માફી માંગુ છું-તાહલિયા હન્ટર, ભાવાનુવાદ : અલ્પમ દેસાઈ ભટ્ટ

પ્રિય સ્વ (સ્વયં, મને, પોતાને, જાતને)

.

હું તે સમય માટે માફી માંગુ છું

જ્યારે મેં તારી વાત સાંભળવાની ના પાડી

અને તેના બદલે તારી આસપાસના અવાજોના સમુદ્રને સાંભળ્યા

જાણે કે તેઓ તારા કરતાં વધુ જાણતા હોય કે તારા માટે શું શ્રેષ્ઠ છે,

.હું તે સમય માટે માફી માંગુ છું.

“તું તારું પોતાનું જીવન જીવ

તારા પોતાના સપનાની પાછળ જા

અને તારા પોતાના હૃદયની વાત સાંભળ”

જ્યારે મેં તને તારી પોતાની વાર્તા લખવાની ના પાડી

અને તેના બદલે તારો અવાજ દબાવી દીધો

તારી આશાઓને ગળે ટૂંપો દઈ

તારો વિકાસ થતાં અટકાવી

અને તારી સફળતાને ઇરાદાપૂર્વક કચડી નાંખી

ભય, ચિંતા, અસલામતીથી

આત્મવિશ્વાસનો અભાવ પેદા કરી

અને આત્મ-શંકા કરી

હું તે સમય માટે માફી માંગુ છું.

જ્યારે હું અન્યને ઊંચી પડધીએ બેસાડું છું

અને તારા વિશે તેમના મંતવ્યોને

તારા પોતાના કરતા ઉપર ગણું છું.

હું તે સમય માટે માફી માંગુ છું.

જ્યારે અન્ય લોકોએ તને ઘાયલ કર્યો

તારી ટીકા કરી

તારી મજાક ઉડાવી

તું નીચ, નાલાયક છે, તેવી અનુભૂતિ કરાવી

અથવા તારા સ્થાનનો દુરુપયોગ કર્યો

અને તને વિચિત્ર, ભિન્ન, અલૌકિક અથવા ફરી જનાર કહ્યો

અને લેબલોનો એક સંપૂર્ણ સમૂહ આપ્યો

કારણ કે તેઓ તારી યોગ્યતા જોવા માટે અસમર્થ હતા

તું તેઓની વિચારધારામાં ફિટ થયો નહીં

અથવા તે તને સમજી શક્યા નથી

અને તારી સાથે વળગી રહેવાને બદલે

મેં તેઓની વાત સાંભળી

તેના દ્વારા દુઃખી થવાનું પસંદ કર્યું

અને તે સંદેશાઓને આંતરિક બનાવ્યા

તને તું કોણ છે તે નક્કી કરવા અને વ્યાખાંકિત કરવાની મંજૂરી તેઓને આપવાને બદલે

તું વધુ સારો જાણકાર છે અને તારી જાતને વ્યાખાંકિત કરી શકે છે

તેવો વિશ્વાસ કરવાને બદલે

હું તને એ શીખવવા બદલ માફી માંગુ છું

પોતાને સંકોચવા માટે

અન્યને વધુ આરામદાયક બનાવવા માટે

તારી જાતને નાની બનાવી

તારી આસપાસના લોકોને સંતુષ્ટ કરવા માટે

ઓછા સુંદર દેખાવાનો પ્રયાસ કરવા

બીજાને પોતાના વિશે સારું લાગે તે માટે

ઓછા બુદ્ધિશાળી દેખાય

તેનાથી અન્ય લોકોને ઓછા ભયભીત થાય તે માટે

અને નીચા સ્વરે બોલવા માટે

અને વિશ્વમાં ઓછી જગ્યા લેવા માટે

તું તારું શરીર જ છે એમ માનીને,

કે તારું બાહ્ય આવરણ વધુ મહત્વનું છે

તારા આંતરિક આત્મા કરતાં

અને એવું માનવા માટે કે તારે તારી જાત સામે અને અન્ય લોકો સામે તારી યોગ્યતા સાબિત કરવાની છે

વિશ્વમાં લાયકાત ભર્યું સ્થાન મેળવવા માટે.

