Tag Archives: પુસ્તક પરિચય

જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે-પ્રો. હરિ નરકે

.

“જોતીરાવ કરતાં પણ એમનાં પત્ની વધારે પ્રશંસાને પાત્ર છે. એમનું કદ કેટલું છે વર્ણવવા શબ્દો અપૂરતા છે. તેઓએ પોતાના પતિને પૂરેપૂરો સાથ આપ્યો અને એમની સાથે રસ્તે આવતી તમામ ને કસોટીઓ નો સામનો કર્યો. ઉચ્ચ જાતિની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી સ્ત્રીઓમાં પણ આવું બલિદાન આપતી સ્ત્રી મળવી મુશ્કેલ છે. આ યુગલે આજીવન લોકો માટે કામ કરવામાં ગુજાર્યું.”

નારાયણ મહાદેવ ઉર્ફે મામા પરમાનંદ : ૩૧ જુલાઈ,૧૮૯૦.

 

સ્ત્રીઓના, શૂદ્રો-અતિશૂદ્રોની સાંસ્કૃતિક, સામાજિક, શૈક્ષણિક ક્રાન્તિ માટેની ચળવળ ઉપાડી આ દંપતીએ ઐતહાસિક કાર્ય કર્યું. એક અનામી પત્રકારે પૂના ઓબ્ઝર્વર અને ડેક્કન હેરાલ્ડ નામના વર્તમાનપત્રમાં લખ્યું,” આ કાર્ય હિંદુ સભ્યતાના ઈતિહાસમાં નવા યુગનો આરંભ કરતું હતું.” આ નવા ક્રાંતિકારી યુગની શરૂઆત હતી. ((પાનું:૧)

 

“ઈતિહાસે એ નોંધ લીઘી જ છે કે જોતીરાવને એમની ચળવળમાં એમના બ્રાહ્મણ સાથીઓનો ફાળો હતો પરંતુ એમના દલિત સાથીઓની અવગણના થઈ છે. ખરેખર તો હજારો વરસથી શિક્ષણથી વંચિત રાખવામાં આવેલ અછૂત જાતિઓનાં ફાળાને ક્રાંતિકારી ગણવો જોઈએ.” (પાનું:૪)

 

“આ લાડુખાઉ બ્રાહ્મણો કહે છે કે વેદ એમનો એકલાનો અધિકાર છે. બ્રાહ્મણેતર લોકો વેદનો અભ્યાસ ન કરી શકે. શું આનો અર્થ એવો ન થાય કે આપણો કોઈ ધર્મ નથી જ્યારે આપણે કહેવાતા ધર્મગ્રંથ તરફ નજર પણ નથી નાખી શકતાં? હે ઈશ્વર, રહેમ કર ને અમને જણાવ કે તું ક્યાં ધર્મનો છે જે અમે પાળી શકીએ, એ માટે અમે ગોઠવણ કરીએ.” પાનું: ૧૦: સાવિત્રીબાઈની એક માતંગ વિદ્યાર્થિની મુક્તા સાલ્વેના આત્મકથનાત્મક નિબંધનું અવતરણ. વર્ષ:૧૮૮૫:

 

ઉપરોક્ત અવતરણો પ્રો. હરિ નરકે લિખિત ડો. ગણપત વણકર અનૂદિત ‘જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે’ સંબંધિત નાનકડી છતાં અધિકૃત પુસ્તિકામાંથી ટાંક્યાં છે જેમાં સાવિત્રીબાઈના જીવનની અગત્યની ઘટનાઓ, કાર્યો, કસોટીઓ અને પડકારો ઝીલવાની એમની ક્ષમતાનો પરિચય કરાવવામાં આવ્યો છે. સાવિત્રીબાઈની વાત મહાત્મા જોતીરાવ વગર કે મહાત્મા જોતીરાવની વાત સાવિત્રીબાઈ વગર કરી જ ન શકાય એટલું અદ્ ભુત દાંપત્યજીવન તેઓ જીવ્યાં છે અને સપ્તપદીનાં સખ્યને ઉજાગર કર્યું છે. કન્યા કેળવણીની શરૂઆત માટે એમને હમેશાં યાદ કરવામાં આવે છે. તે રીતે સત્યશોધક સભા, મંડળી બનાવી, પૂનામાં શાળાઓનું નેટવર્ક ઊભું કર્યું,બ્રાહ્મણ-પીડિત વિધવા સ્ત્રીઓ માટે સ્થાપવામાં આવેલ આશ્રયગૃહ_શિશુરક્ષક ગૃહ(વર્ષ: ૧૮૮૩), દુકાળ રાહત, સામાજિક સુધારા, વિધવા સ્ત્રીના વાળમુંડનનો વિરોધ, દહેજ વિરોધ, સાદાઈથી લગ્ન ઉપરાંત જ્યારે જે જરૂરી લાગ્યું તે કર્યું જેમ કે નિ:સંતાન હોવાથી યશવંત નામના બ્રાહ્મણ બાળકને દત્તક લઈ એને ડોક્ટર બનાવ્યો જેણે એમનાં કાર્યને વેગવંત બનાવવામાં કસર ન છોડી. કન્યાકેળવણી માટે દિલ દઈને કામ કરતાં સાવિત્રીબાઈ પર વિરોધીઓ કાદવ ફેંકતા, એલફેલ બોલતાં અને એમને હતોત્સાહ કરવાનો પ્રયાસ કરતાં ત્યારે તેઓ પરવા કર્યા વગર પોતાનાં કામને વળગી રહેતાં. શાળાએ જાય ત્યારે બે સાડી લઈને જાય. ગંદી સાડી બદલીને બીજી પહેરીને પોતાનું કામ કરે. વિરોધીઓ માટે કોઈ ગુસ્સો પ્રગટ ન કરે પરંતુ પોતાનાં ધ્યેય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં રહે. અહીં મને યાદ આવે છે કે સાવિત્રીબાઈ અને જોતીરાવે કન્યા કેળવણીનું કાર્ય શરૂ કર્યું હશે પછી લગભગ સો વર્ષે વલસાડમાં કન્યા વિદ્યાલયની સ્થાપના થયેલી જે અમારાં દાદીમાનાં નામની હતી અને હજીયે છે. સો વર્ષ પર એમણે જે સહન કર્યું હશે તેનાં મીઠડાં ફળ આજે પણ સ્ત્રીઓને મળે છે છતાં કન્યાકેળવણી માટે તો હજી પણ ખૂબ મહેનત કરવાનો પડકાર જેવો ને તેવો જ રહ્યો છે એમ કહીએ તો ચાલે! અલબત્ત, હવે સાવિત્રીબાઈએ જે સહન કરેલું તે સમય રહ્યો નથી છતાં એક પગલું આગળ અને બે પાછળ તેવો ઘાટ તો છે જ.

 

સાવિત્રીબાઈની સંઘર્ષયાત્રાનાં તો અનેક પડાવ છતાં સૌથી વધારે સ્પર્શે તે કથાવટ તો ગર્ભવતી સ્ત્રીઓ અને એમનાં બાળકોને બચાવવા માટે એમણે શરૂ કરેલો આશ્રમ જેની શરૂઆત કેમ કરવી પડેલી એ ઘટના વિશે જાણીએ ત્યારે આપણને એ સવાલ થાય કે આપણે કેવા બર્બર સમાજમાં જીવતાં હતાં અને સત્ય જીરવવાની તાકાત હોય તો આજે પણ આપણે કેવી હાલતનો સામનો કરીએ છીએ જ્યાં હજી પણ ગર્ભપાત્ એ જ ઉકેલ છે. મૂળ ઘટના એમ બનેલી કે કાશીબાઈ નામની એક વિધવા સ્ત્રીનો બાજુમાં રહેતા શાસ્ત્રીએ ગેરલાભ ઉઠાવી સંબંધ બાંધેલો જેથી એ બાઈ સગર્ભા થઈ, ગર્ભપાતના અનેક પ્રયાસો છતાં ન થયો એને એક સુંદર દીકરો જન્મ્યો! શાસ્ત્રીએ સંબંધનો ઇન્કાર કર્યો એટલે એ બાઈએ બાળકની હત્યા કરીને એને શાસંત્રી કહેતો તે ઘરના કમ્પાઉન્ડના કૂવામાં ફેંકી દીધું! એ બાઈને બાળહત્યા બદલ આંદામાન ખાતે કાળાપાણીની સજા થઈ! પરિણામે ફૂલે દંપતીએ આશ્રમ સ્થાપી જાહેર કર્યું કે આંદામાનના કાળાપાણીની સજાથી બચવું હોય તો અહીં આવો! દેશભરમાંથી અનેક સ્ત્રીઓ અહીં આવતી અને સાંત્વન સાથે સલામતી મેળવતી. આ વાત ઓગણીસમી સદીના છેલ્લા સમયખંડની (૧૮૫૩) છે.(પાનું:૧૧-૧૨) ત્યાર પછી એકવીસમી સદીનો પચીસ વર્ષનો તબક્કો પૂરો થવામાં હવે બે વર્ષ બાકી છે ત્યારે પણ સવાલ તો છે જ કે આપણો સમાજ બદલાયો છે? એક સાથે બેત્રણ સદીમાં જીવતાં વિવિધ સ્તરનાં લોકોનાં પડકારો અને સંઘર્ષ તો તેવા જ છે! સાવિત્રીબાઈએ પ્લેગમાં કરેલું સેવાકાર્ય અને આપેલી પોતાના જીવની આહુતિની તોલે તો એમને માટે કરેલું કોઈપણ તર્પણ કે પ્રશંસનીય કાર્ય ન જ આવે.

પાના નંબર ૧૨-૧૬-૧૯-૨૧ પર ફૂલે દંપતીના દત્તકપુત્ર ડો. યશવંતના પરિવારની લખાયેલી વિગતો પર ધ્યાન આપવા જેવું છે. અલબત્ત, એનો છેલ્લો ફકરો અને વાક્ય વિચારપ્રેરક જરૂર છે પરંતુ સ્વથી સમષ્ટિ માટે સમર્પિત સમાજસેવકોનિં માન્ય સમજવા માટે પણ અગત્યનું બની રહે છે.

આ ત્રીસેક પાનાંની પુસ્તિકાનું પાનેપાનું અક્ષરસ: ટાંકવાનું મન થાય તેવી અનેક વેધક, સોંસરી, માહિતીપ્રદ અને સાચી વાતો અહીં સંકલિત થઈ છે. આ દંપતી વિશે તો અનેક પુસ્તકો લખાયાં છે.

સુધારાની ચળવળ કરવા માટે પિતાનું ઘર છોડવું પડે એવી પરિસ્થિતિથી લઈ સરકાર સન્માન કરે ત્યાં સુધીની સંઘર્ષસિદ્ધિની અવિરત યાત્રાની ગાથા અહીં ઝિલાયેલી છે ત્યારે સહજ રીતે જ યાદ આવે સુષમા દેશપાંડે અભિનિત મી સાવિત્રીબાઈ ફૂલે એકપાત્રી નાટક અને ગુજરાતીમાં અદિતિ દેસાઈ અભિનિત એ કૃતિ. શિક્ષિત, સર્જક, સ્વભાવે શાંત, ઉદાર, ધીરજવાન, પોતાનું કાર્ય નારીવાદી છે કે નથી, પોતે કઈ વિચારધારાનાં છે તેની કોઈ સભાનતા વગર ફક્ત કર્મ કરવું અને એમ કરતાં કરતાં ફળની આશા વગર જાતને હોમી દેવી એવું ન ભૂતો ન ભવિષ્યતિ જેવું જીવન જીવનારાં સાવિત્રીબાઈ અને જોતીરાવ જેવાં મહામાનવોની આજે આપણને ભરપેટ કદરદાની છે પરંતુ એનું સત્ત્વ અને તત્ત્વ તો ત્યારે જ ઉજાગર થાય જ્યારે આપણે સમાનતામૂલક સમાજનું સર્જન કરવામાં સફળ થઈએ. ગાંધીજીનાં પૂર્વસૂરિઓ (રિપીટ) એવાં મહાત્મા જોતીરાવ (૧૮૨૭-૧૮૯૦) અને સાવિત્રીબાઈ (૧૮૩૧- ૧૮૯૭) વિશે અધિકૃત પુસ્તિકા ઉપલબ્ધ કરાવવા બદલ લેખક-અનુવાદક બન્નેનો આભાર.

 

આ ડિજિટલ બૂક છે. ડો.વણકર દ્વારા એની પીડીએફ ઉપલબ્ધ થઈ શકે છે. મારી તો માનસશાસ્ત્રી ડોક્ટર વણકરને વિનંતી છે કે તે સમયના સમાજની અને ફૂલેદંપતીનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે.

( બકુલા ઘાસવાલા )

 

પ્રાપ્તિ સ્થાન :

પુસ્તિકા માટે અહીં આપનો વોટ્સએપ નંબર કે ઇ મેઇલ જણાવવા વિનંતી.

drgkvankar@yahoo. Com અથવા વોટ્સએપ નંબર 8208541974