એક વખત દિલ્હીના સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવાનું થયું ત્યારે સ્ટેશનના બુકસ્ટોલ પરથી મને અમૃતા પ્રીતમની આત્મકથા “रसीदी टिकट” માત્ર ૩૫/-રૂ.માં મળી. ત્યારબાદ હું કલકત્તા જતી હતી અને નાગપુર સ્ટેશન પર ટ્રેન થોડીવાર અટકી ત્યારે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલમાંથી મને રવીન્દ્રનાથ ટાગોરની “ઘરે બાહિરે” અને પ્રેમચંદની “ગોદાન” ૬૦-૬૦ રૂ.માં મળી ગઈ. અન્ય ભાષાના પુસ્તકો આટલા સહેલાઈથી અને નજીવી કિંમતે ઉપલબ્ધ થતાં જોયા ત્યારે મને થતું કે આવી રીતે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે?
પરંતુ અશક્ય લાગતી આ વાત છેલ્લા દસ વર્ષથી શક્ય બની છે. ડો. ગુણવંત શાહે જેને “પુસ્તકતીર્થ”નું નામ આપીને નવાજ્યું તેવું ભુજનું “શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ” અધધધ..કહી શકાય તેવા વળતરથી પુસ્તકોની લ્હાણી કરી રહ્યું છે.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ આમ તો રૂરલ હ્યુમન હેલ્થ પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ, નોન કન્વેશન એનર્જી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વુમન-ચાઈલ્ડ એન્ડ યુથ અવેરનેશ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વોટર હાર્વેસ્ટીંગ એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, વાસ્મો, એન્વાયરમેન્ટ એન્ડ રૂરલ સેનિટેશન પ્રોગ્રામ, કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ડાયમંડ ટ્રેઈનિંગ એન્ડ પ્રોડક્શન સેન્ટર, એક્ષટેન્શન પ્રોગ્રામ, વોટરશેડ પ્રોગ્રામ જેવી ઘણી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. પણ આજે જેની માહિતી અહીં મેળવવાના છીએ તેનું નામ છે “પુસ્તકમિત્ર” યોજના.
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, પ્રેમજી જેઠા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેશવકાન ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડોનર એવા શ્રી કેશવલાલ પ્રેમજી ભૂડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તકવાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવો યુવાવર્ગ તૈયાર કરવા પુસ્તકમિત્ર યોજના ઘડી કાઢી. તા. ૧/૦૪/૨૦૦૦ના રોજ આ યોજનાના શ્રીગણેશ કર્યા અને એનું ફલક વિસ્તર્યું કચ્છ, ગુજરાત, ભારત અને વિદેશ સુધી. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત પ્રકાશકોએ પ્રકાશિત કરેલા સેંકડો ઉત્તમ પુસ્તકો ૫૦ થી ૬૫%ના વળતરે વાચકોને ઉપલબ્ધ કરાવાયા છે. આ પ્રકાશકોમાં નવભારત સાહિત્ય, ઉપનિષદ પ્રકાશન, નવનીત પ્રકાશન, નવજીવન પ્રકાશન, પ્રવિણ પ્રકાશન, ગુર્જર ગ્રંથરત્ન, આદર્શ પ્રકાશન, સાધના ફાઉન્ડેશન, અઢિયા પ્રકાશન, આર. આર. શેઠની કંપની, ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળી લી., યજ્ઞ પ્રકાશન, ગ્રંથલોક પ્રકાશન, લોકમિલાપ ટ્રસ્ટ, સસ્તુ સાહિત્ય, અરૂણોદય પ્રકાશન, સાહિત્ય સંગમ, કુસુમ પ્રકાશન, પાર્શ્વ પબ્લિકેશન વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટ પ્રકાશકો પાસેથી માતબર કમિશન સાથે પુસ્તકો ખરીદે છે અને પછી વિશેષ વળતર ઉમેરીને વાચકોને ઓછી કિંમતે પહોંચાડે છે. આમ પુસ્તકાલયો, શાળાઓ અને વાચકોને બેવડા વળતરનો લાભ મળે છે. તા. ૧૩/૧૧/૨૦૦૯ સુધીમાં ૩,૯૨,૫૧,૪૦૦/-રૂ.ની મૂળ કિંમતના પુસ્તકો ૬૦% વળતરથી અપાતા વાચકોના ૨,૩૨,૨૯,૯૬૯/- રૂ. બચાવવામાં ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે.
ઉત્તમ સાહિત્ય ગામડાઓ સુધી પહોંચે તે માટે શાળા કક્ષાએ વાંચન શિબિરોનું આયોજન પણ ટ્રસ્ટે હાથ ધર્યું છે. શું વાંચવું, કેમ વાંચવું અને ખાસ તો બે લીટી વચ્ચેની ખાલી જગ્યાને વાંચી ઉકેલવા જેવી બાબત પરત્વે વાંચન કાર્યશાળાઓમાં સક્રિય માર્ગદર્શન આપવામાં આવે છે. શાળા, કોલેજો, સાંસ્કૃતિક મેળાઓ, ભવ્ય મિલન સમારંભો દરમ્યાન ટ્રસ્ટ પુસ્તકમેળાનું આયોજન પણ કરે છે.
૨૦/-રૂ.નો મનીઓર્ડર કરીને સૂચીપત્ર મેળવી શકાય છે. મનીઓર્ડર કરવાનું તથા આ ટ્રસ્ટનો સંપર્ક સાધવાનું સરનામું આ મુજબ છે…
શ્રી સહજાનંદ રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ, જી. એમ. ડી. સી. ગેસ્ટ હાઉસ નીચે, ભુજ-મિરજાપર હાઈવે, ભુજ-કચ્છ. ફોન નંબર: ૦૨૮૩૨-૩૨૯૬૬૬, મોબાઈલ નંબર: ૯૮૨૫૨૨૭૫૦૯, ઈ-મેઈલ: ssrdt@yahoo.in