અને હું તને જાણવા માંગુ છું

મને તારા પર ગર્વ છે

હું તારા માટે આભારી છું

અને તું કેટલો લાંબો સફર કરીને આવ્યો છે અને તું કોણ બની રહ્યા છે

તે જોઈને હું આશ્ચર્યમાં છું

તારા મૂલ્યને ઓળખવામાં નિષ્ફળ થવા બદલ કૃપા કરીને મને માફ કરજે

તું પૂરતો નહોતો, તું પ્રેમ માટે લાયક નોહતો એવું માનવા બદલ

કૃપા કરીને મને માફ કરજે

અને કૃપા કરીને આ ક્ષણથી જાણજે

હું તારી જરૂરિયાતોને પ્રાથમિકતા આપું છું

હું તારું માર્ગદર્શન સાંભળું છું

હું તને સ્થાન ગ્રહણ કરવા તેમજ તને પોતાની જાતને અનન્ય વ્યક્તિ બનવા મંજૂરી આપું છું

જ્યારે અન્ય લોકો એ વાત ન ઉજવે, છતાં હું તને સંપૂર્ણ રીતે ઉજવું છું

હું સ્વીકારું છું કે તું અધિકૃત રીતે કોણ છે

હું તને તે સમય માટે માફ કરું છું જ્યારે તું નિષ્ફળ ગયો અને તેં ઠોકરો ખાધી

તારા નિયંત્રણની બહારના બાહ્ય પરિબળોને કારણે, હું અન્ય લોકોને તને નીચે લાવવા, અને તને તારા વિશે ઓછું અનુભવવા દેવાનો ઇનકાર કરું છું

અને હું તને પ્રેમ કરવાનું અને સંપૂર્ણ રીતે સ્વીકારવાનું પસંદ કરું છું

આજથી એની શરૂઆત કરું છું.

તાહલિયા હન્ટર દ્વારા

.

Dear self,

I apologize for the times

When I refused to listen to you

And instead listened to the sea of voices surrounding you

As though they knew what was best for you

Rather than you

I apologize for the times

When I refused to allow you to write your own story

Live your own life

Follow your own dreams

And listen to your own heart

And instead suppressed your voice

Silenced your hopes

Stunted your growth

And sabotaged your success

Out of fear, anxiety, insecurity

A lack of self-confidence

And self-doubt

I apologize for the times

When I put others on a pedestal

And elevated their opinions of you

Above your own

I apologize for the times

When others wounded you

Criticized you

Made fun of you

Left you feeling like you were ugly, worthless

Or a waste of space

And called you strange, different, weird or quirky

And a whole bunch of labels

Because they were incapable of seeing your worth

You didn’t fit into their boxes

Or they didn’t understand you

And instead of sticking up for you

I listened to them

Chose to be hurt by them

And internalized those messages

Allowing them to dictate and define who you were

Rather than allowing you to trust that you knew better

And to define yourself

I apologize for teaching you

To shrink yourself

To make others more comfortable

Make yourself small

To satisfy those around you

Attempt to appear less beautiful

To make others feel better about themselves

Appear be less intelligent

To make others feel less intimidated

And to be less loud

And take up less space in the world.

For believing that you were your body

And your outer shell was more important

Than your inner soul

And for believing that you had to prove yourself and your worth to others

In order to be deserving of a place in the world.

And I want you to know

I’m proud of you

I’m grateful for you

And I’m in awe of how far you’ve come

And who you are becoming.

Please forgive me for failing to recognize your worth

Please forgive me for believing that you weren’t enough

And that you were undeserving of love

And please know that from this moment on

I’m putting your needs first

I’m listening to your guidance

I’m allowing you to take up space and be your own unique person

I’m celebrating you fully even when others don’t

I’m embracing who you authentically are

I’m forgiving you for the times when you’ve failed and stumbled

I’m refusing to allow others to bring you down and make you feel less about yourself due to external factors beyond your control

And I’m choosing to love and accept you fully

Starting from today.

By Tahlia Hunter

.

( તાહલિયા હન્ટર, ભાવાનુવાદ : અલ્પમ દેસાઈ ભટ્ટ )

 

ત્રણ કૃષ્ણ કાવ્યો-યોગેશ જોષી

(Devansh Raval, Valsad as Kanha)

.

દૂરથી

વહી આવતા

વાંસળીના સૂરનો

હળવોક

સ્પર્શ થતાં જ

વાંસવનમાં

વાંસ વાંસને

ફૂટ્યા ફૂલ !

*

પહાડ આ ઊઠાવવાને પ્રેમનો;

આંગળી મેં કૃષ્ણની માગી હતી.

*

મારગ

.

નથી મારા માથે ટોપલો.

નથી ટોપલામાં નવજાત કાનુડો.

નદીમાં ઊમટેલાં

ગાંડાતૂર પૂર જોઈને જ

ઝંપલાવ્યું’ તું આ…મ…

ને તોય

કેમ આ પાણી

બે ભાગમાં વહેંચાઈ જઈને

કરી આપે છે મારગ ?!

ક્યાં લઈ જવા ?!

.

( યોગેશ જોષી )

 

કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?-કૃષ્ણ દવે

.
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
ધૂળમાં એક-બે જોઈ પગલી જરા આંખ નીકળી પડી ત્યાં જ છલકાઈને !
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈ ને ?
.
ખેલતું, કૂદતું, શોધતું ગોદને, હૂંફનું બારણું જ્યાં સ્વયમ્ ખુલતું,
પાંપણોમાં પ્રવેશી જતું હોય શું ? આંખ મીંચી જતું ઝૂલતું ઝૂલતું,
કંઠ કોનો હશે ? ગીત કોના હશે ? કોણ પોઢાડતું હોય છે ગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
લ્હેરખીની હથેળી ફરે હેતથી વૃક્ષની ડાળના ગુચ્છશાં પર્ણમાં,
કોણ ગવડાવતું ગીત આ મર્મરી ? કૂંપળોના સ્વરો ગુંજતા કર્ણમાં,
કોણ આવે અને જાય પળમાં વળી, વ્હાલ કરતું રહે આમ લહેરાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
માત્ર હુંકારથી ગર્જનોથી ભર્યું જે નહીં સંભવે સિંધુના ક્હેણથી,
સ્હેજ ભીનાશથી, સ્હેજ મીઠાશથી, એ બધું સંભવે બિંદુ ના વેણથી,
કોણ મ્હેકી જતું હોય છે શ્વાસમાં ! કોણ ઉઘડી જતું હોય રંગાઈને ?
કોણ અહીંથી ગયું સ્હેજ મલકાઈને ?
.
( કૃષ્ણ દવે )

કાન્હા બીજું તો શું કરીએ!-દેવાયત ભમ્મર

(Viansh Parekh, Canada as Kanha)
.
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
ધ્યાન તારું ધરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
.
આવ્યો વ્હાલાં અવની પરે.
વિધ વિધ કર્યા કામ.
આંતરડી વ્હાલાં સૌની ઠરે.
હજું, લેતાં તારું નામ.
શ્યામ તને સમરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
.
હશે કેવું રૂપ તિહારું!
કેવો હશે તું કહાન!
સંગ રહેવા તારી સારું.
લોક ભૂલી જતાં ભાન.
કલ્પનાં ગોકુળની કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
ધ્યાન તારું ધરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
.
વખત અઢળક વહી ગયો.
વહેતો રહ્યો વનમાળી.
‘દેવ’ હૃદયમાં રહી ગયો.
ત્રિવિધ તાપને ટાળી.
તારાં નામે તરીએ વ્હાલાં બીજું તો શું કરીએ!
કાલાવાલા કરીએ કાન્હા બીજું તો શું કરીએ!
.
( દેવાયત ભમ્મર )

દોસ્ત! વાત મારી તું માન-અનિલ ચાવડા

દોસ્ત! વાત મારી તું માન,
જન્માષ્ટમી સાવ હવે નજદિક આવે છે તો આપણેય થઈ જઈએ ક્હાન!
દોસ્ત વાત મારી તું માન…
.
સપનાની છલકાતી મટકીઓ ફોડીને
મધમીઠા માખણને ખાઈએ,
ઇચ્છાની ગોપીઓ જો નહાવાને આવે તો
વસ્ત્રો લઈ આપણે સંતાઈએ,
વ્હાલપની વાંસળીને ફૂંકીને ચાલ ગાઈ આપણેય અદકેરું ગાન,
દોસ્ત વાત મારી તું માન…
.
આપણામાં બેઠો છે કાળમીઢ કંસ
એને પડકારી મેદાને હણીએ,
જીવતરના દરિયાની અંદર જઈ આપણેય
આપણી દુવારકાને ચણીએ!
એ પ્હેલા સમજી જઈ આપણે કે શ્વાસ ક્યાંક ખોઈ દે સુધ-બુધ-ભાન…
દોસ્ત વાત મારી તું માન…
.
( અનિલ ચાવડા )

જન્માષ્ટમી વિશેષ

સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત હશે. જો કે સાચું કહું તો કદાચ મેં અત્યાર સુધી ઘણા બધા વાર, તહેવાર, ઉત્સવ, પર્વ કે ઘણી બધી મહાન હસ્તીઓ પર લેખ લખ્યાં હશે પણ મને લાગે છે હું હજી એટલી સમર્થ નથી કે ન તો કદાચ ક્યારેય થઈશ કે કૃષ્ણને કાગળ પર ઉતારી શકું કે એને મારાં શબ્દોની માયાજાળમાં બાંધી શકું.
શક્ય છે મારી આ રચના કદાચ સાહિત્યનાં કોઈ પણ પ્રકારમાં બંધ બેસતી ન હોય પણ મારી અંગત અનુભૂતિ આપ સહુ સમક્ષ આજે વહેતી મુકું છું. આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!
.
બોલ તને કોને મળાવું..???
——————————————
મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું.
મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.
મેં કહ્યું, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ બધુંય એકનું એક!
મન કહે, કાયા ભલે એક પણ એની માયાનાં રૂપ અનેક.
મેં કહ્યું, નામમાં વળી અંતર કેવું? શાને આ ભેદ છાનો?
મન કહે, જેણે ચીર પૂર્યા એ કૃષ્ણ ને વસ્ત્રો ચોર્યા એ કાનો.
મન કહે, બોલ તને કાના ને મળાવું?
મેં કહ્યું, કાનો એટલે રાસલીલા ગોપીઓની,
વૃંદાવનમાં વગોવાતી એ માખણચોરીની,
ને સાનભાન ભુલેલી એ કાનાઘેલી રાધાની,
મને ન ગોઠી વાત વાંસળીનાં સુર રેલાવતા કાનાની..!!
મન કહે, બોલ તને કૃષ્ણને મળાવું?
મેં કહ્યું, કૃષ્ણ તો ભરથાર રુક્મણિનો,
એની આઠ-આઠ પટરાણીઓનો,
ને વધુમાં સોળહજાર એકસો રાણીઓનો.
તારણહાર બધાયનો પણ મને ન ગોઠે સંગાથ કૃષ્ણનો..!!
મન કહે, બોલ તને દ્વારકાધીશને મળાવું?
મેં કહ્યું, દ્વારકાધીશ તો જગતનો નાથ,
શોભાવે રથયાત્રા બની જગન્નાથ,
એની પ્રજા પર એનાં ચાર-ચાર હાથ
મને ન ગોઠે એ મુકુટધારી દ્વારકાધીશનો સાથ..!!
મનડું પૂછે, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ, તારે કરવી કોની હારે પ્રીત?
મેં કહ્યું, રાધા, રુક્મણિ કે મીરાં, હતી ક્યાં કોઈનીય હાર કે જીત!
જેણે એને જે રૂપે ચાહ્યો, એણે એને એ જ સ્વરૂપે પામ્યો.
રાધાનો કાન, રુક્મણિનો નાથ ને મીરાનો મોહન ઓળખાયો.
મારું મન તો સદાય ઝંખે છે એનો સાથ માત્ર એક જ રૂપે,
હું માત્ર એની સખી ને પામ્યો મેં એને મારા સખા સ્વરૂપે.
ઓ રે મનડાં ! ‘ઝીલ’ ને ક્યાંથી ગોઠે તારો કાનો, કૃષ્ણ કે દ્વારકાધીશ;
હું તો મોરપીંછ સમાન, વાંસળીનાં સુરમાં ક્યાંક એમ જ વહી જઈશ..!!
– વૈભવી જોશી ‘ઝીલ’
.
શ્રી કૃષ્ણને દેવ કહેવા, જગતનાં પાલનહાર કહેવા, પથદર્શક કહેવા, જગતગુરુ કહેવા, સખા કહેવા કે પછી કદાચ કૃષ્ણ માટે વપરાતાં તમામ વિશેષણો અતિક્રમી જવાય ને છતાંય કૃષ્ણ એટલે શું એ કહી ન શકાય.
.
કૃષ્ણ એટલે જેને પ્રેમ કરી શકાય, એનો મોહ હોય, એનું આકર્ષણ હોય, એની તરફ વગર કોઈ કારણે તમે ખેંચાઈ જાઓ એવું વશીકરણ હોય, એના પર આંધળો વિશ્વાસ નહિ પણ સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શકાય, એની સામે રડી શકાય, એની સાથે ઝગડી શકાય, એના પર હક કરી શકાય, એના જેટલું અંગત કોઈ જ નહિ, એની સામે હળવા થઈ શકાય, એની આગળ સંપૂર્ણ સમપર્ણ કરી શકાય, એની સામે શરણાગતિ સ્વીકારી શકાય કે પછી કૃષ્ણ એટલે જેમાં એકાકાર થઈ શકાય.
.
આ ગીત બહુ પ્રચલિત છે ‘ગોરી રાધાને કાળો કાન….’ મને હંમેશા એવું લાગ્યું છે કે કૃષ્ણ સાથે કાળો રંગ કદાચ એટલા માટે જોડાયેલો છે કેમ કે કાળો રંગ બધા પર ચડે પણ કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી. એવી જ રીતે જેનાં પર કૃષ્ણનો રંગ ચડ્યો હોય પછી એના પર બીજા કોઈનો રંગ ચડે ખરાં ??
.
કૃષ્ણ એટલે મનુષ્ય તરીકે આદર્શ જીવન જીવીને બતાવનાર, જન્મતાની સાથે જ દરેકેદરેક પ્રતિકૂળતાઓનો સામનો કરી બતાવનાર, સામાન્ય મનુષ્યની જેમ પ્રેમ કરી શકનાર અને વિરહની વેદના પણ ભોગવી જાણનાર, માતાપિતાથી છુટા પડ્યાનું દુઃખ હોય કે એના પ્રિય એવા ગોકુળવાસીઓ, મથુરા, એની રાસલીલા, બાળપણનાં મિત્રો, રાધા, ગોપીઓ સર્વેને છોડી જવાનું દુઃખ હોય. આ બધામાંથી પસાર થઈ કુરુક્ષેત્ર સુધી પહોંચવાની યાત્રા સરળ તો નહિ જ હોય ને !
.
આપણે બધા આજ સુધી કૃષ્ણને મોટા ભાગે બાળ સ્વરૂપે યાદ કરતા આવ્યા છીએ કે એની રાસલીલાઓ યાદ કરતા આવ્યા છીએ. જોકે અંગત રીતે મને એ કૃષ્ણ ગમે છે જેણે ધર્મની રક્ષા માટે શસ્ત્રો ઉગામવા કહ્યું, ‘પાર્થ ને કહો ચડાવે બાણ…’ અધર્મ સામે એમની ભાષામાં વાત કરી, એમનાં કપટ અને કૂટનીતિનાં ઉત્તર સામે મુત્સદ્દીગીરી વાપરી.
ખાસ તો ભીષ્મની પ્રતિજ્ઞા જે યથાવત રાખવાનાં કારણે આ મહાભારતનું મહાભીષણ યુદ્ધ રચાયું એની સામે કુરુક્ષેત્રની મધ્યમાં બધા વચ્ચે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શસ્ત્રો ઉગામ્યાં અને આખાય જગતને એક મહત્વનો સંદેશ આપ્યો કે પ્રતિજ્ઞા એ ધર્મ અને માનવકલ્યાણ કરતાં મોટી તો ન જ હોઈ શકે.
.
ચંદ્રવંશીઓને પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનું બહુ અભિમાન પછી એ મહામહિમ ભીષ્મ હોય કે જેનાં સારથી સ્વંય કૃષ્ણ પોતે છે એવો અર્જુન પણ એ પ્રતિજ્ઞાઓનાં મૂલ્યો એમની પ્રજાએ ભોગવ્યા ત્યારે પોતે સ્વયં નારાયણ હોવા છતાં ધર્મ અને માનવકલ્યાણ માટે જે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શકે એ મારે મન કૃષ્ણ !
.
કૃષ્ણ એટલે માતા ગાંધારીનાં શ્રાપને પણ આશીર્વાદ સમજી પ્રેમથી ગ્રહણ કરનાર. કૃષ્ણ એટલે પરિશ્રમનો મહિમા સમજાવવા ખાંડવવનને ઇન્દ્રપ્રસ્થમાં ફેરવનાર. કૃષ્ણ એટલે સમય વર્તીને રણને છોડનાર. કૃષ્ણ એટલે કહેવાતા સભ્ય સમાજે ત્યજેલી સોળહજાર એકસો પૂજનીય નારીઓનો તારણહાર.
.
કૃષ્ણ એટલે કહેવાતા ક્ષત્રિયોથી ખીચોખીચ ભરેલી સભામાં દ્રૌપદીનાં ચીર પૂરનાર સ્ત્રી સન્માનનો રક્ષક. કૃષ્ણ એટલે ક્ષમ્ય ભૂલો માટે ક્ષમા કરનાર પણ એક હદ વટાવ્યા પછી અક્ષમ્ય અપરાધ માટે સુદર્શન છોડનાર. કૃષ્ણ એટલે કળયુગમાં જીવન કેવી રીતે જીવવું એનું આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડનાર.
.
ટૂંકમાં કહું તો કૃષ્ણ એટલે વાસ્તવિકતાનો સંપૂર્ણ સ્વીકાર, નિરાકાર તોય જેનામાં એકાકાર થઈ ભળી જવાય એ મારે મન કૃષ્ણ..!! એક કૃષ્ણપ્રેમી કહો કે કૃષ્ણઘેલી કહો એનાં તરફથી સહુને જન્માષ્ટમીની કૃષ્ણમય શુભેચ્છાઓ..!!
.
( વૈભવી જોશી )

૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ સ્વાવલંબી બને-અલ્પમ દેસાઈ ભટ્ટ

.

ઘણા બધાને ઘણું બધું આવડે જ છે અને કરે પણ છે. બહારના કામોમાં સ્ત્રીઓએ હજી ઘણું શીખવાની જરૂર છે. આ ખાસ ૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓ માટે છે, જેઓએ ભણવામાં કોમ્યુટર નથી જોયા, પણ મોબાઈલ જોડે હવે ફાવી ગયું છે.
.
જયારે નવા નવા ATM આવ્યા હતા ત્યારે બધાને માટે એ એક આશ્ચર્ય હતું. મારી ઓફિસમાં તો પગાર ચેકથી આપતા એટલે ઉપાડવા તો બેન્કમાં જવું પડે. કંપની જે બેંકમાં પગાર જમા કરતી, એ બેંકે હોંશે હોંશે બધાને ATM કાર્ડ પણ આપી દીધા. બધા એકબીજાને પૂછે કે તે ATM થી પૈસા ઉપાડ્યા. એક હરખ શોખ ની લહેર હતી. ત્યાં સાથે કામ કરતા એક બહેને કહ્યું, “હું તો ATM માંથી પૈસા ઉપાડવાનું શીખવાની જ નથી, નહિ તો પછી ઘરની બીજી જવાબદારીઓની જેમ એક વધુ જવાબદારી મારે માથે આવી જશે”. જ્યારે પતિદેવ ઘરકામમાં મદદરૂપ નથી થતાં ત્યાં પત્નીઓ બહારના કામો કરવા બિલકુલ આતુર હોતી નથી.
.
હવે તકલીફ ક્યાં થાય છે. રિટાયરમેન્ટ પછી પતિભાઈ, થોડા તબિયત બાબતે જેવા અસુરક્ષિત બને, ત્યાં જ પત્ની ઉપર ટોપગોળા વરસાવવાનું શરૂ – હું કેટલા વર્ષથી કહી કહીને થાક્યો – એક ચેક લખતા નથી શીખી, બેંકની સ્લીપ ભરતા નથી આવડતું તો FD ના ફોર્મ કેવી રીતે ભરીશ, એ તો હું આ બધું કરું છું, બાકી હું જતો રહીશ ત્યારે મારી પરસેવાની કમાઈ કોઈ લૂંટી જશે તો તને ખબર પણ નહીં પડે, બધું મૂકી જઈશ તો પણ ઓશિયાળી બનીને જીવવું પડશે વગેરે વગેરે…
.
એ જે હોઈ તે, પણ એવું ન હોય તો પણ દરેક વ્યક્તિ (સ્ત્રી હોય કે પુરુષ) એ ઓનલાઈન પોતાના પૈસાનું મેનેજમેન્ટ શીખવું જ જોઈએ.
.
ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ.
.
૧. લોગીન કરીને સ્ટેટમેન્ટ જોતા આવડવું જોઈએ.
૨. કોઈને પૈસા મોકલતા આવડવું જોઈએ (Third party payments – Add beneficiary).
૩. બેન્કિંગ દ્વારા બિલ autopay on due date સેટ કરી શકાય (ગેસ બિલ, મોબાઈલ, ક્રેડિટ કાર્ડ) વગેરે માટે.
૪. લાઈટ બિલ, પ્રોપર્ટી ટેક્ષ, કે કોઈપણ બિલ ની સાઇટ પર જઈ ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા બિલ પેમેન્ટ કરતા આવડવું જોઈએ.
૫. કોઈપણ બેંક કે કંપનીની FD ઓનલાઈન બનાવતા આવડવું જોઈએ. એજન્ટનો જમાનો ગયો.
૬. Share અને Mutual Funds ઓનલાઈન લે વેચ કરતા શીખી લેવું જોઈએ.
૭. ખરીદી કરો ત્યારે Paytm, ગુગલપે, વગેરે પ્રેમથી વાપરો, QR Code scan કરી પેમેન્ટ કરતા શીખી જાવ. પાકીટ વગર ફરવાનું ગમશે.
૮. રીકરીંગ ડિપોઝીટ, SIP, LIC ના પ્રિમયમ વગેરે ઓનલાઈન ઓટોમેટિક ભરવાનું સેટિંગ કરતા, તેમજ સેટિંગ બંધ કરતા શીખવું જોઈએ.
૯. પોસ્ટ ઓફિસ પણ હવે online થવા જઈ રહી છે, માટે એ થાય કે તુરંત પોસ્ટના બધા બચત વહેવાર શીખી લેવાના.
.
ઓનલાઈન શોપિંગ: ગમે કે ન ગમે સંકટ સમયની સાંકળ બની શકે છે. અત્યારે Blinkit જેવી app છે જે ૧૨-૧૫ મિનિટમાં વસ્તુ ઘરે હાજર કરી શકે છે. ઘરે બેઠા વસ્તુ આવી જાય. ૪૦-૫૦ રૂપિયા ડિલિવરી ચાર્જ લે છે તેમાં તમારો પેટ્રોલ કે રીક્ષા ખર્ચ, બહારના કપડાંની જોડી ધોવાનો ખર્ચ, સમયની બચત તેમજ વસ્તુઓ ઊંચકીને લાવવાની તાકત બચી જાય છે.
.
ઉબર અને ઓલા app ચલાવતા આવડવું જ જોઈએ. આ apps ને કોઈ પણ Paytm જેવી પૅમેન્ટ app સાથે લિંક કરવી ખૂબ જરૂરી છે. ઓલા ઉબરમાં ભાડું ૫૮.૪૩ કે ૭૨.૮૩ જેવું બતાવતા હોય છે. જો cash આપશો તો તમે ૬૦ કે ૭૫ આપવા પડશે, એને બદલે જો લિંક હશે તો exact amount કપાશે, અને પર્સમાં cash ન હોય તો પણ રીક્ષા કે કારમાં ફરી શકો તે વધારાનો ફાયદો.
.
તેવું જ credit card નું છે. કોઈ દિવસ પાકિટમાં પૈસા ન હોય અને કઈંક ખરીદી યાદ આવે કે કોઈ વસ્તુ ખરીડવાનું મન થઇ જાય તો તમે તે વસ્તુ ખરીદી શકો. હા, ક્રેડિટ કાર્ડમાં ગજા બહારના ખર્ચ ન થઈ જાય તેની સાવચેતી રાખવી જોઈએ.
.
હવે આટલું બધું ઓનલાઈન કરો તો ઘણાબધા login અને password ના માલિક બનો – તો એ બધા યાદ કેવી રીતે રાખવા. દરેક લોગીન લખી રાખવું. તેનો પાસવર્ડ પણ તમે encrypt કરી લખી શકો. એટલે જો મારું બેંકનું login 12345678 હોય તો તે લખી તેની સામે password માં હું એવું લખી શકું કે મારું ફૂલ@મારા છોકરા એટલે મને તરત યાદ આવી જાય કે mogra@1. Encrypt એટલે એ શબ્દો ફક્ત તમે સમજી શકો બીજા નહીં. પછી ૪-૬ મહિનામાં બધા login અને password જેમ જેમ વપરાતા જશે તેમ તેમ યાદ રહેશે.
.
ઘણા લોકોને OTP યાદ રાખી Enter કરવામાં તકલીફ પડે છે. તો જ્યાં પણ શક્ય હોય ત્યાં મોબાઈલ પોતે OTP વાંચીને લખી દે છે તે allow કરવું જોઈએ, અડધી તકલીફ દૂર થાય. બીજું કે OTP માટે મેસેજ ખોલવા ન જાવ. OTP ને Pop up થવા દો અને જે આંકડા દેખાઈ તે 123 123 એમ મોટેથી બોલો અને સાથે સાથે લખતા જાવ. થોડી પ્રેકટીસ કરશો એટલે યાદ રહેશે.
.
મેં કોમ્પ્યુટર પ્રથમ વખત જોયું ત્યારથી હું એના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ હતી, આજ સુધી એ પ્રેમ બરકરાર રહ્યો છે. એટલે હું બને ત્યાં સુધી cash વાપરતી જ નથી. ફક્ત મારે ઘરે ઘરકામ માટે આવતા છોકરાને cash પગાર આપું છું. બાકી મારે તો ધોબી, દૂધવાળા ભાઈ, બધાય ઓનલાઈન પેમેન્ટ લે છે. પહેલાં દર મહિને X રૂપિયા ATM માંથી હું દર મહિને ઉપાડતી, હવે એજ રકમ ૬ મહિને ઉપાડું છું.
.
આ બધાની સાથે જરૂરી સાવચેતીઓ – “કોઈપણ દિવસ કોઈપણ વ્યક્તિ સાથે કોઈપણ લોગીન, પાસવર્ડ કે OPT share કરવો નહીં”. આ વાક્ય ચાર વાર વાંચો. બેંકના કર્મચારીઓ સાથે પણ નહીં.
.
( અલ્પમ દેસાઈ ભટ્ટ )

જ્યારે બજરંગબલી જાગશે !-કૃષ્ણ દવે

જ્યારે બજરંગબલી જાગશે !

લંકામાં આગ ફરી લાગશે, જ્યારે બજરંગબલી જાગશે !
એક ગદામાં જુઠ્ઠાણું ભાંગશે, જ્યારે બજરંગબલી જાગશે !

સેવા હનુમાન કરે એવું ઈચ્છો છો તો પહેલા તો લઈ આવો રામ
ભાગેલી નહીં એ તો જાગેલી જીન્દગીના દોડી દોડીને કરે કામ

ચરણરજ એની એ માથે ચડાવશે ને બેસવાનું સામેથી માંગશે

જ્યારે બજરંગબલી જાગશે !

આ તો છે આખ્ખી’યે દુનીયાના દાદા ને દાદાને સળીયું ના હોય
વિકૃતિ જન્મે જ્યાં એવા દિમાગની તો સાફ સૂફી કરો ધોઈ ધોઈ

મંદિરને બદલે શોકેશ બની જાશે ત્યાં જેને હનુમંતપણું ત્યાગશે

જ્યારે બજરંગબલી જાગશે !

(કૃષ્ણ દવે)

अमृता प्रीतम को उनके जन्मदिन पर याद करते हुए

॥ अमृता प्रीतम को उनके जन्मदिन पर याद करते हुए ॥

आज अमृता प्रीतम जीवित होतीं तो जीवन का शतक पूरा कर चुकी होतीं।

उनका जन्म 1919 में 31 अगस्त के दिन हुआ था। वे हमारे साथ 31 अक्तूबर, 2005 तक रहीं।

उनकी शताधिक पुस्तकें पाठकों के बीच सदा चर्चित रहीं, वे उनके आगमन की प्रतीक्षा करते रहते थे। अपनी निजी ज़िंदगी में वे एकदम बिंदास थीं, कभी कुछ नहीं छिपाया। खोजी पत्रकारों को ध्वस्त करते हुए वे अपने बारे सब कुछ खुद ही उजागर कर देती थीं, लिख देती थीं। यही कारण था कि उनकी आत्मकथा ‘रसीदी टिकट’ हर पाठक ने पढ़ी। उन्हें अपने कृतित्व के लिए भारत सरकार ने पद्मभूषण से भी सम्मानित किया था।

जब 1982 में उन्हें ज्ञानपीठ पुरस्कार दिए जाने की घोषणा हुई, मैं राजस्थान विश्वविद्यालय जयपुर में पढ़ रहा था। थोड़ी बहुत पत्रकारिता भी कर लेता था। यह समाचार सुन कर, मैं अगले दिन राजस्थान के एक प्रसिद्ध समाचार पत्र राजस्थान पत्रिका के लिए उनका साक्षात्कार लेने के लिए, उनसे दिल्ली जाकर मिला।

एक 22-23 साल के लड़के को टेप रेकॉर्डर और कैमरा लिए देख कर उन्होंने स्नेह से मेरे सर पर हाथ रखते हुए पूछा- तुम मुझे समझ पाओगे? अभी तो कोई इश्क का तजुरबा भी नहीं होगा तुम्हारे पास। मैं शरमा कर रह गया। मैंने कहा – मैंने आपकी कई सारी किताबें पढ़ी हैं। कुछ को तो रास्ते में पढ़ता हुआ आया हूँ।

उन्होंने बड़े स्नेह से इंटरव्यू दिया और चलते हुए कहा- मेरे सभी फोटो मुझे दे देना, उनसे इश्क मत कर बैठना वरना इमरोज़ का दिल बैठ जाएगा।
पास के कमरे में बैठे इमरोज़ धीरे-धीरे मुस्कुरा रहे थे।

आज वह पुराना चित्र आपके लिए खोजा है।

( राजेश्वर वशिष्ठ )

ફરી શકતો નથી-કુમાર જૈમિની શાસ્ત્રી

એક એકલતા મને તારા સુધી લઈ જાય છે,
પણ પછી હું એકલો પાછો ફરી શકતો નથી.

તું કહે તો યાર સાતે સાગરો ખેડી શકું,
માત્ર તારી આંખમાં સહેજે તરી શકતો નથી.

કાળના ખાલીપણાનો પણ પુરાવો એ જ કે-
કોઈના અવકાશને ક્યારેય ભરી શકતો નથી.

તું જશે તો આ જગત જાણી જશે તારા વગર,
હું જીવી શકતો નથી ને હું મરી શકતો નથી.

સ્વપ્ન છું કે અશ્રુ છું બસ આ દ્વિધાને કારણે,
બોજ છું પાંપણ ઉપર, તો પણ સરી શકતો નથી.

( કુમાર જૈમિની શાસ્ત્રી )