ઉકેલી મોકલું છું,

પત્રના બદલે હથેળી મોકલું છું.

.

સાંજ એ સૌને મઢેલી મોકલું છું,

લે ! ગઝલ તાજી લખેલી મોકલું છું.

.

ચોતરફ દોડે છે ઘેલી મોકલું છું,

તોરણો બાંધેલ ડેલી મોકલું છું.

.

બોલવા દેતી નહોતી જે જરાયે,

સાવ મૂંગી છે ચમેલી મોકલું છું.

.

જ્યાં વસું છું હું કોઈ દરવાન પેઠે,

લાગણીની એ હવેલી મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

તું જ પકડી પાડજે નસ, મોકલું છું,

ઉડવા માંડ્યા છે રસકસ મોકલું છું.

.

આગ જે લાગી છે નસનસ મોકલું છું,

છે અટૂલું સાવ સારસ મોકલું છું.

.

પીગળે તો આંખ કૈં જોતાંય શીખે,

લક્ષ ચોરાસીનું ધુમ્મસ મોકલું છું.

.

બારણાં-બારી કઈ બાજુ મુકાવું?

અટપટી દીશા દસે-દસ મોકલું છું.

.

રાત આ ટુંકી ને આવે યાદ ઝાઝું,

આખરી શ્વાસોનું વર્ચસ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે ગજબની ધૂન બેરખ મોકલું છું,

અલ્પ છે એનેય મબલખ મોકલું છું.

.

ઝળહળે આઠે પ્રહર ચખ મોકલું છું,

સોનવરણી એક પાલખ મોકલું છું.

.

કાલ સુધી આંખનું પાણી હતું એ,

આજ થઈ ચાલ્યું છે અબરખ મોકલું છું.

.

રણ મહીં એણે જ નંદનવન રચ્યાતા,

તું વગર સૂની છે ધખધખ મોકલું છું  .

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૧ – રાજેશ વ્યાસ “મિસ્કીન “

દોડતી રગ રગ ખુશાલી મોકલું છું,

છે અનોખી રંગ પ્યાલી મોકલું છું.

.

લાગશે સૌથી નિરાલી મોકલું છું,

બારમાસી એક ડાળી મોકલું છું.

.

શું તને ગમશે નથી નક્કી થવું કંઈ,

ચીજ જે દેખાય વ્હાલી મોકલું છું.

.

ના કશી તારે જરૂર તો પણ સ્વીકારે

આ બધું અમથું જ ખાલી મોકલું છું.

.

આંખના ખૂણે ઉભી છે વાટ જોતી,

સાંજની “મિસ્કીન” લાલી મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન “)

ગઝલ ગુચ્છ-૧૦ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જન્મજન્માંતરની અવઢવ મોકલું છું,

એ જ છે મારો પરાભવ મોકલું છું.

.

છે અહર્નિશ એક ઉત્સવ મોકલું છું,

લે, અઢી અક્ષરનો વૈભવ મોકલું છું.

.

એક ટીપું થઈ અને જાશે સમાઈ,

ઊછળ્યો ભીતર જે અર્ણવ મોકલું છું.

.

…ને, જમીનનો ટુકડો થઈ જાય આંગણ,

એ જ હા હા એ જ પગરવ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૯ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જેટલું જે કાંઈ અણકથ મોકલું છું;

પહોંચતો મારા લગી પથ મોકલું છું.

.

શું વળી ઈતિ અને અથ, મોકલું છું

મૂળિયા સોતા મનોરથ મોકલું છું.

.

ઓળખાતાં કૈં જ ઓળખવું રહે ના,

પામવા જેવો પદારથ મોકલું છું.

.

એક પળનું પણ હવે છેટું ખપે ના,

મંત્ર ફૂંક્યા અશ્વનો રથ મોકલું છું.

.

કોણ જાણે શુંય ખેડાઈ ગયું છે,

ખેપ છે ખૂશ્બુથી લથબથ મોકલું છું.

.

એક એવી ધૂન છે “મિસ્કીન” મનને,

બસ, બધું લગે જથારથ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )ગઝલ ગુચ્છ-૮ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,

કોડિયું મારું આ થરથર મોકલું છું.

.

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,

તો ય લાગે છે સમયસર મોકલું છું.

.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,

તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,

છે બધાથી પર એ ભીતર મોકલું છું.

.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,

એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૭ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે ગજબની ધૂન, લાગટ મોકલું છું,

યાદ જે આવી રહ્યું ઝટ મોકલું છું.

.

હરપળે એની જ એ રટ મોકલું છું,

આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું.

.

જળ સુકાતાં જાય છે એને નિહાળી,

છે અતિ વિહ્વળ એ પનઘટ મોકલું છું.

.

બોલતાં ફૂલો જ સાંભળવાં હતાં ને ?

લે તને તારી જ આહટ મોકલું છું.

.

આખરે “મિસ્કીન” થઈ ચાલ્યું સમંદર,

એ જ એ ટીપું ઉપરવટ, મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )